દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. ધોરણ 1stમાં અભ્યાસ કરતી છ વર્ષની વિદ્યાર્થિનીનો મૃતદેહ બે દિવસ પહેલા (19/09/2024) શંકાસ્પદ પરિસ્થિતિમાં મળી આવ્યો હતો. સવારે નિયમિત રીતે શાળામાં ગયેલી બાળકી ઘરે પરત ન ફરતાં, તેના પરિવારજનોએ શાળામાં તપાસ કરવાનું શરૂ કર્યું હતું. આ ઘટનાની જાણ થતાં મોડી રાત્રે SP, LCB સહિતની પોલીસ ટીમો શાળામાં પહોંચી અને તપાસ હાથ ધરી હતી. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીના મૃત્યુનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
ઘટનાની વિગતો મુજબ, 19/09/2024ના રોજ રણધિકપુર તાલુકાના પીપળીયા ગામની બાળકી રોજની જેમ શાળાએ જવા નીકળી હતી. થોડા સમય પછી શાળાના આચાર્ય ત્યાંથી પસાર થતાં બાળકીને પોતાની ગાડીમાં બેસાડીને શાળાએ લઈ ગયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બાળકી પ્રાર્થના સમયથી બપોર સુધી શાળામાં હાજર હતી. પરંતુ આશ્ચર્યજનક રીતે, શાળાના હાજરી રજિસ્ટરમાં તે ગેરહાજર હોવાનું નોંધાયું હતું.
સાંજ સુધી બાળકી ઘરે ન આવતાં તેના દાદાને ચિંતા થઈ અને તેમણે બાળકીના પિતાને જાણ કરી. ત્યારબાદ બાળકીના પિતા અને બે કાકાઓ શોધખોળ માટે શાળા તરફ નીકળ્યા. આસપાસ તપાસ કર્યા બાદ તેમણે શાળાની અંદર તપાસ કરવાનો નિર્ણય લીધો. શાળાનો મુખ્ય દરવાજો બંધ હોવાથી તેઓ શાળાનો કમ્પાઉન્ડ વૉલ કૂદીને અંદર પ્રવેશ્યા.
બાળકીના પિતાએ શાળાના પાછળના અને અંદરના ભાગમાં શોધખોળ શરૂ કરી. અચાનક તેમની નજર બાળકી પર પડી, જે શાળાના પાછળના ભાગે કમ્પાઉન્ડ વૉલ પાસે અત્યંત ગંભીર સ્થિતિમાં પડેલી હતી.
તાત્કાલિક આસપાસના લોકોને બોલાવીને બાળકીને સિંગવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી. ત્યાંથી વધુ સારવાર માટે ઓક્સિજન સાથે એમ્બ્યુલન્સ મારફતે લીમખેડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી. પરંતુ ત્યાં ફરજ પર હાજર ડૉક્ટરે બાળકીને મૃત જાહેર કરી.
આ ઘટના અંગે પરિવારે પોલીસને જાણ કરતાં, પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. રાત્રે 3 વાગ્યા સુધી પોલીસે વિસ્તૃત તપાસ કરી અને બાળકીને પેનલ પોસ્ટમોર્ટમ માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. પ્રાથમિક તપાસમાં ડૉક્ટરોએ જણાવ્યું કે બાળકીનું મૃત્યુ શ્વાસ ગૂંગળાઈ જવાના કારણે થયું છે. આ માહિતીના આધારે પોલીસે અકસ્માતે મોતનો કેસ બદલીને હત્યાનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ તેજ કરી છે. હાલમાં પોલીસ અને પેનલ પોસ્ટમોર્ટમ ડૉક્ટરો દ્વારા બાળકીના પેટના ભાગના સેમ્પલ લઈને વધુ તપાસ ચાલુ છે.