ક્રિકેટ રમતા રમતા સિક્સ માર્યા બાદ યુવકને આવ્યો હાર્ટ એેટેક ! હ્રદય ધ્રુજાવી દેનારો વીડિયો થયો વાયરલ

મુંબઈ નજીક થાણેના મીરા રોડ વિસ્તારમાં એક વિચિત્ર ઘટના બની. ક્રિકેટ મેચ દરમિયાન એક ખેલાડીને હાર્ટ એટેક આવ્યો અને રમતા રમતા તે પડી ગયો. આ દરમિયાનનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. યુવકને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહીં. વાયરલ વીડિયો મીરા રોડની સ્થાનિક ક્રિકેટ મેચનો છે.

વીડિયોમાં ગુલાબી જર્સી પહેરેલો એક યુવક મેચ દરમિયાન શોટ મારતો જોવા મળ્યો, શોટ માર્યા બાદ તે યુવક આગલા બોલની રાહ જોતા અચાનક ક્રિઝની નજીક પડી ગયો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. યુવા ક્રિકેટરને અચાનક પડતા જોઈને મેચ રમી રહેલા અન્ય ખેલાડીઓ અને અમ્પાયર તેની મદદ કરવા દોડી આવ્યા. ખેલાડીઓએ યુવકને ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો પણ ભાનમાં ન આવતા ક્રિકેટરને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.

જો કે, ત્યાં પહોંચતા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. રીપોર્ટ્સ મુજબ, મીરા રોડના કાશીમીરા વિસ્તારમાં ટર્ફ ક્રિકેટ રમતા યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. આ યુવાન ખેલાડી સિક્સર માર્યા બાદ મેદાનમાં પડી ગયો. યુવા ક્રિકેટરના મોતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. યુવકને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાની આશંકા છે.

Shah Jina