આજે જ્યા એકબાજુ મોંઘવારીએ લોકોની કમર તોડીને મૂકી દીધી છે ત્યારે એક જગ્યા એવી પણ છે કે જ્યા સૌથી સસ્તું અને લાજબાવ ભોજન મળે છે, એ પણ ફક્ત 5 રૂપિયામાં.

ઉત્તર પ્રદેશના નોઇડામાં રહેતા સામાજિક કાર્યકર અનૂપ ખન્ના આ મોંઘવારીના સમયમાં ગરીબો માટે મસિહા બન્યા છે. નોઇડાના આ સામાજિક કાર્યકર્તાએ મોંઘવારીના સમયે ગરીબોને ભરપેટ ભોજન પીરસવાનું બીડું જડ્પ્યું છે, એ પણ ફક્ત 5 રૂપિયામાં. દાદી કી રસોઈ નામથી પાંચ રૂપિયામાં ભરપેટ ખાવાનું ખવડાવતા અનુપ ખન્ના હાલ ચર્ચામાં છે.

દાદી કી રસોઈ એક કરોડથી પણ વધુ લોકોની પસંદ બની ગઈ છે. YouTube પર દાદી કી રસોઈ દ્વારા કરવામાં આવતી સમાજ સેવાના વીડિયોને એક કરોડથી વધુ લોકો જોઈ ચુક્યા છે. અને પસંદ પણ કરે છે.

અનુપ ખન્ના નોઈડાના સેક્ટર 17માં દાદી કી રસોઈ ચલાવે છે. તેઓ સમાજસેવા પણ કરે છે અને ગરીબોની મદદ પણ કરે છે. દાદી કી રસોઈ શરુ કરવાનો હેતુ ઓછામાં ઓછી કિંમતમાં ઘરનું બનેલું ભોજન ગરીબોને ખવડાવવાનું. નોઈડામાં તેના બે સ્ટોલ છે, જ્યા રોજ લોકો પોતાની ભૂખ શાંત કરવા આવે છે. જેમાં વિદ્યાર્થીઓ, નોકરિયાત, રીક્ષા ચલાવનારથી લઈને દુકાનના મલિક અને ત્યાંથી પસાર થવાવાળા લોકો પણ સામેલ છે, જે લાઈનમાં લાગે છે.

અનૂપે આ કિચનના સેટઅપ માટે 30 હજાર રૂપિયા ખર્ચો કર્યો છે. પરંતુ આજે દાદી કી રસોઈ એટલી લોકપ્રિય છે કે ડોનેશન પણ મળે છે. અનૂપ રોજની સામગ્રી માટે અને ભોજન તૈયાર કરવા માટે દિવસમાં 2500 રૂપિયા ખર્ચ કરે છે.
અહીં ભોજન ફ્રીમાં પણ આપી શકાય છે પરંતુ ફક્ત પાંચ રૂપિયા એટલા માટે રાખવામાં આવ્યા છે કે સામેવાળાને એ વાતનો અહેસાસ રહે કે તેઓ રૂપિયા આપીને ખાય છે, મફતનું નથી ખાતા. રસોઈ એ વાતનું ધ્યાન રાખે છે કે બધાને જ ભરપેટ ભોજન મળે, કોઈ ભૂખ્યું ન જાય. અહીં પાંચ રૂપિયામાં દેશી ઘીથી બનેલું સ્વાદિષ્ટ ભોજન પેટ ભરીને મળે છે. અહીં લગભગ 500 લોકો ખાય છે. ખાસ વાત એ છે કે વર્ષના 365 દિવસ અહીં ભોજન જરૂરતમંદને ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
દાદી કી રસોઈનું મેનુ રોજ બદલાય છે. અહીં રોજ તાજા લીલા શાકભાજીઓ જ ઉપયોગમાં લેવાય છે. ભાત પણ બાસમતી જ વપરાય છે. સાફ-સફાઈ અને ગુણવત્તાનું પણ ધ્યાન રાખવામાં આવે છે. અનુપ ખન્નાએ જણાવ્યું હતું કે તેઓએ દાદી કી રસોઈની શરૂઆત વર્ષ 2015માં પોતાની દાદીની અંતિમ ઈચ્છાથી કરી હતી. તેમની દાદીએ કહ્યું હતું કે હવે એ ફક્ત ખીચડી જ ખાય છે એટલે તેમનો ખાવાનો ખર્ચ બચે છે, તેનાથી ગરીબોને ભોજન કરાવો.
સમાજ સેવક અનુપ જરૂરતમંદોને ભોજન કરાવવા સિવાય 10 રૂપિયામાં કપડાં, જૂત્તા અને પુસ્તકો વેચે છે, ઉપરાંત પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્ર પણ ખોલીને ગરીબ દર્દીઓને દવાઓ ઉપલબ્ધ કરાવે છે.