લેખકની કલમે

દારૂડિયો બાપ: મારી દીકરી વગર તો અનાથ હું બની ગયો છું. દીકરી હતી તો આંગણું રૂડું હતું…નિર્દોષ દીકરીની નાનકડી સ્ટોરી

દીકરી હતી તો આંગણું રૂડું હતું.

રામુનો પરિવાર આમતો સાવ નાનો હતો. પણ અત્યંત ગરીબ હતો. એના પરિવારમાં માત્ર ને માત્ર એની એક દીકરી જ હતી. એ પણ ઘણી નાની હતી. મા-બાપ તો એને બચપનમાં જ એકલો મૂકીને ભગવાનને પ્યારા થઈ ગયા હતા. મોટો થયો લગ્ન થયા ને એના લગ્ન થયા સીતા સાથે. પણ કહેવત છે ને કે બાળોતિયાનો બળેલો ક્યાય ના ઠરે . એમ રામુથી પણ સુખ દસ ગાવ છેટું રહેતું હતું.

લગ્ન થયા ને એક જ વર્ષમાં દારૂડિયા પતિથી ત્રાંસી પત્ની પણ દીકરીને મૂકીને પિયર જતી રહી હતી. માત્ર બે જ મહિનાની દીકરી ને એનો દારૂડિયો બાપ એક રૂમના ઘરમાં એકલા જ ..
રોજ રડતી દીકરીને દૂધની બોટલ આપે ને એ દારૂની બોટલ પીને આરામથી પડ્યો રહેતો. દિવસે તો આજૂબાજૂ વાળા લોકો માનવતાને નાતે એ દીકરીનો ખ્યાલ રાખતા હતા. મા વગરની દીકરીનો ખ્યાલ પણ કોણ રાખે ? બાપ તો દારૂ પીવામાંથી જ નવરો ન થાય. આમ ને આમ એ નાજુક દીકરી એના ભવિષ્યથી અજાણ મોટી થવા લાગી. ધોડિયામાં પડ્યા પડ્યા પણ એના દારૂડિયા બાપને જોઈ રાજી રાજી થઈ જતી. ઘૂઘવાટાં મારતી ને હરખાતી એ દીકરી પીજી ઊંચા નીચા કરી એની કાળી ઘેલી ભાષામાં ઇશારા કરી એના બાપને તેડવાનું કહેતી. ખાલી પડેલ દારૂની બોટલોને એ રમકડું સમજી રમતી. કેવા નસીબ હશે આ દીકરીના કે એને રમકડાની જગ્યાએ દારૂની ખાલી બોટલોથી રમવું પડતું. ધીરે ધીરે એ મોટી થવા લાગી.

ઘરમાં કોઈ ખાવાની વસ્તુ ન હોય…એનું ખાવાનું પાડોશીઓ આપતાં….કપડાં પડોશીઓ જ લાવી આપતાં. જેને રામ રાખે એને કોણ ચાખે!!વાર ત્યોહારના પ્રસંગે આખી શેરીના માણસો આ નાનકડી પરીને એવી સાચવે કે એને એવો અહેસાસ જ ન થાય કે હું છોકરી નિરાધાર છે. એના બાપને તો હવે આ દીકરી બોજ લાગવા લાગી. ઘરે આવે તો દારૂની બોટલો જોઈને એ નાનકડી દીકરી બોલે, બાપા આ ન પીવાય ! આના કરતાં તો દૂધ પીવાય..આ તો ઝેર કહેવાય ઝેર. દારૂડિયો બાપ લથડિયા ખાતો ખાતો આવે તોયે પાણીનો ગ્લાસ પણ આપે ને એની માટે જે ખાવાનું આપી ગયા હોય એમાંથી થોડું ખાવાનું પણ સાચવી રાખતી. તૂટેલાં ફૂટેલાં વાસણમાં ઢાંકીને મૂકી રાખતી ને સાંજે લથડિયા ખાતા બાપને પ્રેમથી બેસાડી જમાડતી આ નાનકડી દીકરી.

એક દિવસ આ જ બાપને એની મોટી થતી દીકરી બોજ રૂપ લાગવા લાગી. એને ક્યાક દૂર આવેલા અનાથ આશ્રમમાં મૂકવાનો એને વિચાર આવ્યો.

બીજે જ દિવસે દીકરીને અનાથ આશ્રમ મૂકી આવ્યો. નિર્દોષ દીકરીને તો ત્યાં એક નવો પરિવાર મળ્યો. પણ, અહિયાં બાપને ઘર નર્ક લાગવા લાગ્યું. થાકીને ઘરે આવે તો કોઈ પાણી આપવા વાળું ન હતું. જેવુ આવડે એવું ઘર ને સજાવી ઘર જેવુ રાખતી એ દીકરી વગર આ ઘર કચરા પેટી જેવુ લાગતું…ગોળાનું પાણી સૂકાઈ ગયું. તૂટેલાં ફૂટેલાં વાસણો અનાજની જગ્યાએ ધૂળથી ઢંકાઈ ગયા હતા. અવાવરુ ઘરમાં દીકરીના રણકાર વગર સ્મશાન જેવુ લાગતું ને એ શાંતિ એના આ દારૂડિયા બાપને ખાવા દોડતી ને મન અશાંત થઈ જતું .

હવે નથી એ આંગણે ખિલખિલાટ કરતી દીકરીનાં પગરવ. નથી દારૂની બોટલોને રમકડાં સમજી ઘર ઘર રમતી એ દીકરીની યાદ વારંવાર યાદ આવતી હતી. આવી હસતી રમતી ને નિર્દોષ દીકરીને મે બોજ સમજી ? આ વિચારી વિચારીને આજે આ નિરાધાર બાપ રડવા લાગ્યો. ચોવોસ કલાક નશામાં ધૂત રહેતા બાપને આજે ભાન થયું કે દીકરી એટ્લે શું ? ન એને દારૂ યાદ આવ્યો કે ન એને દારૂડિયા મિત્રો યાદ આવ્યાં. બસ રાત દિવસ એને હવે એની દીકરીનું જ રટણ મનમાં રહ્યાં કરતું.

એને થયું કે મે આ શું કર્યું ? એક બાપ તરીકે મે શું મારી ફરજ નિભાવી ? એ તો નાની ને ના સમજ હતી છ્તા એની ફરજ નિભાવતી રહી. ને મે શું ફરજ નભાવી એક બાપ તરીકેની ?

એ જાય છે એ જ અનાથ આશ્રમમાં એની દીકરીને પાછી લાવવાં. પણ આ શું ? એની દીકરી તો ત્યાં હતી જ નહી. તપાસ કરતાં જાણવા મળ્યું કે આ જ શહેરનાં એક નિસંતાન દંપતી આવ્યા ને એ દીકરીને દતક લીધી છે. અમારા રૂલ્સ મુજબ અમે એ ન જણાવી શકીએ કે એ દીકરી અત્યારે કોનાં ઘરે છે. અને ક્યાં છે. પણ હા, એટલું જરૂર કહીશ કે એ દીકરી ખૂબ સમજદાર હતી. આવી સમજદાર દીકરીને કોણ ઠુકરાવી શકે ? અમે પણ એ દીકરીને વિદાય આપતાં આપતાં રડી પડ્યા હતાં.અભાગ્યા તો એના મા-બાપ કહેવાય કે આવા સુંદર ને સમજદાર સંતાનનું એ સુખ એ ભોગવી ન શક્યાં.
ઉપર ઘરતી ને નીચે આભ ..ધબાક કરતો રામુ જમીન નીચે ઢસડાઈ પડ્યો. ઘણી આજીજી કરી પણ અનાથ આશ્રમના સ્ટાફે એ દતક લીધેલ દંપતીનો કોન્ટેક કે એડ્રેસ ન આપ્યું. નિરાશ મને રામુ ઘર તરફ આવવા લાગ્યો॰

ઘરે આવ્યો ત્યારે એને એક દીકરી શું કહેવાય એની કિમત સમજાઈ. અને એક દીકરીનું મહત્વ મોડો સમજ્યો એટ્લે એને શું ગુમાવ્યું એ પણ સમજાઈ ગયું. દીકરીની યાદમાં આજીવન દારૂ નહી જ પીવે એ પણ એને નક્કી કર્યું. કેમકે એક દારૂ પીવાની લતાના કારણે જ એ એની દીકરીને સમજી નહોતો શકયો.

નિરાશ હ્રદયે ને અશાંત મને આજ આ દારૂડિયો બાપ એટલું જ બોલ્યો કે , મારી દીકરી વગર તો અનાથ હું બની ગયો છું. દીકરી હતી તો આંગણું રૂડું હતું.
|| અસ્તુ ||

Author: Trupti Trivedi GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks