અલ્કેશ ચાવડા 'અનુરાગ' દિલધડક સ્ટોરી ધાર્મિક-દુનિયા રસપ્રદ વાતો લેખકની કલમે

“દંડવત : એક શ્રદ્ધાની કથા…” – કોઈપણ વ્યક્તિ સફળ ત્યારે જ બને જ્યારે મહેનત સાથે પરિવારનો પ્રેમ પણ એટલો જ જોડાયેલ હોય…!!

“દંડવત : એક શ્રદ્ધાની કથા…”

“બહેનના હૈયે હેતનો, ભાઈ માટે સાગર છલકાય.
સફળ બને છે ભાઈ તો, હોઠ બહેનના મલકાય…”
– અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

image source : medium.com

માતા પિતા ભાઈ અને બહેન એમ ચાર જણનો એમનો નાનકડો પરિવાર. ગામની છેવાડે આવેલું દેશી નળિયા અને દીવાલોને ગોબરનું લીંપણ કરેલ માટીનું બનાવેલું એમનું કાચું મકાન. મકાન એટલે માત્ર એક ઘર અને ચારેક ફૂટની એક નાનકડી ઓસરી. ઓસરી થી માત્ર એક પગથિયું નીચે ઉતરતા આઠ દસ ફૂટનું નાનકડું ફળિયું. ફળિયાની ડાબી તરફ મુશ્કેલીથી એક ઢોર બાંધી શકાય એવું ઢાળીયું. એમનું આંગણું જ્યાં પૂરું થતું ત્યાં આગળના ભાગે દેશી બાવળથી બનાવેલ એક કટલુ. અને આ કટલુ ખુલતું ગામના એ સાંકળા રસ્તા પર કે જ્યાં ભાગ્યેજ કોઈ માણસ પસાર થતો કારણ એ રસ્તો આગળ જઈ ને ગામની સીમા પુરી થતી એ સીમમાં પડતો.ગામમાં વર્ષો થી વસતો એ નાનકડો પરિવાર કે જેમની પાસે કોઈ વિશેસ સાધન સંપત્તિ ન હતી. આધુનિક ગણી શકાય એવા એકેય ઉપકરણો એમની વસાવવાની શક્તિ ન હતી કારણ બાપ દાદા તરફથી વારસામાં મળી હતી ગરીબી અને દોઢ વિઘાનું એક નાનકડું ખેતર. એ ખેતરમાં એ બેઉ માણસ કારમી મજૂરી કરી એકાદ વર્ષ મુશ્કેલીથી કાઢી શકાય એટલું અનાજ ઉત્પન્ન કરતા. આવી પરિસ્થિતિ વચ્ચે પણ ન કોઈ ફરિયાદ કે ન કોઈ ચિંતા. ભગવાનનો સદા આભાર માનતા એ બેઉ માણસ જ્યારે પોતાના બંને સંતાનો સાથે નિયમિત સંધ્યા ટાણે ભગવાનના દિવા કરવા બેસતા ત્યારે બીજી બધી પ્રાર્થનાઓ કર્યા બાદ પ્રભુનો આભાર માનતા એક વાત હંમેશા કહેતા કે…

“પ્રભુ, ભલે તે અમને આર્થિક રીતે સધ્ધર નથી બનાવ્યા પણ અમારા હૃદય સદા અમીર રાખજે. પ્રભુ તે અમને જે થોડું ઘણું આપ્યું છે તારો એ ઉપકાર ખૂબ મોટો છે કારણ દુનિયામાં ઘણા લોકો એવા પણ છે કે જેમને આટલું પણ નસીબમાં નથી હોતું. ભલે તે અમને ધન સંપત્તિ નથી આપી પણ હાથ પગ ને હૈયું સલામત રાખ્યું છે એ બદલ પણ પ્રભુ તારો ખૂબ ખૂબ આભાર…”

image source : smssee.com

સંધ્યા સમયે એ ગરીબ પરિવારના કાચા મકાન માંથી નીકળતી ભગવાન માટેની આ પ્રાર્થના એમને દિલથી ખૂબ અમીરની શ્રેણીમાં મુકવા માટે પર્યાપ્ત હતો. માત્ર ચાર જણનો એ પરિવાર પણ એકમેક માટે એમના ભીતર જે પ્રેમ અને સ્નેહ હિલોળા લેતો હતો એ આખા ગામમાં એક ઉદાહરણીય હતો. ખુદમાં અનોખો હતો. પતિ ને પત્ની પ્રત્યે, પત્ની ને પતિ પ્રત્યે, ભાઈ ને બહેન પ્રત્યે અને બહેન ને ભાઈ પ્રત્યે ખૂબ પ્રેમ હતો. ચારે માંથી એકબીજાને એકબીજા વિના સહેજ પણ ચાલતું ન હતું. સવારે ચારે જણ પોતાના નાનકડા ખેતરે જાય. પતિ પત્ની ખેતરમાં કામ કરે અને ભાઈ બહેન વૃક્ષના છાંયડામાં રમ્યા કરે. નિશાળ જવાનો સમય થાય એટલે મોટી બહેન પોતાના ભાઈલાને લઈને ઘેર આવે એને નવડાવી ધોવડાવી તૈયાર કરી સવારે એની મા એ બનાવેલ ભાતાનો રોટલો અને ગોળ ખવડાવી એ બહેન ભાઈને શાળાએ મૂકી આવે અને ઘેર આવી મા બાપ ખેતરેથી પાછા આવે ત્યાં સુધી ઘરનું કામ કરે. સાંજ પડ્યે વળી પાછા ઘરના બધા સભ્યો ભેગા મળે. મા રસોઈ બનાવે ત્યાં સુધી ઓસરીમાં બંને ભાઈ બહેન પોતાના બાપ પાસે બેસી વાર્તાઓ સાંભળે અને ભેગા બેસી સંધ્યા ટાણે દીવા બત્તી કરી ભેગા વાળું કરવા બેસે. આવો એ પરિવારનો રોજનો ક્રમ હતો. ન કોઈ ની નિંદા ન કોઈની કુથલી. બસ પોતાની નાનકડી જાયદાદ માં ખંતથી મહેનત કરી પેટ પૂરતું પકવી આનંદથી દિવસો વિતાવતા હતા.
દિવસો મહિનાઓ અને એમ કરતાં કરતાં વર્ષો વીતી ગયા. ભાઈ અને બહેન મોટા થતા જતા હતા. અને મા બાપ ની પણ હવે ઉંમર દેખાવા લાગી હતી. ભાઈ બારમાં ધોરણમાં આવી ગયો હતો અને એનાથી બે વર્ષ મોટી એની બહેન તો વર્ષો પહેલા ચાર ચોપડી ભણી ઉતરી ગઈ હતી. ઘરમાં દીકરીની ઉંમર હવે પરણાવવા લાયક થઈ ગઈ હતી. તો સમાજ અને દુનિયાદારી ના નિયમ મુજબ એ મા બાપે પોતાના જેવા એક સામાન્ય પરિવારમાં દીકરીનું સગપણ કર્યું. અને એમના દીકરાની બારમાની પરીક્ષા પુરી થાય એ ઉનાળાની રજાઓમાં દીકરીના હાથ પીળા કરી એને સાસરે વિદાય કરવાનું નક્કી કર્યું. મહેનત મજૂરી કરી જે થોડા ઘણા રૂપિયા બચ્યા હતા એમાંથી એક સામાન્ય રીત રિવાજ અને પોતાની હેસિયત મુજબ એ મા બાપે દીકરાના બારમાં ધોરણની પરીક્ષા બાદની ઉનાળાની રજાઓમાં દીકરીના લગ્ન કરી નાખ્યા. દીકરી હવે બીજા ઘરની વહુઆરુ બની એના સાસરે વિદાય થઈ. મા બાપ માટે પોતાની વ્હાલસોયી દીકરી અને એ ભાઈ માટે પોતાની સાથી અને મિત્ર સમાન બહેન સાસરે ચાલી જતા એની ખોટ બધાને વર્તાતી હતી. પણ એ કરેય શુ ! કારણ આતો દુનિયાનો રિવાજ હતો કે દીકરી એતો પારકું ધન. સમય આવ્યે એને બીજાને સોંપવું જ પડે.

image source : intoday.in

દીકરી સાસરે ચાલી ગઈ અને આ તરફ એના ભાઈનું બારમાં ધોરણનું પરિણામ આવ્યું. એક સામાન્ય પરિવારનો એ દીકરો પરીક્ષામાં ખૂબ સારા ગુણ સાથે પાસ થયો હતો એ બાબત એ મા બાપ અને આખા ગામ માટે એક ગૌરવનો વિષય હતો. ગામ આખું એ ગરીબ દંપતિ ના વખાણ કરતા કહેતું હતું કે…
“એમની પાસે વિશેસ સંપત્તિ નથી છતાં સંતાનો ને ખૂબ સારી દીક્ષા અને શિક્ષા આપી છે એમને. સંતાનો પણ કેવા સંસ્કારી છે એમના !”

એ છોકરાનું સારું પરિણામ જોઈ ગામના કેટલાક આગેવાનો એ ખેડૂત ને સલાહ પણ આપતા હતા કે…

“તારી દીકરો ભણવામાં હોશિયાર છે તો એને હવે ખૂબ ભણાવજે અને કોલેજ કરાવી માસ્તર બનાવજે. અત્યારે માસ્તર ની નોકરીમાં પણ ખૂબ ઊંચા પગાર હોય છે. અને રૂપિયા ની જરૂર હોય તો અમને કહેજે. અમે ચોક્કસ થોડો ઘણો ટેકો કરીશું…”

એ છોકરાની પણ ઈચ્છા શિક્ષક બનવાની હતી. તો એ મુજબ એને કોલેજ શરૂ કરી. આધુનિકતાના પવનમાં ક્યાંય સપડાયા વિના માત્ર એ મહેનત કરતો રહ્યો. રાત દિન એની આંખ સામે એના માતા પિતાના એના વિશે જોયેલા સ્વપ્નો જ હતા.

બારમાં ધોરણની જેમ કોલેજમાં પણ ખૂબ સારી ટકાવારીએ એ પાસ થયો અને હવે તાલીમી કોલેજમાં એડમિશન માટે ફોર્મ ભર્યું. ખૂબ સારા પરિણામના કારણે એમાં પણ એ સફળ રહ્યો અને એને એડમિશન મળી ગયું. આ તરફ દિકરાની પ્રગતિ જોઈ મા બાપ ખૂબ ગદ ગદ હતા. દીકરાની પ્રગતિ અને એના ભાવિ સુખી જીવન માટે કામના કરતા એ પહેલાથી પણ વધારે મહેનત મજૂરી કરવા લાગ્યા માત્ર એજ આશયે કે દીકરાની પ્રગતિ પૈસાના અભાવે ન અટકે.

તાલીમી કોલેજમાં ભાઈના એડમિશનના સમાચાર એની મોટી બહેનને પણ મળ્યા અને એ પણ રાજીના રેડ થઈ ગઈ. અત્યારથી પોતાના ભાઈને એક શિક્ષક બનેલો એ જોતી હતી. અત્યાર સુધી એની પ્રગતિમાં ભગવાને ખૂબ કૃપા કરી હતી તો હવે એકજ ડગલું ઓર કૃપા બનાવી રાખવા એ બહેન પ્રભુને હંમેશા પ્રાર્થના કરતી રહી અને મનોમન પોતાના ભાઈ માટે એક સંકલ્પ પણ કરી લીધો.

ભાઈની તાલીમી કોલેજ પણ પૂર્ણ થઈ અને શિક્ષક તરીકેની નોકરીમાં આવેદન પણ અપાઈ ગયું. તાલીમી કોલેજ પૂર્ણ થયાને માત્ર બે મહિનાના સમયગાળા બાદ ગામની છેવાડે આવેલા એ કાચા મકાનની આગળ ટપાલી આવ્યો અને મહેનત કરી છાલા પડી ગયેલા એ પિતાના હાથમાં દીકરાની નોકરીનો કાગળ મુક્યો. એ પરિવાર માટે એ દિવસ જાણે સુખનો સૂરજ ઉગ્યો હતો. વર્ષોની પ્રતીક્ષા અને એક આશાવાદ સાથે જીવતા ઘરના દરેક જણ માટે હાથમાં આવેલ નોકરીનો એ કાગળ જાણે પારસમણી થી કમ ન હતો. એમની ખુશીનું વર્ણન કરી શકે એવા શબ્દો પણ નથી. સાસરે એ ભાઈની બહેનને ભાઈની નોકરીના સમાચાર મળ્યા અને સાંજ સુધીમાં એ બહેન હાથમાં રહેલી કાપડની થેલીમાં નાળિયેર, અગરબત્તી અને પ્રસાદ લઈ પોતાના ભાઈને મળવા પિયર આવી પહોંચી. રાત્રે મા બાપ અને ભાઈ ને પોતે ભાઈની નોકરી માટે લીધેલી બાધા ની વાત કરતા એ બહેને જણાવ્યું કે…

“મા, ભાઈલાની નોકરી માટે મેં એક બાધા રાખી હતી. આપણા કુળદેવી માતાના મંદિરે દંડવત કરતા કરતા જવાનો મારો સંકલ્પ છે. કાલે સવારે જ આપણે ત્યાં દર્શને જઈશું. હું દંડવત કરીશ તમે બધા ચાલતા આવજો…”

એ માતાજીનું મંદિર ગામના કાચા રસ્તા પર એમના ઘરથી લગભગ ત્રણેક કિલોમીટર દૂર આવેલું હતું. ત્યાં ચાલતા જવામાં પણ તકલીફ જેવું હતું ત્યારે ભાઈના ઉજ્જવળ ભાવિ માટે એ બહેને દંડવત કરતા જવાની બાધા રાખી હતી. પોતાની બહેનનો પોતાના પ્રત્યેનો આ પ્રેમ અને પોતાના પ્રત્યેની આટલી શુભ ભાવના જોઈ એ ભાઈ કે એ દીકરીના મા બાપ પોતાના હૈયાને હાથમાં રાખી શક્યા નહી. ભાઈ પોતાની બહેનને વ્હાલથી ભેટી પડ્યો બધાની આંખમાં આંસુ હતા બમણી ખુશીના. એક હેતના આંસુ હતા બહેનના ભાઈ પ્રત્યેના આ પ્રેમના અને બીજા ખુશીના આંસુ હતા ભાઈને મળેલ નોકરીના…

એ યુવાનને નોકરી મળી એમાં ચોક્કસ એની પોતાની મહેનત હતી પણ એમાં બીજા પણ અમૂર્ત તત્વો હતા. અને એ હતા માતા પિતાની કારમી મજૂરી, અને બહેનનો ભાઈને સફળ બનાવવા માટે ભગવાન પ્રત્યે બધાના રૂપમાં રહેલો વિશ્વાસ. બાધાના રૂપમાં રહેલી શ્રદ્ધા…

● POINT :- આપણે સફળ બનીએ એમાં આપણો પોતાનો પરિશ્રમ હોય છે. પણ સાથે સાથે આપણી સાથે સ્નેહથી જોડાયેલા એ તમામની એક છુપી શ્રદ્ધા, લાગણી અને મહેનત પણ હોય છે. તો આ લાગણીના તાણા વાણા ને જોવાનો અને જીવવાનો પ્રયત્ન કરી જિંદગીને પ્રેમથી ભરી દઈએ…

લેખક :- અલ્કેશ ચાવડા ‘અનુરાગ’ (શંખેશ્વર)

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks