સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તિરાડની તસવીરો ફરતી થઈ, આ વાત ફેલાવા મામલે પોલીસે લીધું એક્શન, જાણો સમગ્ર મામલો

સ્ટેચ્યુ ઓફ યુનિટીની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ. આ એક તસવીર બે ફોટોગ્રાફ્સને જોડીને બનાવવામાં આવી છે, એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પૂરી તસવીર છે અને બીજી બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પગનો એક ભાગ છે જેમાં તિરાડો દેખાય છે. આ તસવીર શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમાં તિરાડો દેખાવા લાગી છે અને તે ગમે ત્યારે પડી શકે છે.

આ તસવીર સોશિયલ મીડિયા પર ઘણી શેર કરવામાં આવી રહી છે. રાગા ફોર ઇન્ડિયા નામના એક્સ યુઝરના એકાઉન્ટ પરથી SOUની પ્રતિમામાં તિરાડો પડી છે અને ગમે ત્યારે પડી શકે છે તેવી અફવા ફેલાવવામાં આવ્યા બાદ SOU તંત્રએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને હવે વધુ તપાસ હાથ ધરાઇ છે. @RaGa4India નામના એકાઉન્ટ પરથી 8 સપ્ટેમ્બરે પોસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો 2018નો ફોટો મૂકવામાં આવ્યો હતો અને સાથે લખ્યુ હતુ કે “કભી ભી ગીર શક્તિ હૈ, દરાર પડના શુરુ હો ગઈ હૈ”.

આ ઉપરાંત @DebojitBharali નામના એક યુઝરે તસવીર શેર કરી લખ્યું, “સ્ટેચ્યુ પર સ્પેસ ટેક્નોલોજીની અસર.” જો કે, ફેક્ટ ચેકમાં સામે આવ્યુ કે આ તસવીર વર્ષ 2018માં પોસ્ટ કરવામાં આવી હતી. એટલે કે આ તસવીર જૂની છે.  SOU સત્તા મંડળે SoU સલામતી પોલીસ સ્ટેશનમાં એકાઉન્ટ ધારક સામે ફરિયાદ નોંધાવી.

Shah Jina