કૌશલ બારડ લેખકની કલમે

દેશી ઘીની ખરી તાકાત દેખાડી દીધી આ 70 વર્ષના વડીલોએ 8 મણના ગાડીનાં પૈડાં ઉપાડીને! વાંચો ક્લીક કરીને આખો લેખ

હરિયાણામાં ૭ થી લઈ ૨૩ ડિસેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ યોજાઈ રહ્યો છે. લોક સંસ્કૃતિ, લોકકળા અને લોક લાગણીઓનો મેળો ઉમટી રહ્યો છે આ વખતે. હરિયાણાના કુરૂક્ષેત્રમાં યોજાયેલ ગીતા મહોત્સવમાં મોરીશિયસ દેશ પણ ભાગીદાર છે તો વિશ્વ વિવિધ દેશોનો આર્ટીસ્ટો પણ અહીં આવીને ‘પેઇન્ટ ધ વોલ’ સ્પર્ધા અંતર્ગત કુરૂક્ષેત્રની દિવાલોને પોતાના કલાત્મક ચિત્રોથી રંગે છે.  આમ તો આ મહોત્સવ અત્યંત પ્રસિધ્ધ છે અને વિધવિધ કળાના કસબીઓ અહીં પોતાના કરતબ દેખાડે છે અને લોકમેદની તેને તાળીઓના ગડગડાટથી વધાવી લે છે, પણ ગીતા મહોત્સવના ત્રીજા દિવસે બે વૃધ્ધ સજ્જનોએ આવીને કુરૂક્ષેત્રના મેદાનમાં જે કરતબ દેખાડ્યું એ તો માણસોને ખરેખર અભિભૂત કરી દેનાર હતું.

મહોત્સવના ત્રીજા દિવસે ૭૦ વર્ષ જેટલી ઉંમરના બે બુઝુર્ગો ભીડમાંથી સ્ટેજ પર આવ્યાં અને બળદગાડીનું ૮૦ કિલોનું એક એવા લાકડાનાં બબ્બે પૈડાં એક-એક હાથમાં ઉપાડ્યાં. બળદગાડીનું પૈડું કેવું ભારે હોય છે એ ખ્યાલ કરવો હોય તો એને ઉપાડી જોવાની કોશિશ કરજો. હટશે પણ નહી! આ બંને વૃધ્ધોએ એવું એક નહી પણ બબ્બે પૈડાં એક-એક હાથમાં ઉપાડ્યાં અર્થાત્ એક જણે વજન ઉપાડ્યો ૧૬૦ કિલો : ૮ મણ! અલબત્ત, માત્ર પૈડાં ઉપાડ્યાં જ નહી પણ એને એકબીજા સાથે અથડાવ્યાં, ફેરવ્યાં પણ ખરાં; જેમ નાનું બાળક ડાંડિયે રમતું હોય તેમ!સાત દાયકા વટાવી ચુકેલ આ વયોવૃધ્ધોનો કમાલ જોઈને આજના યુવાનો કદાચ શરમથી લાલ થઈ ગયા હશે. મેદનીએ તો આ ખરા અર્થના ‘દાદા’ઓને તાળીઓના ગડગડાટથી વધાવી જ લીધા. હરિયાણી સંસ્કૃતિના જાણકાર તરીકે પ્રસિધ્ધ મહાસિંહ પૂનિયા દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું.

લોદર ગામના છાજ્જૂ રામ અને બીજા ટેકરામ નામના આ વડીલોએ જ્યાં આ કરતબ દેખાડ્યું ત્યાં જ પાંચ હજાર વર્ષ પહેલાં પણ એક જણે રથનું ચક્ર ફેરકણાંની જેમ ફેરવીને યુધ્ધ મેદાનમાં દુશ્મનોને મોઢે ફીણાં લાવી દીધેલા. એ નરબંકો એટલે સુભદ્રાસુત અભિમન્યુ!જ્યારે બંને વડીલોને પોતાની આ અદ્ભુત તાકાતના કારણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમણે જે જવાબ આપ્યો તે પિત્ઝા-બર્ગર અને પાણીપુરીથી પેટ ભરતી યુવાપેઢીને માટે જ જાણે હતો કે, “અમારી આ તાકાતનું કારણ દેશી ઘી છે!” સ્વાભાવિક જ વાત છે કે, પાઉંભાજીની લારીઓ પર ચોવીસ કલાક ઉભો રહેનારો વ્યક્તિ કદી ખેતરે હેન્ડલ ફેરવીને મશીન પણ ના ચાલુ કરી શકે! એ માટે જ દેશી ઘી-દૂધ અને ગોળ જ જોઈએ. આજે દેશી ઘી માનો કે મોંઘું મળે છે પણ જેટલાં રૂપિયામાં ફાસ્ટ ફૂડથી એકટાણાનું પેટ ના ભરાય એટલામાં તો કિલો ઘી આવી જ જાય.

હરિયાણાવાસીઓ આ તાકાત માટે જ તો કહે છે કે, ‘દેસાં મ્હ દેસ હરિયાણા, જિત દૂધ દહીં કા ખાણા!’

Author: Kaushal Barad GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.