ગુજરાતમાં વરસાદી માહોલ જામેલો છે અને સૌરાષ્ટ્રમાં તો મેઘતાંડવ સર્જાયુ છે, ત્યારે ત્યાંથી એવા ઘણા વીડિયો અને મામલા સામે આવે છે કે જોઇને બધા ચોંકી જાય. હાલમાં જૂનાગઢમાંથી એક મામલો સામે આવ્યો, જેમાં ગત શનિવારે પડેલા ભારે વરસાદને કારણે રસ્તા પર પૂરના પાણી ફરી વળ્યા અને આમાં કેટલાક વાહનો તણાયા તો કેટલાક લોકો. આ મેઘતાંડવની વચ્ચે કારમાં જઈ રહેલા એક પિતા-પુત્રી પણ ફસાયા હતા.
યુવાન દીકરીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ
કાર તણાઈ જતા સ્થાનિકોએ પિતાને તો બચાવી લીધા પણ દીકરીને બચાવતા પહેલા જ તે તણાઈ ગઈ અને બીજા દિવસે તેની લાશ મળી આવી. ત્યારે એક પિતાની સામે જ યુવાન પરણિત દીકરીનું મોત થતા પિતા તો આઘાતમાં સરી પડ્યા હતા અને પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ ગયો હતો. દીપચંદા ધાંધલ ડો.સુભાષ એકેડેમીમાં કોમ્પ્યુટર એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટમાં લેક્ચરર હતી. તેના પતિ ખાંભલાની એગ્રી યુનિવર્સિટીમાં ફરજ બજાવતા હતા અને એટલે તે તેના પિતા સાથે રહેતી અને રજાના દીવસોમાં પતિ પાસે જતી.
દિવાલ ધરાશાયી થતા પાણીનો જોરદાર કરંટ આવ્યો
જો કે, શનિવારે દીપચંદા કોલેજથી છૂટ્યા બાદ તેના પિતા કાર લઈને લેવા ગયા અને આ દરમિયાન ઘરે પરત જતા સમયે ભરડાવાવ પાસે દિવાલ ધરાશાયી થતા પાણીનો જોરદાર કરંટ આવ્યો અને એવામાં તેમની કાર સાથે રિક્ષા અને ટેમ્પો સહિતના વાહનો પણ તણાયા. ત્યારે દીપચંદાના પિતા અન્ય લોકોને મદદ કરવા માટે બહાર નીકળ્યા અને તેમને બચાવ્યા.
બીજા દિવસે સવારે ટેમ્પો નીચેથી લાશ મળી
બધાએ એકબીજાનો હાથ પકડીને બહાર નીકળવાનો પ્રયાસ કર્યો અને દીપચંદા પણ લાઈટનો થાંભલો પકડીને ઊભી હતી. જો કે, અચાનક પકડ છૂટી જતા તે ભરડાવાવમાં પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ. તેને NDRF અને પોલીસે શોધવાનો પ્રયાસ કર્યો, પણ બીજા દિવસે સવારે એક ટેમ્પો નીચેથી તેની લાશ મળી આવી.