દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

સુરતમાંથી થયું 22મી વખત હૃદયનું દાન, બ્રેઈન ડેડ વ્યક્તિના અંગોથી મળ્યું 5 લોકોને નવું જીવન – વાંચો સ્ટોરી

સુરતમાં માનવતાની મહેક પ્રસરાવતી એક ઘટના તાજેતરમાં જ સામે આવી છે. જેમાં એક બ્રેઈન ડેડ વ્યક્તિના પરિજનોએ આપસી સહમતી સાથે તેમના અંગોનું દાન કર્યું.

સુરતમાં અડાજણ વિસ્તારના પાલનપુર કેનાલ રોડ પર આવેલા રાજવર્લ્ડ ખાતે રહેતા 42 વર્ષીય વ્રજેશ નવિનચંદ્ર શાહના અંગોએ 5 લોકોને નવું જીવન આપ્યું છે. વ્રજેશ શાહ સુરતમાં અડાજણ વિસ્તારમાં આઈ.ટી. ટ્રેનીંગ એકેડમી ચલાવતા હતા.

અચાનક 12 મેના રોજ બપોરે તેમની તબિયત ખરાબ થઇ જેના કારણે તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમ્યાન તેમને રાતે ખનેચ આવતા તેઓ બેભાન થયા અને સીટી સ્કેનમાં માલૂમ પડ્યું કે તેમની મગજની નસ ફાટી જતા મગજમાં લોહી જામી ગયું હતું. પછીથી ડોકટરોએ તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા.

Image Source

આ વાતની જાણ સુરતની ડોનેટલાઈફ સંસ્થાની ટીમને થતા તેમને વ્રજેશ શાહના પરિવારને અંગદાન બાબતે સમજાવ્યા અને તેમના પરિજનોએ અંગદાન માટે સહમતી પણ દર્શાવી હતી. વ્રજેશ શાહના 72 વર્ષીય પિતા, 65 વર્ષીય માતા, તેમની પત્ની વૈશાલી અને તેમની બે દીકરીઓએ પણ પોતાના પિતાના અંગોથી બીજાનું જીવન બચાવવા માટે સહમતી આપી. વ્રજેશ શાહના ફેફસા, હ્દય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન થયું અને એક જ દિવસમાં 5 લોકોને નવું જીવન મળ્યું.

Image Source

ગુજરાતની આ સૌપ્રથમ ઘટના છે કે જેમાં ફેફસાનું દાન કરવામાં આવ્યું હોય. પરિવારની સહમતી મળ્યા બાદ ડોનેટ લાઈફની ટિમ કામે વળગી અને મુંબઈની ફોર્ટીસ હોસ્પિટલના ચીફ કાર્ડિયાક સર્જન આવીને હૃદયદાનનો સ્વીકાર કરી ગયા, જ્યારે વ્રજેશ શાહના ફેફસા બેંગ્લોરના તબીબો આવીને સ્વીકારી ગયા હતા.

Image Source

વ્રજેશ શાહનું હૃદય મુંબઈમાં સુરતના રહેવાસી 44 વર્ષીય પ્રકાશ શાંતિલાલ શાહને આપવામાં આવ્યું જયારે તેમના ફેફસાએ 59 વર્ષના અશોક ચૌધરીને જવું જીવન આપ્યું હતું. વ્રજેશ શાહની એક કિડની અમદાવાદના 20 વર્ષના યુવાન યશપાલસિંહ કનકસિંહ માટીએડાને તો બીજી કિડની અમદાવાદના 28 વર્ષના કમલેશ નારણભાઈ સોલંકીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. તેઓનું લિવર ઊંઝાના રહેવાસી એવા 47 વર્ષના ઈન્દુબહેન દિનેશભાઈ પટેલના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. તેમની આંખોનું દાન સુરતના લોકદ્રષ્ટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.

Image Source

આ સમગ્ર ઘટનામાં ફેફસા અને હૃદયને સુરતથી ટ્રાન્સફર કરવા માટે ગ્રીન કોરીડોર રચવામાં આવ્યો હતો. વ્રજેશ શાહના પરિવારના સભ્યોએ બ્રેઈનડેડ વ્રજેશ શાહના ફેફસા, હ્દય, કિડની, લિવર અને ચક્ષુઓનો દાન કરવાનો નિર્ણય કરીને સમાજમાં ક્યારેય ન ભૂલી શકાય તેવું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Image Source

સુરતમાંથી હૃદયદાનની આ 22મી ઘટના છે. ડોનેટ લાઈફ દ્વારા સુરતમાંથી અત્યાર સુધીમાં કુલ 22 હૃદયદાન કરવામાં આવ્યા છે, જેમાંથી 16 હૃદય મુંબઈ, 3 અમદાવાદ, એક હૃદય ચેન્નઈ, એક હૃદય ઈન્દોર અને એક હૃદય નવી દિલ્હી મોકલવામાં આવ્યું છે.