ખબર

માત્ર 5 જ મિનિટમાં ચોર ઉડાવી ગયા ફોર્ચ્યુનર કાર, શોધવા માટે ફેસબુક ઉપર પોસ્ટ કરી તો ત્યાં પણ ઠગોએ ઠગી લીધો

આજના સમયમાં મોટાભાગની કાર કંપનીઓ પોતાની ગાડીની સલામતીને લઈને ઘણા જ બધા દાવા કરતી હોય છે, છતાં પણ આજના ચોર એટલા ચાલાક બની ગયા છે કે ગમે તેવી સલામતીને તોડી અને એ કોઈપણ ગાડીને ચોરી શકે છે. આવો જ એક કિસ્સો બન્યો છે દિલ્હીના રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા આકાશ સાથે.

પ્રાપ્ત માહિતી અનુસાર 25 નવેમ્બરના રોજ રાત્રે લગભગ 2:30 કલાકે ચોર આઈ-20 કારમાં બેસીને આવ્યા અને  માત્ર થોડી જ મિનિટોમાં આકાશની ફોર્ચ્યુનર કારને અનલોક કરી અને તેને ચાલુ કરીને લઈ ફરાર થઇ ગયા.

Image Source (પ્રતીકાત્મક તસ્વીર)

આકાશને જયારે પોતાની કાર ચોરી થવાની જાણ થઇ ત્યારે તરત જ તેને ઓનલાઇન FIR પણ દાખલ કરાવી પરંતુ પોલીસના હાથે પણ કોઈ સુરાગ ના લાગ્યો. જેના કારણે આકાશ પોતાની જાતે જ કાર શોધવાની મહેનત કરવામાં લાગી ગયો. તેને પોતાની આસપાસના બધા જ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. આકાશને તેની કાર એ સીસીટીવીમાં મળી પણ આવી. ચોર ઘીટોરનીથી છત્તરપુર, મેહરૌલી, ગુડગાંવ રોડ જેવા વિસ્તારોમાં થઈને ઝડપથી કાર લઇ જઈ રહ્યા હતા. તેને આ બધી જ સાબિતીઓ પોલીસને સોંપી જેના કારણે પોલીસ ઝડપી કાર્યવાહી કરી શકે તે છતાં પણ પોલીસના હાથે કઈ ના લાગ્યું.

તેની કાર ઘણા બધા પોલીસ સ્ટેશન ક્ષેત્રમાંથી પસાર થઇ પરંતુ પોલીસને તેના વિશેની કોઈ ખબર ના મળી, અવાર નવાર પોલીસ સ્ટેશનના ચક્કર કાપ્યા છતાં પણ આકાશના હાથમાં તેની કાર આવી નહિ જેના કારણે આકાશે જાતે જ પોતાની કાર શોધવાનો નિર્ણય કરી લીધો.

Image Source

તેને સોશિયલ મીડિયામાં પોતાની કારની તસ્વીર શેર કરવાની સાથે જ એક પોસ્ટ પણ લખી જેમાં તેને કારની તસ્વીર શેર કરવાની સાથે લખ્યું કે, “જે પણ આ કારને શોધશે… તને યોગ્ય ઇનામ આપવામાં આવશે.”

ત્યારબાદ તેને સોશિયલ મીડિયામાંથી જ એક વ્યક્તિએ સંપર્ક કર્યો અને પોતે દિલ્હી પોલીસમાં છે તેમ જણાવ્યું. તે વ્યક્તિએ આકાશની મદદ કરવા માટે તેને વિશ્વાસ અપાવ્યો અને આ ગાડી તેને પરત જોવતી હોય તો 10 હજાર રૂપિયા તેના એકાઉન્ટમાં નાખે તેમ જણાવ્યું.

Image Source (પ્રતીકાત્મક તસ્વીર)

ત્યારે આકાશે તેનો વિશ્વાસ રાખી અને 10 હજાર રૂપિયા તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા. પરંતુ થોડા સમય બાદ તેને પણ અહેસાસ થયો કે તેને ઓનલાઇન પણ ઠગોએ છેતરી લીધો છે. આકાશની ગાડીની અંદર તેના ખુબ જ જરૂરી કાગળિયા હતા જેના કારણે તે વધારે પરેશાન હતો.

સીસીટીવીમાં ચોર જે આઈ-20 કાર લઈને આવ્યા હતા તેના નંબરના આધારે આકાશ જયારે કાર માલિકના ઘરે પહોંચ્યો તો તેમની કાર તેમની પાસે જ હતી જેના દ્વારા પણ એ ખબર પડી કે ચોર ખુબ જ ચાલાક હતા અને નંબર પ્લેટ બદલીને તે ચોરી કરવા આવ્યા હતા.