ખબર

દિલ્હીની આ હોસ્પિટલમાં 80 કર્મચારી કોરોનાની ઝપટમાં, વેક્સિનના બન્ને ડોઝ લઈ ચૂકેલા 1 ડોક્ટરનું મોત

સમગ્ર દેશ સહિત દિલ્હીમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. આ દરમિયાન સરોજ સુપર સ્પેશિયલિટી હોસ્પિટલના 80 સ્વાસ્થ્યકર્મીઓ કોરોના સંક્રમિત થતા હડકંપ મચી જવા પામ્યો છે. ત્યારે એક ડોક્ટરનું કોરોનાથી મોત થયુ છે. આ બાદ હોસ્પિટલના અનેક કર્મચારીઓ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે.

દિલ્લીની સરોજ હોસ્પિટલમાં હવે ઘણી ઓપીડી સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. હવે 12 ડોક્ટર હોસ્પિટલમાં દાખલ છે. જયારે બાકીનાને હોમ ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.

તમને જણાવી દઇએ કે, દિલ્લી છેલ્લા ઘણા દિવસોથી કોરોનાની બીજી લહેરનું સામનો કરી રહ્યુ છે. રાજધાનીમાં સતત નવા કેસ અને મોતનો આંકડો વધી રહ્યો છે. આ જ કારણ છે કે છેલ્લા લગભગ 3 સપ્તાહથી દિલ્લીમાં લોકડાઉન લાગેલુ છે અને એક સપ્તાહ વધારી દેવામાં આવ્યુ છે.

હોસ્પિટલના પ્રમુખ સ્વાસ્થ્ય અધિકારી ડોક્ટર પીકે ભારદ્વાજે મીડિયાને જણાવ્યુ કે હોસ્પિટલમાં વરિષ્ટ ડોક્ટર એકે રાવતનું શનિવારે કોરોનાથી નિધન થયુ છે. ભારદ્વાજ અનુસાર, ડોક્ટર રાવતના રસીના બન્ને ડોઝ લીધા હતા. આ બાદ પણ કોરોના તેમને ભરખી ગયો. તેમણે કહ્યુ કે ગત એક મહિનામાં હોસ્પિટલના 80 કર્મચારીઓ સંક્રમિત થઈ ચૂક્યા છે.

દિલ્હીમાં વધતા કોરોનાના કેસને જોતા દિલ્હી સરકારે રવિવારે 13 હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારી દીધી છે. સાથે હોસ્પિટલોને આદેશ આપવામાં આવ્યો છે કે તે કોરોના એપ પર બેડની સંખ્યાના વિષયમાં યોગ્ય જાણકારી આપે.