Darshil Thakkar funeral : ગુજરાત સમેત દેશભરમાં અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. આવા અકસ્માતમાં ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે વિદેશમાં રહેતા ગુજરાતીઓના પણ ઘણીવાર અકસ્માતમાં મોત થવાનો મામલો સામે આવતો હોય છે. ગત રોજ એવી જ એક દુઃખદ ઘટના સામે આવી હતી. જેમાં અમેરિકા ફરવા માટે ગયેલા મૂળ પાટણના દર્શિલ ઠક્કર રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે જ તેના પર એક પછી એક 14 ગાડીઓ ફરી વળી અને તેનું મોત નીપજ્યું હતું.
પાટણનો વતની હતો દર્શિલ ઠક્કર :
ઘટનાની વિગત જોઈએ તો પાટણમાં આવેલ શિવકૃપા સોસાયટીમાં રહેતા અને સરસ્વતી તાલુકાના ખોડાણા ગમે આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકતરીકે ફરજ બજાવી રહેલા રમેશભાઈ ઠક્કરનો નાનો દીકરો દર્શિલ ઠક્કર ગત 9 એપ્રિલના રોજ ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ફરવા માટે ગયો હતો અને 26 સપ્ટેમ્બરના રોજ તે પરત ફરવાનો હતો, પરંતુ એ પહેલા જ તેને એક ગમખ્વાર અકસ્માત નડ્યો અને તે કાળનો કોળિયો બની ગયો.
રોડ ક્રોસ કરવા ગયો દર્શિલ :
દર્શિલ ગત 31 જુલાઈના રોજ સાંજના સમયે અમેરિકાના હ્યુસ્ટન ટેક્સાસમાં વૉકિંગ પર નીકળ્યો હતો અને આ દરમિયાન તે તેના મમ્મી પપ્પા સાથે વીડિયો કોલમ વાત કરી રહ્યો હતો. વાત પૂર્ણ કર્યા બાદ તે એક સિગ્નલ પાસે ઉભો હતો અને ત્યારે સિગ્નલ બંધ હોવાના કારણે તેને વિચાર્યું કે તે ઝડપથી રસ્તો ક્રોસ કરીને આગળ નીકળી જાય. પરંતુ અચાનક સિગ્નલ ખુલી ગયું અને પછી એક પછી એક કાર ચિત્તાની ઝડપે જ આવી અને રસ્તો ક્રોસ કરી રહેલા દર્શિલને પોતાની ચપેટમાં લઇ લીધો.
મિત્રને હોસ્પિટલમાં પ્રવેશ ના મળ્યો :
આ મામલે દર્શિલના પિતાએ જણાવ્યું કે થોડીવાર પહેલા જ તેમની દીકરા સાથે વાત થઇ હતી, પરંતુ પછી તેનો ફોન બંધ આવતો હતો. તેની સાથે સંપર્ક થઇ રહ્યો નહોતો, જેના બાદ કોઈએ તેનો ફોન ઉઠાવ્યો અને જણાવ્યું કે દીકરાનો અકસ્માત થયો છે. તમારા કોઈ અમેરિકામાં રહેતા વ્યક્તિને જાણ કરો. ત્યારે દર્શિલના અમેરિકામાં જ રહેતા ભાવિક દેસાઈ નામના મિત્રને વાત કરતા જ તે તાત્કાલિક પહોંચ્યો હતો અને ત્યારબાદ જરૂરી પુરાવા આપીને દર્શિલને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. પરંતુ ભાવિકને હોસ્પિટલમાં પ્રવેશવા દેવામાં આવ્યો નહિ.
અમેરિકામાં જ થશે અંતિમ સંસ્કાર :
ત્યારે દર્શિલના પાર્થિવ દેહને વતન લાવવા માટે રાજ્યસભાના સાંસદ, સિધ્ધપુરના ધારાસભ્ય અને મુખ્યમંત્રીના સંપર્કમાં રહીને પ્રયાસ કરવામાં આવ્યો હતો.પરંતુ અમેરિકામાં દર્શિલનું પોસ્ટમોર્ટમ થયા બાદ ડૉક્ટરોએ જણાવ્યું કે તેનો મૃતદેહ ભારત લઈ જઈ શકાય તેવી હાલતમાં નથી જેના બાદ તેના અંતિમ સંસ્કાર અમેરિકામાં જ થાય એવો પરિવાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો. અમેરિકામાં અંતિમ વિધિ માટે ટોકન સિસ્ટમ હોવાના કારણે રવિવારનું ટોકન આપવામાં આવ્યું છે. જેના બાદ દર્શિલના મમ્મી પપ્પા પણ અમેરિકા જવા રવાના થયા છે.