ખબર

સાયરસ મિસ્ત્રીની કારને થયેલા અકસ્માત પહેલાનો વીડિયો આવ્યો સામે, CCTVમાં કેદ થઇ હતી છેલ્લી વખત આ કાર, જુઓ વીડિયો

ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન અને બાંધકામ ઉદ્યોગપતિ પલોનજી મિસ્ત્રીના નાના પુત્ર સાયરસ મિસ્ત્રીનું રવિવારે કાર અકસ્માતમાં દુઃખદ મોત થયું હતુ. સાયરસ મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે તેમની મર્સિડીઝ કારને અકસ્માત નડ્યો હતો. આ દરમિયાન તેમની કાર અમદાવાદ-મુંબઈ હાઈવે પર ડિવાઈડર સાથે અથડાઈ હતી. કારમાં કુલ ચાર લોકો સવાર હતા. જેમાંથી સાયરસ મિસ્ત્રી સહિત બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને બે લોકો ઘાયલ થયા હતા.

સાયરસ મિસ્ત્રી ગુજરાતના ઉદવાડાથી પરત ફરી રહ્યા હતા. તેઓ અહીં પારસી સમુદાયના મોટા ધાર્મિક સ્થળની મુલાકાત લેવા ગયા હતા. હવે સાયરસ મિસ્ત્રીના મોત પહેલાની છેલ્લી તસવીર અને વીડિયો સામે આવ્યો છે. તસ્વીરમાં તે સફેદ શર્ટ પહેરેલા જોવા મળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઉદવારામાં દુકાનમાં લાગેલા સીસીટીવીમાં આ ફોટો કેદ થયો છે. અહીં સાયરસ મિસ્ત્રી ચંદનના લાકડા ખરીદવા માટે આવ્યા હતા.

અકસ્માત પહેલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. 16 સેકન્ડની વીડિયો ક્લિપમાં મિસ્ત્રીની મર્સિડીઝ કાર રસ્તા પર ઝડપભેર જતી જોઈ શકાય છે. આ વીડિયો કાર અકસ્માત પહેલાનો હોવાનું જણાય છે. જો કે આ વીડિયોને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઇ. પરંતુ સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

અમદાવાદ-મુંબઈ હાઈવે પર સાયરસ મિસ્ત્રીની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં મિસ્ત્રી અને જહાંગીર દિનશા પંડોલે મૃત્યુ પામ્યા હતા. આ બંને લોકો પાછળની સીટ પર બેઠા હતા. તે જ સમયે, કાર અનાહિતા પંડોલે ચલાવી રહી હતી. તેઓ જાણીતા ગાયનેકોલોજિસ્ટ છે. કારમાં સાયરસ મિસ્ત્રી અને અનાહિતા પંડોલે સિવાય તેમના પતિ ડેરિયસ પંડોલે બેઠા હતા. આ અકસ્માતમાં અનાહિતા અને તેનો પતિ ડેરિયસ આબાદ બચી ગયા છે.