ખબર

જ્યોતિષે અ’વાદના ભુવાને કહ્યું: “તારી પત્નીને 20 વર્ષ જૂનો પ્રેમ સંબંધ છે.” પછી ભુવાજીએ પ્રેમી સાથે જે કર્યું એ સાંભળીને હચમચી ઉઠશો

હૃદય કંપારી દે તેવો કિસ્સો: અમદાવાદના ભુવાએ તાંત્રિકની વાતોમાં આવીને પોતાની પત્નીના 20 વર્ષ પહેલાના પ્રેમીની કરી હત્યા

પ્રેમ પ્રસંગોમાં હત્યા કરવાના ઘણા કિસ્સાઓ આપણે રોજ બરોજ સમાચાર અને સોશિયલ મીડિયામાં જોતા હોઈએ છીએ, ત્યારે આવો જ એક કિસ્સો હાલ ભાવનગર જિલ્લાના કરદેજ ગામમાં બન્યો છે. જ્યાં 20 વર્ષ જુના પ્રેમ પ્રસંગમાં પ્રેમીની હત્યા કરી દીધી હોવાનો ખુલાસો થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આણંદના ભેટાસી ગામે રહેતા ભુવાજી પોતાના મિત્રો સાથે લોકડાઉનમાં છૂટ મળ્યા બાદ ઉજ્જૈન ફરવા માટે ગયા હતા. જ્યાં તેમને પોતાનો હાથ એક અઘોરી જ્યોતિષને બતાવતા જ્યોતિષે તેમની પત્નીનું 20 વર્ષ પહેલાના અનૈતિક સંબંધોની વાત જણાવી હતી.

ભુવાજીએ પોતાની પત્ની સાથે પણ આ બાબતે ખુલાસો માંગ્યો હતો અને પત્નીએ તે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે તેમ વાત કબુલી હતી. પરંતુ ભુવાજીને તેમની પત્નીની વાત ઉપર વિશ્વાસ ના આવતા તેમને હજુ પણ તે વ્યક્તિ સાથે સંબંધો હોવાની શંકાના કારણે પત્નીના પ્રેમીને મોતને ઘાટ ઉતારી દેવાનો પ્લાન બનાવ્યો હતો.

ભેટાસીમાં પહેલા રીક્ષા ચલાવતા અને છેલ્લા 7 વર્ષથી ભુવાજીનું કામ કરી રહેલા શેલા ભરવાડે પોતાના સાળા અને કેટલાક મિત્રો સાથે મળી અને પોતાની પત્નીના 20 વર્ષ જુના પ્રેમી રાજુ હાડાને મોતને ઘાટ ઉતારવાનું નક્કી કરી દીધું.

કરદેજ ગામમાં રહેતો રાજુ હાડા ૨૯ ઓકટોબરના રોજ આણંદના ભેટાસી ગામે પોતાની સાસરીમાં સરસરાની ખબર જોવા માટે બાઈક લઈને નિકળ્યો હતો. ત્યારબાદ ત્યાંથી 1 નવેમ્બરના રોજ પોતાના ગામ જવા બાઈક લઈને પરત નીકળ્યો હતો. પરંતુ બે દિવસ સુધી પરત ના ફરતાં તેના ગુમ થયા અંગેની ફરિયાદ તેના સાસુએ જ આંકલાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

આ ઘટનામાં 30 ઓક્ટોબરના રોજ રાત્રે શેલા ભરવાડે પોતાની લાયસન્સ વાળી રીવોલ્વરથી રાજુ ઉપર ફાયરિંગ પણ કર્યુ હતું જેમાં તે બચી ગયો હતો, પરંતુ બીજા દિવસે જ્યારે રાજુ પોતાના ઘરે જવા નીકળ્યો ત્યારે શેલાએ પોતાના સાળા દોલા ભરવાડને તેની રેકી કરવા કહ્યું હતું. આસોદરા ચોકડી સુધી પીછો કર્યા બાદ અન્ય આરોપી મેલા ભરવાડે તેનો પીછો કર્યો હતો.

રાજુ જ્યારે વટામણ ધોલેરા રોડ પર મોટી બોરુ ગામ પાસે પહોંચ્યો ત્યારે દોલા ભરવાડે ચાલુ બાઈકે માથામાં એક ફટકો મારી રાજુને નીચે પાડી દીધો હતો. આ દરમિયાન જ આરોપી શેલા ભરવાડ પોતાની ફોર્ચ્યુનર ગાડી લઈને ત્યાં આવી પહોંચ્યો હતો અને ગાડીમાં જ રાજુને નાખી અને તેની હત્યા કરી નાખી હતી.

હત્યા કર્યા બાદ તેના મૃત શરીરને વિરમગામ નળસરોવર રોડ પર કડુ પાસે નાળામાં ફેંકી દીધો હતો, અને તેના કપડાં પણ સળગાવી દીધા હતા અને હત્યામાં વાપરવામાં આવેલી લાકડી કેનાલમાં ફેંકી દીધી હતી અને ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

એલસીબી દ્વારા આ સમગ્ર મામલાને રહસ્યમય રીતે ઉકેલી લેવામાં આવ્યો છે. અને આ હત્યાના મુખ્ય આરોપી શેલા ભરવાડ સહીત કુલ છ આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.