દિલ્હીમાં રોડ પર 12 KM કાર પાછળ ઘસેડીને યુવતીના મોત સમયે સ્કૂટી પર એક નહિ પરંતુ 2 છોકરીઓ હતી…

આપણા દેશમાં અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સતત સામે આવી રહી છે, જેમાં ઘણા અકસ્માતની અંદર નિર્દોષ લોકો પણ ભોગ બનતા હોય છે. ઘણીવાર એવા અકસ્માતની ઘટનાઓ પણ સામે  આવે છે જેને સાંભળીને આપણા રૂંવાડા પણ ઉભા થઇ જાય. ગતરોજ દિલ્હીમાંથી પણ એક એવા જ અકસ્માતની ખબર સામે આવી હતી, જેમાં એક સ્કૂટી સવાર યુવતીને કાર ચાલકોએ 12 કિલોમીટર સુધી ઘસેડી અને યુવતીનું મોત થયું હતું.

ત્યારે આ મામલામાં હવે એક નવો ખુલાસો પણ સામે આવ્યો છે. દિલ્હીના કાંઝાવાલામાં થયેલા આ અકસ્માત દરમિયાન સ્કૂટી પર મૃતક યુવતી ઉપરાંત તેની એક બહેનપણી પણ સાથે હતી, પરંતુ કારની ટક્કર થયા બાદ તેને સામાન્ય ઇજા થતા જ તે ત્યાંથી ભાગી છૂટી હતી. અકસ્માત બાદ અંજલિ કારની સામે પડી ગઈ અને એક્સેલમાં પગ ફસાઈ જવાના કારણે આરોપી તેને 12 કિલોમીટર સુધી ઘસેડતો રહ્યો.

ત્યારે આ મામલે હવે પોલીસે સોમવારે અન્ય યુવતીને શોધીને તેની પાસેથી ઘટના વિશેની જાણકારી મેળવી છે. મંગળવારના રોજ ઔપચારિક રીતે તેનું નિવેદન પણ નોંધવામાં આવ્યું. આ અકસ્માતના મામલામાં તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓએ ઘટનાના થોડા કલાક પહેલા જ થયેલી બર્થ ડે પાર્ટીમાં અન્ય યુવતી પણ મૃતક યુવતી સાથે હોવાની પુષ્ટિ કરી હતી. પોલીસે જણાવ્યું કે હોટલમાં થયેલી પાર્ટીમાં બંને યુવતીઓ સાથે હતી અને પાર્ટીમાં હાજર અન્ય લોકો સાથે પણ પુછપરછ કરવામાં આવી રહી છે.

આ મામલે ગૃહમંત્રી અમિત શાહે પણ સોમવારે દિલ્હી પોલીસ કમિશ્નર સંજય અરોરા પાસેથી ઘટના વિશેની વિસ્તૃત જાણકારી મેળવી હતી અને સઘન તપાસના આદેશ પણ આપ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર ગૃહમંત્રીએ પોલીસ કમિશ્નરને જલ્દી જ કાર્યવાહી કરવા અને વિસ્તૃત રિપોર્ટ જમા કરાવવા આદેશ આપ્યા છે. ગૃહમંત્રીના આદેશા બાદ પોલીસ કમિશ્નરે આ મામલાની તપાસ માટે સ્પેશિયલ કમિશ્નર શાલિની સિંહને જવાબદારી સોંપી છે.

Niraj Patel