આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલ શ્રીલંકાની બગડી હાલત : રાષ્ટ્રપતિ ભવન પર પ્રદર્શનકારીઓએ કર્યો કબ્જો, રાષ્ટ્રપતિના ઘરેથી મળી અધધધધ કરોડની રોકડ

શ્રીલંકા આ સમયે આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યુ છે. પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબ્જો કરી લીધો છે. પ્રધાનમંત્રી આવાસને પણ આગને હવાલે કરી દીધુ છે. આ વચ્ચે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના ઘરેથી કરોડો રૂપિયાની રોકડ પ્રદર્શનકારીઓના હાથે લાગી હોવાનો દાવો કરવામાં આવી ર્હયો છે. સોશિયલ મીડિયા પર આનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.જેમાં લોકો નોટો ગણતા જોઈ શકાય છે. રાષ્ટ્રપતિ ભવનમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓના પ્રવેશના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આવા જ એક વીડિયોમાં કેટલાક પ્રદર્શનકારીઓ નોટો ગણતા જોવા મળી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને આ રકમ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના ઘરેથી મળી હતી. શ્રીલંકાના અખબાર અનુસાર રાષ્ટ્રપતિ ભવનમાંથી રિકવર કરાયેલી રકમ સુરક્ષા એકમોને સોંપી દેવામાં આવી છે. તપાસ અધિકારીઓએ કહ્યું છે કે તેઓ તથ્યો તપાસ્યા પછી જ સ્થિતિ જણાવી શકશે. તમને જણાવી દઈએ કે બેરિકેડ તોડીને હજારો પ્રદર્શનકારીઓ શનિવારે કોલંબોના ઉચ્ચ સુરક્ષા વિસ્તારમાં પ્રવેશ્યા હતા.

મોટી સંખ્યામાં લોકો રાષ્ટ્રપતિ આવાસમાં ઘૂસી ગયા હતા અને ત્યાં તોડફોડ કરી હતી. આ દરમિયાન બેડરૂમથી લઈને કિચન, બાથરૂમ સુધી દરેક જગ્યાએ પ્રદર્શનકારીઓએ કબજો જમાવી લીધો હતો. ઘણા લોકો રાષ્ટ્રપતિ આવાસના સ્વિમિંગ પૂલમાં ન્હાતા પણ જોવા મળ્યા હતા, જ્યારે કેટલાક બેડ અને સોફા પર આરામ ફરમાવતા જોવા મળ્યા હતા. કેટલાક લોકો રસોડામાં ભોજન લેતા પણ જોવા મળ્યા હતા. એક વીડિયોમાં તો પ્રદર્શનકારીઓ નોટોના બંડલ સાથે જોવા મળ્યા હતા. કેટલાક લોકો નોટો ગણતા તો કેટલાક બેકગ્રાઉન્ડમાં ઘોંઘાટ કરતા જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 25 મિલિયન લોકોની વસ્તી ધરાવતું શ્રીલંકા તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. દેશમાં વિદેશી હૂંડિયામણની અછત છે, જેના કારણે ઇંધણ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની આયાત કરવામાં આવી રહી નથી. સરકાર સામે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. પ્રદર્શનકારીઓએ કહ્યુ હતુ કે, રવિવારે તેમને રાષ્ટ્રપતિના અધિકારીક આવાસમાં 1,78,50,000 શ્રીલંકાઇ રૂપિયા મળ્યા. આ રકમ પ્રદર્શનાકારીઓએ પોલિસને સોંપી દીધી હતી.

Shah Jina