ખબર

હવે આવી જશે ગરમીનો અંત, ગુજરાતમાં આ તારીખે વરસવાનો છે વરસાદ, બંગાળની ખાડીમાં સર્જાયું હવાનું દબાણ

ગુજરાતમાંથી વરસાદ જાણે કે હાથ તાળી આપીને છટકી ગયો હોય તેમ લાગી રહ્યું હતું, જગતનો તાત વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠો છે, તો લોકો પણ હાલમાં ગરમીથી પરેશાન થઇ રહ્યા છે અને વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતા વરસાદની આગાહી કરી છે.

હવામાન ખાતાએ જાહેર કરેલ વિગતો અનુસાર આગામી ત્રણ દિવસમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થશે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે. આ સિવાય રવિવારે દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપીમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના ઈન્ચાર્જ ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાઈ રહ્યું છે. જેથી ત્રણ દિવસ બાદ એટલે કે 11 જુલાઈથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા છે.

IMDના અધિકારીએ જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રમાણમાં સારો વરસાદ પડ્યો છે. જ્યારે તારીખ 11 જુલાઇ પછી રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે. જોકે, આ વર્ષે શરૂઆતમાં જ વરસાદ ખેંચાયો છે. મોટાપાયે ચોમાસાના પાકનું વાવેતર થયું છે. જો વરસાદ નહીં આવે તો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.