ટ્રિપલ મર્ડર કેસ, દીકરો નીકળ્યો હત્યારો : માતા-પિતા બહેનનું ગ*ળુ કા*પ્યુ, જાણો શું હતું કારણ
દિલ્હીના નેબ સરાયમાં 4 ડિસેમ્બરે ટ્રિપલ મર્ડરનો બનાવ બન્યો, 20 વર્ષિય પુત્ર અર્જુને જ તેના 51 વર્ષિય પિતા રાજેશ કુમાર, 46 વર્ષિય માતા કોમલ બેન અને 23 વર્ષિય બહેન કવિતાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. હત્યા બાદ તે રાબેતા મુજબ મોર્નિંગ વોક માટે ગયો હતો. પાછા આવ્યા પછી તેણે શોર મચાવ્યો અને પરિવારના સભ્યોની હત્યા વિશે પડોશીઓને જાણ કરી. તેણે પૂછપરછ દરમિયાન અલગ-અલગ નિવેદનો આપ્યા જેનાથી તેના પર શંકા વધી.
આ પછી અર્જુને પોલીસ સમક્ષ કબૂલાત કરી કે તેણે તેના પરિવારના સભ્યોની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. અર્જુનનો તેના પિતા સાથે વિવાદ ચાલી રહ્યો હતો, તેને ડર હતો કે પિતા સંપત્તિ દીકરીના નામે કરી દેશે. આરોપીના પિતા સૈન્યમાંથી નિવૃત્ત થયા છે, તેઓ તેને ભણવા માટે વારંવાર ટોકતા હતા અને બોક્સિંગ કરિયરમાં સપોર્ટ નહોતા કરતા. આ ગુસ્સામાં જ તેણે પરિવારની હત્યા કરી દીધી.
અર્જુને પહેલાથી જ પરિવારના સભ્યોની હત્યાનો પ્લાન બનાવી લીધો હતો. તેણે હત્યા કરવા માટે તેના માતા-પિતાની એનિવર્સરી પસંદ કરી. 4 ડિસેમ્બરે તેના માતા-પિતા તેમની 27મી એનિવર્સરીની ઉજવણી કરી રહ્યા હતા, તે દિવસે સવારે અર્જુને પહેલા બહેનની હત્યા કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે હાથાપાઇ પણ થઈ હતી. આ પછી તેણે સૂતેલા પિતાની હત્યા કરી નાખી અને અંતે માતા પર હુમલો કર્યો, જે અન્ય બે હત્યા સમયે બાથરૂમમાં હતી.
અર્જુને તેના પરિવારના સભ્યોને મારવા માટે પિતાની સર્વિસ છરી પસંદ કરી હતી. હત્યા કરતી વખતે કોઈ અવાજ ન આવે તે માટે તેણે પરિવારના સભ્યોના ગળાના ભાગે હુમલો કર્યો હતો. લોહી વહેતું બંધ કરવા માટે અર્જુને ત્રણેયના ગળામાં કપડું પણ નાખ્યું હતું અને હત્યા કર્યા બાદ અર્જુન રોજની જેમ સવારે સાડા પાંચ વાગ્યે મોર્નિંગ વોક માટે નીકળી ગયો હતો. પછી પાછા આવ્યા બાદ તે પહેલા ઘરે ગયો અને ઘરની બહાર નીકળ્યા બાદ તેણે માતા-પિતા અને બહેનની હત્યા અંગે પાડોશીઓ અને સંબંધીઓને જાણ કરી.
પડોશીઓએ પોલીસને ફોન કરીને આ ઘટના અંગે જાણ કરી. અર્જુન હાલમાં દિલ્હી યુનિવર્સિટીમાંથી બીએ કરી રહ્યો છે. અર્જુન એક પ્રોફેશનલ બોક્સર પણ છે અને બોક્સિંગમાં કરિયર બનાવવા માંગે છે. તેણે દિલ્હીથી બોક્સિંગ ઈવેન્ટમાં પણ ભાગ લીધો હતો જ્યાં તેને સિલ્વર મેડલ મળ્યો હતો. બાળકોના સારા શિક્ષણ માટે અર્જુનનો પરિવાર 15 વર્ષ પહેલા હરિયાણાથી દિલ્હી શિફ્ટ થયો હતો.