મિત્રો, શરદ પૂનમ નજીક છે એટલે ઘરે-ઘરે દહીંવડા અને ઊંધિયું બનાવી ને ખાવા ની હવે તો જાણે પરંપરા બની ગયી છે. બજાર માં તો જાણે દહીં વડા અને ઊંધિયા નો મેળો જોવા મળે છે. જ્યાં જોઈએ ત્યાં ઊંધિયા ની લારીઓ, દુકાનો અને સ્વીટ માર્ટ માં પણ હવે દહીં-વડા અને ઊંધિયા ની જમાવટ થાય છે. કોઈ સાંજે બનાવે તો કોઈ રાતે, પરંતુ શરદ પૂનમ ના દિવસે જરૂર ને જરૂર દહીં વડા ખાવા માં આવે છે.
ચાલો તો આજે આપણે બહાર બજારમાં વેચાતા સ્વાદિષ્ટ અને મજેદાર દહીં વડા ઘરે જ બનાવી એ અને પરિવાર સાથે તેનો આનંદ માણીએ.
દહીં-વડા બનાવવા માટે ની સામગ્રી
- અડદ ની દાળ – 1 કપ
- કિશમિશ – 1 ટેબલ સ્પૂન
- કાજુ – 1 ટેબલ સ્પૂન
- હીંગ – 1 ચપટી
- મીઠું – સ્વાદા અનુસાર
- તેલ – તળવા માટે
- દહીં – ઘોળેલું
- લીલી કોથમીર ની ચટણી
- મીઠી ચટણી
- મીઠું – સ્વાદ અનુસાર
- કાળું મીઠું
- શેકેલા જીરું નો પાઉડર
- લાલ મરચાં નો પાઉડર
દહીંવડા બનાવવા માટે ની રીત
- સૌપ્રથમ અડદ ની દાળ ને સાફ કરી લો, પછી તેને પાણી માં ધોઈ ને 3 થી 4 કલાક માટે પાણી માં પલાળી ને રાખી મૂકો. ત્યાર બાદ તેમાથી પાણી ને કાઢી નાખો અને મિક્સર માં થોડી કરકરી દળી નાખો.
- પીસેલી દાળ ને 4 થી 5 મિનિટ માટે સારી રીતે ઘોળી લો, પછી તેમાં મીઠું, અને હીંગ નાખો અને દાળ માં સારી રીતે ભળી જાય ત્યાં સુધી ઘોળો.
- હવે એક જાડા વાસણ માં વડા ને તળવા માટે તેલ કાઢો, અને તેને ગરમ કરવા માટે ગેસ પર મૂકી દો. હવે એક નાનું વાસણ લો તેની ઉપર એક સાફ ધોયેલુ કપડું ઢાંકી ને તેને પાછળ થી પકડી લો.
- તે કપડાં પર હાથ થી થોડું પાણી લગાવો, પછી પાણી વાળા હાથે થોડી દાળ કાઢો અને તેને કપડાં પર મૂકી દો.
- હવે આ દાળ ની ઉપર એક કિશમિશ અને 2 કાજુ ના ટુકડા મૂકો. ત્યાર બાદ કિશમિશ અને કાજુ ને ચારે બાજુ થી ઉપાડી ને બંધ કરી દો.
- વડા ને ભીની આંગળીઓ થી ધીમે-ધીમે દબાવી ને ચપટું અને ગોળ કરો. અને હવે હળવા હાથે તેને કપડાં પર થી ઉઠાવી ગરમ તેલ ના વાસણ માં નાખો.
- ફરી થી કપડાં ને ભીનો કરો અને બીજા વધેલા વડા ને પણ આ રીતે બનાવી ને તળી લો.
- તેલ માં નાખેલા વડા ને બ્રાઉન રંગ ના થાય ત્યાં સુધી ઉલટ-સૂલટ કરી ને તળી લો. સારી રીતે તળાયેલા વડા ને કઢાઈ માથી કાઢી ને એક પ્લેટ માં રાખતા જાઓ. અને બીજા વડા નાખી ને તેને પણ તળતા જાઓ.
- દાળ ના આ ખીરા માથી તેના પકોડા બનાવવા માટે દાળ માં થોડું પાણી નાખો અને તેને ભેળવી નાખો. પછી તેની ગોળ-ગોળ પકોડી બનાવી ને કઢાઈ માં નાખો અને તળો. આ પકોડી ને પણ વડા ની જેમ ગોલ્ડન રંગ ની થાય ત્યાં સુધી તળી લો અને તળાઈ જાય પછી તેને એક પ્લેટ માં કાઢી લો.
- દહીં વડા ને પીરસતા પહેલા ગરમ પાણી માં 15 મિનિટ માટે વડા ને પાણી માં પલાળી ને રાખી મૂકો. ગરમ પાણી માં થોડું મીઠું પણ મિક્સ કરી દો.
- 15 મિનિટ પછી વડા પાણી માં પલળી ને એકદમ નરમ થઈ જશે. એક-એક કરી ને બધા વડા ને પાણી માથી કાઢી લો અને હથેળી થી દબાવી ને તેમાથી વધારા ના પાણી ને નીચવી નાખો ને પછી તેને એક પ્લેટ માં મૂકતાં જાઓ.
- આ દહીં વડા ને પીરસવા માટે એક પ્લેટ માં 4 થી 5 વડા અને તળેલા પકોડા ને રાખો તથા તેની ઉપર 6 થી 7 નાની ચમચી ઝેરેલું દહીં અને 2 નાની ચમચી લીલી કોથમીર ની ચટણી નાખો.
- હવે ઉપર થી સ્વાદ અનુસાર મીઠું, થોડું કાળું મીઠું, શેકેલા જીરું નો પાઉડર નાખો. પછી 2 નાની ચમચી મીઠી ચટણી, બીજી વાર થોડું દહીં અને થોડો લાલ મરચાં નો પાઉડર નાખો.
- ખાટા મીઠા સ્વાદ થી ભરપૂર દહીં વડા ને તળેલા પકોડા સાથે પીરસી ને ખૂબ જ આનંદ થી ખાવો અને ખવડાવો.
સલાહ:દાળ ને દળતી વખતે ખૂબ જ ઓછા પાણી નો ઉપયોગ કરવો. કારણ કે તે ઓછા પાણી એ જલ્દી થી દળાય જશે. અને જે ખૂબ સારું છે.