8માં ધોરણની બાળકીને ભગાવવા વિદેશથી રાજસ્થાન આવ્યો : ફ્રી ફાયર ગેમથી મિત્રતા, ઇન્સ્ટા પર મોડલ જેવી તસવીરોથી ફસાવી

8માં ધોરણની સગીરાને ભગાડવા વિદેશથી યુવક ભારત આવ્યો, પોતે હીરો હોય એવી તસવીરો અપલોડ કરી 13 વર્ષની દીકરીને પટાવી, આ રીતે પોલીસે ઝડપી લીધી

ઈન્સ્ટાગ્રામ પર મોડલ જેવો ફોટો મુકીને 13 વર્ષની યુવતીને એક યુવકે ફસાવી હતી. થોડા દિવસો પછી યુવકને ખબર પડી કે યુવતી તેની સાથે જવા તૈયાર છે. પછી શું બાકી હતું તેણે જરા પણ રાહ ન જોઇ. આ યુવક કતારથી 2587 કિમીની હવાઈ મુસાફરી કરીને 18 જૂને દિલ્હી પહોંચ્યો હતો. ત્યાંથી તે રાજસ્થાન આવ્યો અને દૌસા જિલ્લાના બાંડીકુઈમાં યુવતીને મળ્યો, તેનું બ્રેઈનવોશ કરીને યુવક સગીરાને પોતાની સાથે લઈ ગયો. પરંતુ શુક્રવારે તે બિહારના દરભંગામાંથી ઝડપાઇ ગયો હતો.

મામલો પ્રકાશમાં આવ્યા બાદ તો હડકંપ મચી ગયો હતો. રાજસ્થાન પોલીસે શુક્રવારે બિહારના દરભંગામાંથી ઈઝરાયેલ નદાફ નામના યુવકની ધરપકડ કરી હતી અને સગીરાને રિકવર કરી હતી. પોલીસે જણાવ્યું કે 8મા ધોરણમાં ભણતી સગીરા 19 જૂનથી ગુમ હતી. તેના પરિવારજનોએ તેના ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી. જ્યારે પોલીસે પૂછપરછ કરી તો ખબર પડી કે યુવતી મોબાઈલમાં ફ્રી ફાયર ગેમ રમતી હતી. આના પર પોલીસને સાયબર સેલ દ્વારા તપાસ કરવામાં આવતા ફ્રી ફાયર ગેમ સંબંધિત ઈન્સ્ટાગ્રામ આઈડી મળી. આ છોકરી વારંવાર ગેમ દ્વારા ચોક્કસ ઈન્સ્ટાગ્રામ આઈડી સાથે કનેક્ટ થઈ રહી હતી.

આ આઈડી ઈઝરાયલ નદાફનું હતું. આ આઈડી ટ્રેક કરવામાં આવ્યુ અને રેકોર્ડમાં જાણવા મળ્યું કે ઈન્સ્ટાગ્રામ આઈડી સાથે જોડાયેલ મોબાઈલ નંબર ખાડીના દેશ કતારમાં વેરિફાઈડ છે. ઈન્સ્ટાગ્રામ આઈડી 19 જૂને ભારતના ઈન્ટરનેટ સાથે જોડાયેલુ હતુ. જ્યારે શંકાસ્પદ મોબાઈલ નંબરને ટ્રેક કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે આ સિમ દિલ્હીથી ખરીદવામાં આવ્યું હતુ. લોકેશનના આધારે જાણવા મળ્યું કે આ નંબર પહેલા બાંડીકુઈ, પછી દિલ્હી અને પછી બિહારના રોડ રૂટ પર એક્ટિવ હતો. લોકેશન ટ્રેસ કરીને પોલીસ બિહારના દરભંગા પહોંચી.

ત્યાં બસ સ્ટેન્ડ પરથી યુવતી સાથે ઈઝરાયલ નદાફ ઝડપાઈ ગયો.દૌસાના એસપી અનુસાર દિલ્હી એરપોર્ટ પર નદાફનું સિમ સ્વીચ ઓફ હતું. આ પછી, તેણે ત્યાં નકલી દસ્તાવેજથી સિમ ખરીદ્યું અને તેના ઇન્સ્ટાગ્રામ આઈડી પર લોગિન કર્યું. આ પછી નદાફ દિલ્હીથી 280 કિલોમીટરનું અંતર કાપીને દૌસા આવ્યો હતો. દૌસાથી બાંડીકુઇ પહોંચ્યા અને 18 જૂનની રાત બાંદિકૂઇ સ્ટેશન પર જ વિતાવી. આ દરમિયાન ઈઝરાયેલ આખી રાત બાંદિકૂઈ સ્ટેશનથી યુવતીના સંપર્કમાં રહ્યો અને તેનું બ્રેઇન વોશ કરવાનું ચાલુ રાખ્યુ.

(તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

યુવતી યુવકના પ્રેમમાં પડી ગઈ હતી અને તે ઘર છોડીને નદાફ પાસે પણ ગઈ. નદાફ તેને પહેલા દિલ્હી લઈ ગયો. ત્યાંથી તે પોતાની સાથે નેપાળ લઈ જતો હતો, પરંતુ સરહદ પાર કરે તે પહેલા જ દૌસા પોલીસે બિહારના દરભંગામાંથી ઈઝરાયલને ઝડપી લીધો હતો. નદાફને હવે 7 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. 19મી જૂને યુવતી કુરકુરેને લેવાના બહાને ઘરથી બહાર નીકળી હતી. જે બાદ તે ઘરે પરત ફરી ન હતી. પરિવારજનોએ તેની ખૂબ શોધખોળ કરી અને પછી સગીરા ન મળી આવતા બાંડીકુઈ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

(તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

પકડાયેલ આરોપી ઈઝરાયેલ નદાફ નેપાળના ધનુશા જિલ્લાનો છે. હાલમાં કતારમાં અલ જાબેર એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરે છે. આરોપી પાસેથી કતારથી જારી કરાયેલ મોબાઈલ સિમ, નવી દિલ્હીથી ખરીદેલું નકલી સિમ, પાસપોર્ટ અને નેપાળનું નાગરિકત્વ પ્રમાણપત્ર મળી આવ્યું છે.ઈઝરાયેલ નદાફ સગીરાને નેપાળ થઈને કતાર લઈ જવાની યોજના બનાવી રહ્યો હતો. ત્યાં તે તેની સાથે કેવો વ્યવહાર કરત તે તો કહેવું મુશ્કેલ છે. પોલિસનું કહેવું છે કે, આજકાલ વધી રહેલા સાયબર ક્રાઈમને ધ્યાનમાં રાખીને લોકોએ સાવચેતી રાખવી જોઈએ. ઇન્ટરનેટનો વધુ પડતો ઉપયોગ ટાળવો જોઇએ અને બાળકોને વિશ્વાસમાં લઇ અજાણ્યા લોકોના સંપર્કમાં ન રહેવાનું કહેવું જોઇએ. કેટલાક મીડિયા રીપોર્ટ અનુસાર આરોપી નદાફ ઇન્સ્ટાગ્રામ પર મોડલવાળી તસવીરો પોસ્ટ કરતો હતો, પરંતુ તે કતારમાં મજૂર તરીકેનું કામ કરતો હતો.

Shah Jina