લેખકની કલમે

દાદાની કળા ! હું અમેરિકામાં હતો અને દાદાનો ફોન આવ્યો -બેટા મારી પાસે વધારે સમય નથી અને હું તરત જ ….અદ્ભુત સ્ટોરી વાંચો

દિલ્હી એરપોર્ટમાં ડોમેસ્ટિક ડિપાર્ચરમાં હું દોડતો દોડતો પહોંચ્યો, કારણ કે હું થોડો મોડો પડ્યો હતો. મેં ચેક ઇન કર્યું અને ગેટ પાસે પહોંચ્યો, મારો શ્વાસ ચઢી ગયો હતો એટલે મેં થોડું પાણી પીધુ અને ત્યારે જ એનાઉન્સમેન્ટ થઈ કે ભુજ માટેની ફ્લાઇટ બે કલાક લેટ છે ! હું વિચારતો હતો કે હવે તો સવાર જ પડશે. રાતના બાર વાગીને વિસ મિનિટ થઈ હતી. હું ન્યુયોર્કથી આવતો હતો એટલે મારી પાસે બેગ્સ પણ વધારે હતી અને આથી મારે વધારે વજન માટે પૈસા ચૂકવવા પડ્યાં. મારી પાસે કેટલાક ડોલર હતાં એટલે મેં જ્યુસ અને સેન્ડવીચ લીધુ.આખા હોલમાં બહુ ઓછા લોકો હતાં. ગેટ પર ઉભેલા માણસને મેં કહ્યું, ભાઈ ભુજ માટેની ફ્લાઇટ આવે ત્યારે મને કહેજો, હું સામે જ સૂતો છું ! એમણે કહ્યું, ઓકે સર ! હું થોડીવાર સૂતો. એક ભાઈનો અવાજ કાનમાં ગુંજતો હતો કે સર..સર….! મેં આંખો ખોલી અને જોયું તો ફ્લાઈટના જ માણસ હતાં અને બોલ્યા, સર આપકી ફ્લાઇટ આ ગઈ હૈ ઔર આપકા હી બોર્ડિંગ બાકી હૈ ! હું ઉઠ્યો અને ફ્લાઈટ તરફ ગયો. મોબાઈલમાં ટાઈમ જોયો તો અઢી વાગ્યા હતાં. મારા આખા શરીરમાં દુખાવો હતો કારણ કે છેલ્લા બે દિવસથી હું હવામાં જ મુસાફરી કરતો હતો. રાત્રે સાડા ત્રણ વાગ્યે હું ભુજ એરપોર્ટ પર હતો. હું ખૂબ જ થાકી ગયો હતો, મેં નખત્રાણા માટે એક ટેક્ષી બુક કરાવી અને નખત્રાણા જવા માટે નીકળી પડ્યો !

હું અમેરિકામાં ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો બિઝનેસ કરું છું અને અઠવાડિયા પહેલા મારા દાદાનો મેસેજ હતો કે મારી પાસે વધારે સમય નથી તો મને મળવા આવ ! આ સાંભળીને હું ફટાફટ દાદા પાસે આવી ગયો અને એમના લીધે જ હું જીવનમાં કંઈક બન્યો છું ! મારા ઘરમાં કોઈને ખબર નથી કે હું આવી રહ્યો છું. પાંચ વાગ્યા અને હું નખત્રાણામાં પહોંચ્યો. મારા ઘરની બહાર ટેક્ષી ઉભી રખાવી અને મારો સામાન નીચે મુક્યો. મેં સમાન આંગણામાં મુક્યો અને મારા ફળિયાને મેં ચૂમી લીધુ ! આખી શેરી સુમસામ હતી, માટીની સુંગધ મને પોતાની લાગતી હતી. મેં દરવાજો ખખડાવ્યો ! મીનાએ દરવાજો ખોલ્યો અને મને જોતી રહી ગઈ અને બોલી, શુભમ તું જ છે ને ? મેં કહ્યું, ના તારા ભાઈનું ભૂત છે ! મીના મને ભેટી પડી અને બોલી, કેમ અચાનક ! મેં કહ્યું, સવારે કહીશ. મીના બોલી, સારું. મેં કહ્યું, ઘરમાં કોઈને ખબર ન પડે કે હું આવ્યો છું હો ! કેમ કે મારે સરપ્રાઈઝ આપવું છે. મીનાએ કહ્યું, સારું. મારો સમાન સ્ટોરરૂમમાં મુક્યો. મેં મીનાને પૂછ્યું, કેમ આજે વહેલી ઊઠી ? એ બોલી, પરીક્ષા છે કોલેજની ! મેં કહ્યું, સારું. હું સીધો જ બાથરૂમમાં નાહવા ગયો અને ફ્રેશ થઈને રૂમની બારી ખોલી, ઠંડી હવા મને જુના દિવસોની યાદ અપાવતી હતી. સવારના સાત વાગ્યા હતાં અને મીના કોલેજ જવા માટે નીકળી, મીના ભુજમાં ભણતી હતી અને મારી એકમાત્ર બહેન હતી. હું ધીમે ધીમે રસોડાની તરફ ગયો અને જોયું તો મમ્મી ચા બનાવતાં હતાં ! મમ્મીને જોઈને આંખો ભીની થઇ ગઇ, કારણ કે હું પાંચ વર્ષ પછી ઘરે આવ્યો હતો.

પપ્પા ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા અને ન્યૂઝપેપર વાંચતા હતા અને મમ્મી એમને ચા આપતાં હતા. થોડીવાર બાદ દાદા પણ આવ્યા અને એ પપ્પાની બાજુમાં બેઠાં ! દાદાને જોઈને જરાં પણ નહોતું લાગતું કે દાદા બીમાર હશે ! હું રસોડામાં પહોંચ્યો અને મમ્મીને પગે લાગ્યો અને મમ્મી મને જોતાં જ રહી ગયા અને બોલ્યા, અરે શુભમ તું ક્યારે આવ્યો ? પપ્પા પણ મને જોઈને ચોંકી ગયા અને દાદા મને સ્મિત આપવા લાગ્યા અને કહ્યું, મારો લાડકો આવી ગયો ! મમ્મીએ પૂછ્યું, કેમ બેટા અચાનક ? મેં કહ્યું, મમ્મી તમેં દાદાને જ પૂછો ને ! પપ્પાએ કહ્યું, એમાં દાદાને શું પૂછવાનું હોય ? મેં કહ્યું, આજથી અઠવાડિયા પહેલા દાદાએ મને મેસેજ કરેલો કે મારી પાસે વધારે સમય નથી તો તું મને મળી જા ! મમ્મી જોર જોરથી હસવા લાગ્યા અને પપ્પાએ કહ્યું, પપ્પા તમે ક્યારથી આવી મજાક કરતાં થઈ ગયા ? મમ્મીએ કહ્યું, પપ્પા તમે એકદમ બરાબર કર્યું, આ બહાને મારો દીકરો તો ઘરે આવ્યો ! મમ્મીએ મને ચા આપી અને બોલી, મારો શુભમ કેટલો ગોરો થઈ ગયો છે ! મેં કહ્યું, મમ્મી ત્યાં ઠંડી હોય એટલે ! દાદા સાથે પણ મેં ઘણી વાતો કરી અને થોડીવાર બાદ મમ્મીએ કહ્યું, બેટા હવે રૂમમાં જઈને સુઈ જા, તું થાકી ગયો હોઈશ ! મેં કહ્યું, હા મમ્મી થાકી તો ગયો છું. મમ્મીએ કહ્યું, એટલે જ કહું છું કે સુઈ જા. હું અંદરના રૂમમાં સુવા ગયો.

બપોરના બાર વાગ્યે મારી આંખ ખુલી, હું ફ્રેશ થયો અને મને બહુ જ ભૂખ લાગી હતી એટલે હું રસોડામાં ગયો અને મમ્મીએ કહ્યું, બેટા ઉઠી ગયો ? મેં કહ્યું, હા ! મમ્મીએ કહ્યું, તારા મિત્રોને તે કહ્યું કે તું આવી ગયો છે ? મેં કહ્યું, અરે….એ તો ભૂલી જ ગયો. મેં ફટાફટ બધા જ મિત્રોને મેસેજ કર્યા અને દાદા આવ્યા અને કહ્યું, ચાલ બેટા શુભમ, જમી લે ! અમે બધા જમવા બેઠાં હતાં ત્યારે મેં દાદાને પૂછ્યું, દાદા મને બોલાવવાનું કારણ તો કહો ? દાદાએ કહ્યું, તારી માટે મેં એક છોકરી જોઈ છે ? મેં કહ્યું, શું ? દાદાએ કહ્યું, તું પચીસ વરસનો થઈ ગયો છે ! મેં કહ્યું, તો એમાં શું થયું ? દાદાએ કહ્યું, તું એકવાર એ છોકરી સાથે મળી તો લે અને મારી માટે બસ ! મેં કહ્યું, સારું, પણ એ છોકરી શું કરે છે ? દાદાએ કહ્યું, એ છોકરી ડ્રોઈંગ કરે છે એટલે કે પેઈન્ટર છે ! મેં કહ્યું, સાચે ? દાદાએ કહ્યું, હા બેટા ! મારા દાદા પણ સારા પેઈન્ટર હતા અને આથી જ મને પેઇન્ટિંગ પ્રત્યે ખૂબ જ લગાવ હતો. દાદાએ કહ્યું, મૂળશંકર કાકાને તો ઓળખે છે ને ? મેં કહ્યું, હા ત્યારે દાદાએ કહ્યું કે એ છોકરી એમની જ છે અને એનું નામ, રિના છે ! દાદાએ કહ્યું, તું સાંજે તૈયાર થઈ જજે, આપણે એમના ઘરે જઈશું ! મેં કહ્યું, સારું.

સાંજના પાંચ વાગ્યે હું અને મારા દાદા એમના ઘરે ગયા. એમના ઘરમાં બધા જ મને ઓળખતાં હતા પણ હું કોઈને નહોતો ઓળખતો ! હું અને દાદા એમના ઘરના ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા અને ત્યાં લગાવેલી તસવીરો મને આકર્ષિત કરતી હતી. હું મનમાં વિચારતો હતો કે આટલી સુંદર તસ્વીર કયા કેમેરાથી ક્લિક કરી હશે ? ત્યારે રિનાના પપ્પાએ કહ્યું, આ પેઇન્ટિંગ રિનાએ જ બનાવી છે ! મેં કહ્યું, સાચે ! કારણ કે વિશ્વાસ કરવો મુશ્કેલ હતો કે આ પેઇન્ટિંગ છે. રિના રસોડા માંથી ચા લઈને આવતી હતી અને એના ઝાંઝરનો અવાજ આખા રૂમમાં ગુંજતો હતો. એનો ચહેરો જોઈને મને એવું લાગતું હતું કે ભગવાને આને સ્પેશીયલ બ્રશથી દોરી હશે ! રિના મારી સામે બેઠી અને રિનાના પપ્પાએ દાદાને કહ્યું, આપણે તો વર્ષોથી ઓળખીએ છીએ તો રિના અને શુભમ પણ એકબીજા સાથે વાત કરી લે ? દાદાએ કહ્યું, હા એમાં શું છે ! રિના અને હું ત્યાં એક બેડરૂમમાં બેઠા અને રિના બોલી, ઘણાં સમય પછી આવ્યો છે તું ! તને દરરોજ સ્કૂલમાં જોતી અને આ પેઈન્ટિંગ પણ તારી યાદોમાં જ બનાવતી ! મેં કહ્યું, ખબર છે ! એ મારી નજીક આવી અને બોલી, કંઈ પૂછવું છે ? મેં કહ્યું, ચિત્ર સાફ છે ! એ બોલી, મી ટુ ! અમે ડ્રોઈંગ રૂમમાં ગયા અને પછી હું અને દાદા ઘરે ગયા. ઘરે બધા જ રાહ જોઇને બેઠા હતા અમે મેં કહ્યું, મને રિના પસંદ છે, અને હું લગ્ન માટે પણ તૈયાર છું !

એક અઠવાડિયા બાદ મારી રિના સાથે સગાઈ થઈ ! સગાઈના દિવસે દાદા ખૂબ જ ખુશ હતાં અને મને કહ્યું, બેટા રિના બિલકુલ મારા જેવી જ છે, તને બહુ પ્રેમ કરશે ! મેં કહ્યું, હા ! સગાઈની રાત્રે બધા લોકો ઘરે થાકીને બેઠાં હતાં ત્યારે રૂમમાંથી પપ્પાએ ચીસ પાડી ! બધા જ લોકો રૂમમાં ગયા અને જોયું તો દાદા ત્યાં જ ઢળી ગયા હતાં, પપ્પાએ કહ્યું, દાદા નથી રહ્યા ! મારું મન શૂન્ય થઈ ગયું અને દાદાના શબ્દો કાને ચાબખા મારતાં હોય એમ લાગતું હતું ! હું રડતાં રડતાં બોલવા લાગ્યો, દાદા તમે તો મારો મેળાપ કરાવી દીધો પણ તમે કેમ જતાં રહ્યાં ? એક ચિત્રકારના કેનવાસ પર પાણી ઢોળાયું હોય એમ લાગતું હતું !

લેખક : પ્રદિપ પ્રજાપતિ
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks