નશા અને રફ્તારે બે યુવાનોના ભોગ લીધા, ડિવાઇડર કુદાવીને ટુવ્હિલર સાથે અથડાઈ કાર
અમદાવાદમાં અકસ્માતની ઘટનાનો સિલસિલો હજુ પણ યથાવત છે, હાલમાં જ થોડા સમય પહેલા બોપલ-આંબલી રોડ પર રિપલ પંચાલ નામના નબીરા દ્વારા નશો કરી અકસ્માત સર્જવામાં આવ્યો હતો, જેમાં સાતથી આઠ વાહનોને નુકસાન થયું હતું. ત્યારે હાલમાં નરોડા દહેગામ રોડ પરથી અકસ્માતની ખબર સામે આવી.
એક કારના ચાલકે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં બેફામ ડ્રાઈવિંગ કરી અકસ્માત સર્જ્યો અને આ અકસ્માતમાં બે નિર્દોષ લોકોના મોત થયા. કારચાલક એટલી સ્પીડમાં હતો કે ડિવાઈડર કૂદી કાર હવામાં ફંગોળાઈ ગઇ હતી અને સામેની બાજુએ આવી રહેલા એક્ટિવાને ટક્કર મારી હતી. જો કે અકસ્માત બાદ સ્થાનિક લોકોએ કારના ચાલકને ઝડપી પાડ્યો હતો અને ત્યારે તે નશાની હાલતમાં હોવાનું અને લથડિયાં ખાઇ રહેલો હોવાનું સામે આવ્યુ છે.
પોલીસે હાલ કારચાલકને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, દહેગામ નરોડા હાઇવે પર ગત રાત્રે એક્ટિવ પર બે યુવકો જઈ રહ્યા હતા ત્યારે એક સફેદ ક્રેટા ડિવાઈડર કૂદીને રોંગ સાઈડ પર આવી અને તેણે એક્ટિવાને ટક્કર મારી. ક્રેટાની ટક્કરથી બંને એક્ટિવા ચાલકો પટકાયા જેથી બંને યુવકોના સ્થળ પર જ મોત થયા.
આસપાસના લોકોએ કારના ડ્રાઇવર ગોપાલ પટેલને ગાડીમાંથી બહાર કાઢ્યો અને ખૂબ માર માર્યો. આ પછી કારચાલકને પોલીસને સોંપી દેવાયો હતો. આ અકસ્માતને પગલે જે બે યુવકોના મોત થયા છે તેમાં 26 વર્ષિય અમિત રાઠોડ અને 27 વર્ષિય વિશાલ રાઠોડનો સમાવેશ થાય છે.