ચોમાસાએ ભલે વિદાય લઈ લીધી હોય પણ ભારતીય સમુદ્રમાં હવાઓની ગતિવિધી હજુ યથાવત્ છે. હમણાંને હમણાં સાયક્લોન ‘ગતિ’ અને સાયક્લોન ‘નિવાર’ પછી હવે વધુ એક વાવાઝોડું ભારતીય તટભૂમિ પર મંડરાઈ રહ્યું છે.

સાયક્લોન ‘બુરેવી’:
બંગાળની ખાડીમાં થયેલી હલચલથી ઉત્પન્ન થયેલાં આ વાવાઝોડાંનું નામ છે : બુરેવી. અઠવાડિયા પહેલા આવેલાં ‘નિવાર’ વાવાઝોડાંની પેઠે આ પણ દક્ષિણ ભારતીય તટપ્રદેશ પર અસર કરશે. ગુરૂવારના બપોર પછીના સમયથી સાયક્લોન બુરેવીની અસર તમિલનાડુ, કેરળ અને પોંડિચેરી સહિતના વિસ્તારોમાં થવા માંડશે.
ભારે વરસાદ ચાલી રહ્યો છે:
બુધવારે રાત્રેથી જ સાયક્લોનની અસર તળેના વિસ્તારોમાં મેઘરાજાની ઝડી ચાલી રહી છે. તમિલનાડુના નાનકડા આઇલેન્ડ પમ્બન દ્વીપ નજીક આ વાવાઝોડું ત્રાટકશે તેવી પૂર્વધારણા કરવામાં આવી છે. આની અસર કેરળ, પોંડિચેરી અને તમિલનાડુના પ્રદેશોમાં થશે.

વડામંત્રી સાથે વડાપ્રધાનની વાત:
કેરળના સીએમ વિજયન્ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાયક્લોન બુરેવીના સંદર્ભે વાત કરી છે. અને બનતી મદદ કેન્દ્ર તરફથી કરવામાં આવશે તેવું આશ્વાસન પણ આપ્યું છે. બચાવદળો તૈયાર છે અને ભયજનક સ્થાનકો પરથી લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે.
તમિલનાડુના પમ્બન અને કન્યાકુમારીની વચ્ચેથી બુરેવી વાવાઝોડું પસાર થશે એવું કહેવાઈ રહ્યું છે. રામેશ્વરમ્ ખાતેનો દરિયો સાયક્લોનની પૂર્વ અસરરૂપે તોફાની બન્યો છે. ગૃહમંત્રી અમિત શાહે પણ કેરળ અને તમિલનાડુના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી છે.

મોસમ વિભાગ દ્વારા અપાયું રેડ એલર્ટ:
આ ચક્રવાત તમિલનાડુની ભૂમિથી એકદમ નજીક છે અને ટૂંક સમયમાં ભૂમિ પર લેન્ડ કરશે. મોસમ વિભાગે તિરુવનન્તપુરમ્, કોલ્લમ, અલપ્પુઝા અને પથાનમિટ્ટા જિલ્લાઓ માટે રેડ એલર્ટ પણ જારી કર્યું છે. આ તોફાન શ્રીલંકાના ઉત્તરીય કિનારા બાજુથી ભારતીય તટ તરફ આગળ વધી રહ્યું છે.
ઈશ્વર સૌને સુરક્ષિત રાખે એ જ પ્રાર્થના!