લોકોને નથી રહ્યો પોલીસનો ડર! કાર ચાલકે પોલીસકર્મીઓને બોનેટ પર લટકાવી ઢસેડ્યા

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કાર ચાલકનું ઘાતક કૃત્ય સામે આવ્યું છે. કાર ચાલકે હેવાનીયતની તમામ હદો પાર કરી દીધી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં, કાર ચાલક બે ટ્રાફિક પોલીસકર્મીઓને બોનેટ પર ઢસેડી રહ્યો છે.

દિલ્હીમાં બેર સરાઈ રેડ લાઈટ ક્રોસિંગ પર કાર ચાલકની નિર્દયતાનો વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે બે ટ્રાફિક પોલીસકર્મીઓ કારના બોનેટ પર લટકીને કાર રોકવા માટે બૂમો પાડી રહ્યા છે. કારચાલક કાર રોકવાને બદલે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો છે. અચાનક ડ્રાઈવરનું આક્રમક વલણ જોઈને ટ્રાફિક પોલીસ કર્મચારીઓ ડરી જાય છે. તેઓ પોતાનો જીવ બચાવવા કારના બોનેટ પર લટકી જાય છે. નવાઈની વાત એ છે કે આ સમગ્ર ઘટના દરમિયાન ડ્રાઈવરે કારને બીજી દિશામાં ફેરવી દીધી. આ ઘટનામાં ટ્રાફિક પોલીસના બે જવાન ઘાયલ થયા છે. તેમને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, કાર ચાલક પોલીસકર્મીઓને લટકાવીને લગભગ 20 મીટર સુધી ઢસડે છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, 2 નવેમ્બરના રોજ કિશનગઢ પોલીસ સ્ટેશનને આ ઘટના અંગે PCR કોલ આવ્યો હતો. ત્યારબાદ તરત જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટનામાં ASI પ્રમોદ અને HC શૈલેષ ચૌહાણ ઘાયલ થયા છે.

શું છે સમગ્ર મામલો ?

ASI પ્રમોદ અને HC શૈલેષ બેર સરાઈ માર્કેટ રોડ પર વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા. ત્યારે એક કાર નંબર DL-9C-BC-7528 લાલ લાઈટ કૂદીને તેમની તરફ આવી. આ અંગે HC શૈલેષે ડ્રાઈવરને કારમાંથી બહાર આવવા કહ્યું અને તેણે ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. કાર ચાલકે પોલીસકર્મીઓને ટક્કર મારી 20 મીટર સુધી ઢસડી અને તે સ્થળ પરથી ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે આરોપી પર ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Twinkle
Exit mobile version