હજુ મધર્સ ડેના ગયે ગણતરીના દિવસો થયા છે ત્યાં એવા કિસ્સાઓ પણ આવી રહ્યા છે જે માનવતાને અને સંબંધોને શર્મસાર કરી બેસે. હાલ રાજકોટમાંથી એક એવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં મિલ્કતના વિવાદમાં એક દીકરીએ પોતાની માતા સાથે અભદ્ર વર્તન કરી અને લાફા માર્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર છુટાછેડા થઇ ગયા બાદ અગાઉ રતનપરમાં માતા સાથે રહેતી અને હાલ બજરંગવાડીમાં એકલી રહેતી યુવતિએ પૈસા અને મકાનની મિલ્કત માટે સગી જનેતાને ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપી લાફા મારી તેમજ પોતાની જ દિકરી કે જે નાનીમા સાથે રહે છે તેને પણ વેંચી નાંખવાની ધમકી આપતાં ચકચાર મચી ગયો હતો.

આ સમગ્ર મામલામાં કુવાડવા રોડ પોલીસે મોરબી રોડ પર રતનપરમાં રહેતાં સુશિલાબેનની ફરિયાદ પરથી જામનગર રોડ બજરંગવાડીમાં રહેતી તેની દિકરી હેતલ સામે આઇપીસી 323, 504, 506 (2) મુજબ ગુનો નોંધ્યો છે.