ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટના હવે સામાન્ય થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આજકાલ જે રીતે બજારમાં પેકેટ કલ્ચર ઊભું થયું છે તે બાળકો માટે ખરેખર ઘાતક નીવડી રહ્યું છે. કારણ કે, સાબરકાંઠાના પ્રેમપુર ગામમાં એક બાળકને પેકેટના ગાંઠીયા ખાવા ભારે પડી ગયા છે. બાળક મોતના મુખ સુધી પહોંચી ગયું છે.
ગાંઠીયાના પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો
સાબરકાંઠાના પ્રેમપુર ગામે ગુજરાતની જાણીતી ગોપાલ કંપનીના સીલબંધ નમકીન પેકેટમાંથી મરેલો ઉંદર નીકળી આવતા હડકંપ મચી ગયો છે. બાળક આરામથી નમકીન ગાંઠિયા ખાતો હતો. આ દરમિયાન અંદરથી મરેલો ઉંદર નીકળ્યો. જે બાદ બાળકને ગાંઠિયા ખાતા ઝાડા-ઉલટી થયા હતા. જેને લઇ બાળકને પ્રાથમિક સારવાર માટે હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે પેકેટમાંથી ઉંદર નીકળતા આસપાસના લોકોમાં રોષનો માહોલ ફેલાયો હતો. પરિવારે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ્સને બેદરકારી બદલ નમકીન કંપની વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી કરી છે.
ખાતા પહેલા તપાસો
આવા સમાચાર આવતા રહે છે અને લોકોએ હવે ખુબ સતર્ક રહેવાની જરૂર છે. કારણકે જ્યારે પણ તમે બજારમાંથી કઈ ખરીદો ત્યારે તેને ખાતા પહેલા એકવાર ચેક કરવું ખુબ જરૂરી છે. તમારા ઘરમાં બાળકો જે વસ્તુ ખાતા હોય તે ખુબ જ સ્વચ્છ અને સ્વસ્થ હોય તે જરૂરી છે. કારણ કે એક નાની બેદરકારી તમારા કે ઘરના નાના મોટા વ્યક્તિ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.