અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે લાગી મોટી સફળતા, લોકોની જીવનભરની કમાણી ચાઉં કરી જનારો આખરે ઝડપાઇ ગયો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી છેતરપિંડીની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે, ઘણા લોકો તો એવા પણ હોય છે જે લોકોને લાલચોમાં ફસાવે છે અને પછી કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવીને ફરાર થઇ જતા હોય છે, અને પોલીસ પણ આવા લોકોની શોધખોળમાં લાગી હોય છે, ત્યારે હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનાં હાથે એક એવો જ વ્યક્તિ લાગ્યો છે, જેને લોકોનું કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી નાખ્યું હતું.

આ વ્યક્તિ બીજું કોઈ નહિ પરંતુ ઠગબાજ સૌરીન પંચાલ છે. જેણે પોતે એક જાણીતા બિલ્ડર તરીકેની ઓળખ ઉભી કરી હતી અને પછી લોકોને ઠગવાનો ધંધો શરૂ કરી દીધો હતો. તે પહેલા ફ્લેટની સ્કીમ શરૂ કરવા જમીન બારોબાર લઇ લેતો હતો અને પછી ફ્લેટ જમીન માલિકને આપવાના બહાને દસ્તાવેજ કરી ફરી અન્ય વ્યક્તિને ફ્લેટ વેચી દઈ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતો હતો.

ઘણા લોકોએ સૌરીનની જાળમાં ફસાઈને પોતાના જીવનભરની કમાણી ખોઈ નાખી હતી. છેલ્લા 10 વર્ષથી તે આ રીતે ફ્લેટની અલગ અલગ સ્કીમ બતાવી એક જ ફ્લેટને બેથી ત્રણ લોકોને વેચીને કરોડોની છેતરપિંડી કરી લેતો હતો. આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એલિસબ્રિજ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના પગલે આરોપી સૌરીન પંચાલ નાસતો ફરતો હતો, જેના બાદ ગૃહમંત્રીના આદેશ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.

સૌરીન પંચાલે ઘણા લોકો સાથે છેતરપિંડી કરી હતી. લોકોને ઘરના ઘરનું સપનું બતાવીને ફ્લેટ કરોડોમાં વેચ્યો હતો અને પછી એજ ફ્લેટ કોઈ બીજાને પણ વેચી દેતો હતો, જ્યારે ઘરના ઘરનું સપનું જોઈ રહેલા લોકોને માલુમ પડતું કે તેમની સાથે છેતરપિંડી થઇ છે ત્યારે તેમને પોલીસ ફરિયાદ કરી હતી. આ મામલામાં આરોપી સૌરીન પંચાલ ઉપરાંત તેની પત્ની કોમલ અને તુષાર પંચાલ સહઆરોપી છે. કોમલ અને તુષાર હજુ પણ ફરાર છે.

Niraj Patel