ખબર

દમણમાં દારૂની પાર્ટી બાદ બોટલ તોડી કાચ વડે યુવકનું કાપી નાખ્યુ ગળું, ચોંકાવનારો ખુલાસો થયો હવે

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે, જેમાં ઘણીવાર અંગત અદાવત તો ઘણીવાર પ્રેમ સંબંધ કારણભૂત હોય છે. હાલમાં સંઘ પ્રદેશ દમણમાંથી ચોંકાવનારો હત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ડાભેલ વિસ્તારમાં ગુમસુદા યુવાનનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. જે બાદ દમણ પોલીસે આ હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી છે. જો કે, યુવાનની હત્યાનું કારણ બહાર આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. ગુમસુદા યુવક શિવમની હત્યા લવ ટ્રાયેંગલમાં થઈ હોવાનું બહાર આવ્યું છે. દમણના ડાભેલ વિસ્તારમાં શિવમસિંહ રાજપૂતની ગુમસુદાની ફરિયાદ તેના ભાઈ નાગેન્દ્રસિંહે કરી હતી.

તસવીર સૌજન્ય : ન્યુઝ 18 ગુજરાતી

શિવમસિંહના ગુમ થવા મામલે દમણ પોલીસે વિવિધ ટીમો બનાવીને તપાસ હાથ ધરી ત્યારે દમણ પોલીસને જાણવા મળ્યું કે શિવમસિંહ બે વ્યક્તિઓ સાથે છેલ્લે જોવા મળ્યો હતો. શિવમ જેની સાથે છેલ્લે જોવા મળ્યો તે મિત્ર રવિશંકર પટેલ અને રાજુજગ કિશન પટેલ હતો. જેને લઇને દમણ પોલીસ બંનેને પોલીસ સ્ટેશન લઇ આવી અને આગવી ઢબે પૂછપરછ કરતાં તેઓએ હત્યાની વાત કહી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, શિવમ રાજપૂતની હત્યા બીજા કોઈએ નહીં તેના જ મિત્ર રવિશંકર પટેલ અને રાજુ પટેલ દ્વારા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રવિશંકર પટેલ જે યુવતીને પ્રેમ કરતો તે યુવતી રવિશંકરને ધોકો આપી શિવમ રાજપૂત સાથે સંબંધ રાખી રહી હતી.

પ્રતિકાત્મક તસવીર

મૂળ મધ્યપ્રદેશના રીવાના અને હાલ દમણ બોર્ડર પર આવેલા વાપી નજીકના વડોલીગામે રહેતા નાગેન્દ્રસિંહ રાજપૂતે 31 ઓગસ્ટના રોજ શિવમસિંહ રાજપૂતની 24મી ઓગસ્ટથી ગુમ થયા હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી, જે બાદ બે યુવકોની અટકાયત કરી પોલિસ સ્ટેશન લઇ જઇ તેમની પૂછપરછ કરતા શિવમની હત્યા થઇ હોવાનું ખુલ્યુ. બંને આરોપીએ કબુલાત કરી હતી કે, 24મી ઓગસ્ટે શિવમસિંહ એમની સાથે જ હતો. રાત્રે બંને આરોપીએ સંદીપ બાર એન્ડ રેસ્ટોરન્ટથી શિવમને ભેંસલોર સ્ટોન ક્વોરીના ડમ્પિંગ એરિયામાં લઇ ગયા

પ્રતિકાત્મક તસવીર

અને જૂની અદાવત અને પ્રેમ પ્રકરણને લઇને તેને શિવમની હત્યાનો પ્લાન ઘડયો હતો. રવિશંકરે બનાવના દિવસે મિત્ર શિવમને દારૂની પાર્ટી માટે બોલાવ્યો અને ત્રણેય મિત્રોએ સાથે દારૂની પાર્ટી કરી અને એકાંત જગ્યાએ શિવમને લઇ જઇ દારૂની બોટલ તોડીને તેના કાચ વડે શિવમનું ગળું કાપી હત્યા કરી નાખી. જે બાદ શિવમની લાશને સ્ટોનકોરીની જાળીઓમાં સંતાડીને બંને આરોપી ફરાર થઈ ગયા હતા.દમણ પોલીસે બંને આરોપીઓને દમણ કોર્ટમાં રજૂ કર્યા હતા અને કોર્ટે બંને આરોપીઓના આવતા સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.