સતના પરચા આનાથી મોટા શું હોઇ શકે ? આખા ગુજરાતને હચમચાવી દેનારું “તાઉ-તે” વાવાઝોડું સોમનાથ અને દ્વારકા મંદિરની કાંકરી પણ ના હલાવી શક્યું

ગઈકાલથી ગુજરાતની માથે એલ મોટી આફત “તાઉ-તે” વાવાઝોડાની ચાલી રહી છે. આ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના ઘણા ગામોમાં ભારે તબાહી જોવા મળી છે. ખેડૂતોના આંબાવાડિયા પણ વેર વિખેર બનાવી દીધા છે.. પરંતુ આ બધામાં ઈશ્વરનો ચમત્કાર કહો કે તેમના સાક્ષાત હોવાનો પુરાવો. આટલા ભયંકર વાવાઝોડાની અંદર પણ દ્વારકા અને સોમનાથ મંદિરની કાંકરી પણ હલી શકી નથી.

આ બાબતે સોમનાથ મંદિર ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, “સોમનાથ દાદાની અમી નજર ફરી એકવાર જોવા મળી છે. તેમજ દેશ વિદેશના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા ફરી એકવાર સાચી સાબિત થઈ છે. જેના કારણે જ અતિ ભારે પવન વચ્ચે પણ સોમનાથ મંદિરની ધજા-ત્રિશુળ અડીખમ જોવા મળી રહ્યું છે. અતિ ભારે વાવાઝોડા વચ્ચે પણ સોમનાથ મંદિરની  મિલકતને નુકસાન થયું નથી.”

તો સૌરાષ્ટ્રના બીજા એક સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાધીશ મંદિરમાં પણ કોઈ જાતનું નુકશાન નથી, સોમવારે દ્વારકા મંદિરમાં અડધી કાઠીએ 52 ગજની ધજા ફરકાવવામાં આવી હતી. ભયંકર વાવાઝોડા વચ્ચે પણ મંદિરની ધજા અડીખમ જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે સોમનાથ અને દ્વારકાધીશ આ બંને મંદિરો દરિયા કિનારે આવેલા છે, અને આ વાવાઝોડાની ખાસ અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ જોવા મળી રહી છે. પરંતુ આ બંને મંદિરમાં કોઈપણ જાતનું કોઈ જ નુકશાન થયું નથી.

આ પણ વાંચવું ગમશે : કેવી રીતે થઈ સોમનાથનાં બાણલિંગની સ્થાપના? સોમનાથની આ રોચક વાતો તમને નહી ખબર હોય!

ભારતના પશ્વિમી કાંઠે, ગુજરાતની ભૂમિ પર, સૌરાષ્ટ્ર પ્રાંતમાં અરબી સમુદ્રને કાંઠે આવેલ સોમનાથ મહાદેવનું ધામ જગતપ્રસિદ્ધ છે. ભગવાન શિવનાં ૧૨ શિવલિંગમાં પ્રથમ સ્થાન સોમનાથનું છે. આથી, ભારતમાં અને ભારત બહાર વસેલા હિન્દુઓ માટે સોમનાથ પરમ આસ્થાનું સ્થાનક છે.

અહીઁ સોમનાથની સ્થાપનાથી માંડીને અત્યાર સુધીમાં સોમનાથનો ઇતિહાસ કેવો રહ્યો, મંદિરની લાખેણી સંપત્તિ ઉપર કોનો-કોનો ડોળો મંડાયો; આ પરમ આસ્થા સ્થાનનાં પટાંગણમાં બીજા ધર્મનાઓએ કેવી ક્રુરતાથી લોહીની નદીઓ વહેવડાવી તેનો ઇતિહાસ અહીઁ અમુક ભાગોમાં વહેંચીને આપવાનો પ્રયત્ન કર્યો છે. અહીઁ એવી ઘણી બાબતો હશે જેનાથી તમે અપરિચિત હશો. આ રોચક વાતો જાણવાનો આનંદ પણ આવશે અને ગ્લાનિ પણ થશે!

સોમનાથની સ્થાપના કોણે કરી?:
ૂંકાણમાં જવાબ છે – ચંદ્ર(સોમ)એ! શા માટે કરી એની પાછળની કથા અહીઁ ટૂંકમાં રજૂ કરી છે : દક્ષ પ્રજાપતિની ૨૭ રૂપરૂપના અંબાર જેવી કન્યાઓ ચંદ્રને વરી હતી. પણ સોમરાજા તેમાંથી રોહિણીને સૌથી વધારે પ્રેમ કરતા. બીજી રાણીઓ તરફ તેમનું ધ્યાન નહોતું. આથી વ્યથિત થયેલી રાણીઓએ પિતા દક્ષ પ્રજાપતિને ફરિયાદ કરી. દક્ષ રાજાએ સોમને સમજાવ્યો. એકથી વધારે વાર કહ્યું કે, મારી બધી દીકરીઓને સરખી રાખો. પણ ચંદ્ર પર તેની કોઈ અસર ના થઈ.

આખરે દક્ષ પ્રજાપતિએ ચંદ્રને શાપ આપ્યો કે, તારો ક્ષય થાઓ! ક્ષયને તો રાજરોગ માનવામાં આવે છે. ચંદ્ર રાત-દિવસ ક્ષીણ થવા લાગ્યો. શરીર કથળતું ગયું. આમાંથી બચવા માટે દેવોનાં કહેવાથી ચંદ્રએ શિવની આરાધના શરૂ કરી. પ્રભાસતીર્થમાં આવીને સરસ્વતી નદી જ્યાં સમુદ્રને મળે છે, એ ઉત્તરના કાંઠે સ્નાન કરીને કાયમ ચંદ્ર શિવની આરાધના કરવા લાગ્યો.

આખરે એક દિવસ શિવ પ્રસન્ન થયા. ચંદ્રને અપાયેલો શાપ સમૂળગો તો નષ્ટ ના થયો પણ તેમને રાહત તો ચોક્કસ મળી. પંદર દિવસ તેમનો ક્ષય થવાનો અને ફરી પંદર દિવસ એ ઊર્જાવાન બનવાનો! ચંદ્રએ એ ટાણે યજ્ઞ કરીને શિવના લિંગની સ્થાપના કરી, જે ‘સોમનાથ’ તરીકે જાણીતું થયું! ચંદ્રની યાદ લોકોએ પૃથ્વી ફરતે ફરતા અવકાશીય ઉપગ્રહ સાથે જોડી તેને અમર બનાવી દીધો. તેમની રોહિણી સમેત ૨૭ પત્નીઓ આજે નક્ષત્ર કહેવાય છે અને ખગોળવિદ્યામાં પાયાનું મહત્ત્વ ધરાવે છે.

પ્રહલાદથી લઈને કૃષ્ણ સુધી:
સોમનાથ મંદિરની મહાત્મય આદિકાળથી છે. મહાભારતમાં તો શાંતિપર્વથી લઈને ઘણે ઠેકાણે સોમનાથનો ઉલ્લેખ છે. ‘સ્કંદપુરાણ’માં ‘પ્રભાસખંડ’ નામથી આખો એક વિભાગ છે, જેમાં સોમનાથને લગતી મહત્ત્વની જાણકારી મળે છે. ભગવાન શ્રીકૃષ્ણએ આ જ તીર્થક્ષેત્રમાં ભાલકામાં દેહત્યાગ કર્યો હતો એ કથા તો જાણીતી છે.

આ ઉપરાંત, ભગવાન શ્રીરામ પણ પ્રભાસમાં આવેલા અને આશાપુરા ગણપતિની અર્ચના કરેલી. પિતાની હત્યાનું પ્રાયશ્વિત કરવા માટે થઈને ભક્ત પ્રહલાદ પણ સોમનાથ દાદાની પૂજા અર્થે આવેલ. સોમનાથના પ્રતિષ્ઠા યજ્ઞમાં ખુદ બ્રહ્માએ અને માતા સાવિત્રીએ હાજરી આપેલ. કહેવાય છે કે, ધ્રુવ પણ આ ક્ષેત્રનાં દર્શનાર્થે અને અહીઁ તપસ્ય માટે આવેલ. વળી, પુરાણપ્રસિદ્ધ અનેક મહર્ષિઓ આ ધરતી ઉપર પધાર્યા હતા એ તો ખરું જ.

પાંડવો અવારનવાર આવતા:
રાવણ કર્મે તો રાક્ષસ હતો પણ તેની ઓળખ ‘શિવભક્ત’ તરીકેની પણ છે. એક વખત પ્રભાસક્ષેત્ર ઉપરથી તેનું પુષ્પક વિમાન(જે તેમણે ભાઈ કુબેર પાસેથી પડાવ્યું હતું) ઉડ્ડયન ભરતું હતું, તે વખતે સોમનાથ મંદિરનાં આકાશ માથે આવતા જ વિમાન થંભી ગયેલું. કોઈ કાળે આઘાપાછું થયું નહી. આખરે રાવણે ધરતી પર આવીને ભગવાન શિવની ભક્તિ કરેલી.

મહાભારત કાળમાં, પાંડવો પણ અવારનવાર ભગવાન સોમનાથનાં દર્શન કરવા આવતા હોવાનો ઉલ્લેખ છે. ભગવાન શ્રીકૃષ્ણની સલાહ લેવા તેઓ દ્વારિકા આવતા ત્યારે પ્રભાસમાં દર્શન કરવા ઘણીવાર આવતા.

ત્રિવેણીસંગમ રહ્યો છે અનેક ઘટનાઓનો સાક્ષી:
પ્રભાસક્ષેત્રમાં જ, સોમનાથ મહાદેવનાં મંદિરથી થોડે દૂર હિરણ-સરસ્વતી-કપિલા નદીઓનો ત્રિવેણીસંગમ રચાય છે. જે સ્થાને આ નદીઓ સમુદ્રને મળે છે તેને ભાવિકો ‘ત્રિવેણી’ તરીકે ઓળખે છે. સરસ્વતી નદીનું મહાત્મય ઘણું છે. આ સંગમ પૌરાણિક કથાઓથી જ બહુ મહત્ત્વ ધરાવે છે.

એવું કહેવાય છે કે, પ્રભાસ તીર્થક્ષેત્ર પહેલા ‘હિરણ્યસરસ’નાં નામથી ઓળખાતું. હિરણ અને સરસ્વતી નદીઓનાં નામ ઉપરથી આ નામ પડ્યું હોય તેવું જણાય છે. આજે પણ સોમનાથની થોડે દૂર પૂર્વમાં ‘હરણાસા’ અને દૂર ઉત્તરમાં ‘સરસવા કે સારસવા’ ગામ આવેલાં છે, જેના પરથી આ વાતનો ખ્યાલ આવે છે.

આજે તમે સોમનાથ, અંબાજી અને શામળાજીનાં બેજોડ મંદિરો જુઓ છો તેની પાછળ આ દાદાનું દિમાગ છે!

આજે બહુ ઓછા લોકોને ખબર હશે ગુજરાતનાં આ ત્રણ પ્રસિદ્ધ મંદિરો અને એ સિવાય ગુજરાત અને ગુજરાત બહારનાં અનેક જાણીતા મંદિરો બનાવવા પાછળ એક જ માણસનું દિમાગ હતું. એ હતા પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા!

સાત ચોપડીનો જ અભ્યાસ કરેલો:
પ્રભાશંકર સોમપુરાની ગણતરી આધુનિક ભારતના શ્રેષ્ઠ સ્થપતિ(આર્કિટેક્ચર)માં થાય છે. ૧૮૯૬માં પાલિતાણામાં તેમનો જન્મ થયો. સોમપુરા બ્રાહ્મણોનો સદીઓથી સ્થાપત્યનાં બાંધકામ ક્ષેત્રે જોટો જડે તેમ નથી. તેમનો મુખ્ય ધંધો જ આ છે. પ્રભાશંકર દાદાના પરિવારનો વ્યવસાય પણ શિલ્પકળાનો જ હતો. દાદા સાત ચોપડી સુધી તો માંડ ભણ્યા અને થોડોક અભ્યાસ સંસ્કૃતનો કર્યો. બસ પછી બાપ-દાદાના ધંધામાં લાગી ગયા!

જૂનવાણી ગ્રંથોનો કઠોર અભ્યાસ કર્યો:
પ્રભાશંકર દાદાનાં ઘરમાં બાપદાદાઓના વખતના એકદમ જૂનવાણી ગ્રંથો રહેલા હતા, જે શિલ્પશાસ્ત્રને લગતા હતા. દાદાએ તે બધા ગ્રંથોનો એકદમ બારીકીથી અભ્યાસ કર્યો. શાળાકીય શિક્ષણ તો દાદાનું સાત ચોપડીનું જ હતું, પણ જાતમહેનતથી એટલું જ્ઞાન ભેગું કર્યું કે કોઈ અડધી જિંદગી ભણેલા આર્કિટેક્ચરને પણ આંટી જાય! આગળ જતા તેમણે જાતે શિલ્પકળા વિશેના ૧૪ ગ્રંથો પ્રગટ કર્યા. આ ગ્રંથો આજે પણ શિલ્પીઓ માટે ગુરૂચાવી જેવા છે! પ્રભાશંકર દાદાને શંકરાચાર્યજીએ ‘શિલ્પ-વિશારદ’ કહીને નવાજ્યા.

આમ થયું સોમનાથનું નિર્માણ:
ઇસ્લામનાં આક્રમણો શરૂ થયાં એ પછી ભારતીય પ્રજામાં અંધારપટ છવાઈ ગયો. આશરે ૮૦૦ વર્ષ સુધી ભારતમાં ઇસ્લામી સલ્તનતનું શાસન રહ્યું એ વેળા મોટાભાગનાં પ્રસિદ્ધ હિન્દુ મંદિરો ધર્મઝનૂની બાદશાહોએ ખંડેરોમાં ફેરવી નાખ્યાં. સોમનાથ મંદિર પણ તેમાનું એક હતું. છેલ્લે મંદિરને ઔરંગઝેબે તોડ્યું એ પછી લગભગ ૨૫૦ વર્ષ મંદિર ખંડિયર જ રહ્યું. આઝાદી બાદ સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી અને જામનગરના મહારાજ જેવા મહાનુભાવોએ મંદિરને ફરીવાર ઊભું કરવાનું નક્કી કર્યું.

સોમનાથ મંદિરની ડિઝાઇન અને બાંધકામનું કામ એ સમયના વિખ્યાત સ્થપતિ પ્રભાશંકર સોમપુરાને સોંપાયું. દાદાએ કામ માથે લીધું. સોલંકી(મારૂ ગુર્જર) શૈલીમાં મંદિર બાંધવામાં આવ્યું. મંદિરની ભવ્યતા અરબ સાગરને કાંઠે જાણે ચમકી ઉઠી! મંદિરને ‘કૈલાસ મહામેરૂ પ્રાસાદ’ નામ અપાયું. એ વખતે ૫૦ લાખના ખર્ચે મંદિરનું બાંધકામ પૂર્ણ થયું.

૧૧ મે, ૧૯૫૧ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રબાબુ સોમનાથ આવ્યા. ૯ વાગીને ૪૫ મિનિટે સોમનાથ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા થઈ. નગારે ઘા પડ્યા, ઝાલરો રણકી ઉઠી, ગગન ગજાવતા શંખનાદો થયા અને અનેક બ્રાહ્મણોએ એકીસાદે ધીરગંભીર અવાજે ભગવાન સોમનાથની સ્તુતિઓ ગાવા માંડી. ‘જય સોમનાથ’ અને ‘હર હર મહાદેવ’ના નાદની સોરઠ ગાજી ઉઠ્યું!

આ મંદિરો પણ દાદાએ જ બાંધ્યાં છે:
સોમનાથ ઉપરાંત, અંબાજીનું મંદિર અને શામળાજીનું મંદિર પણ પ્રભાશંકર સોમપુરાએ જ બાંધેલ છે. તદ્દોપરાંત, મથુરામાં આવેલ ભગવાન કૃષ્ણનું મંદિર અને દિલ્હીનું રામ મંદિર પણ તેમનાં જ દિમાગનું કામ છે. આજે પ્રભાશંકર દાદાનો પરિવાર પણ આ જ કાર્ય સાથે જોડાયેલો છે. અંબાજી મંદિરનાં પટાંગણમાં આવેલ અદ્ભુત ‘શક્તિ દ્વાર’ તેમના વંશજોએ જ બનાવેલ છે. એવું કહેવાય છે, કે અયોધ્યાનું રામ મંદિર પણ કદાચ પ્રભાશંકર દાદાનો પરિવાર જ બાંધશે.

પદ્મશ્રીનો ખિતાબ મળ્યો:
૧૯૭૩માં પ્રભાશંકર દાદાને ભારત સરકારે શિલ્પ અને સ્થાપત્યમાં તેમનાં અવિસ્મરણીય યોગદાનને જોતા ‘પદ્મશ્રી’ વડે નવાજ્યા. રાષ્ટ્રપતિ દ્વારા ચાર હજાર રૂપિયાનો પુરસ્કાર અને શાલ ઓઢાડીને સન્માન પણ થયેલું. ૧૯૭૮માં પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરાનું અવસાન થયું. હજુ તેમની યાદો અમર છે! વંદન છે આવા કલાકારને!

આર્ટિકલ સારો લાગ્યો હોય તો લીંક આપના મિત્રો સાથે પણ શેર કરજો, ધન્યવાદ!

 

Niraj Patel