ખબર

ઘાતક કોરોના વચ્ચે વેક્સીનના ભાવ કરાયા નક્કી, જાણો કેટલી મોંઘી થઇ વેક્સીન?

કોરોનાના કહેર વચ્ચે હાલ દેશમાં વેક્સીનેશનનું કામ ચાલી રહ્યુ છે, તેવામાં કોવિડશિલ્ડ વેક્સીન બનાવનાર કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ બુધવારે કોવિશીલ્ડ વેક્સીનના નવા ફિક્સ રેટ જાહેર કર્યા છે. સીરમે કહ્યું હતું કે પ્રાઈવેટ હોસ્પિટલમાં કોવિશીલ્ડ વેક્સીન 600 રૂપિયામાં આપવામાં આવશે.

ભારત સરકારે હાલમાં જ વેક્સીનેશનના નવા ચરણનું એલાન કરી દીધુ છે. આ ચરણમાં રાજય સરકાર અને પ્રાઇવેટ હોસ્પિટલ સીધા વેક્સીન નિર્માતાઓથી વેક્સીન ખરીદી શકશે. અત્યાર સુધી માત્ર કેંદ્ર સરકાર જ વેક્સીન ખરીદતી હતી અને અલગ અલગ રાજયોમાં મોકલતી હતી.

આ પહેલાં આ હોસ્પિટલમાં આ વેક્સીન 250 રૂપિયામાં આપવામાં આવતી હતી. રાજ્યો માટે વેક્સીનના ભાવ 400 રૂપિયા હશે અને કેન્દ્રને પહેલાની જેમ જ આ વેક્સીન 150 રૂપિયામાં મળતી રહેશે. આગામી બે મહિનામાં વેક્સીનનું પ્રોડક્શન વધારવામાં આવશે. હાલ જેટલી વેક્સીન પ્રોડ્યુસ થાય છે એમાં 50% વેક્સીન કેન્દ્રના વેક્સીનેશન પ્રોગ્રામ અંતર્ગત મોકલવામાં આવે છે, જ્યારે અન્ય 50% વેક્સિન રાજ્યો અને પ્રાઈવેટ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે.

કેન્દ્ર સરકાર અનુસાર, હજુ પણ 50 ટકા વેક્સીન કેન્દ્ર સરકારને મળશે, જ્યારે 50 ટકા વેક્સીન રાજ્ય સરકારો સીધી કંપની પાસેથી લઇ શકશે. સાથે જ પ્રાઈવેટ સેક્ટર પણ આવું કરી શકશે.

વેક્સીનના ઉત્પાદનને વધારવા માટે હાલમાં જ કેંદ્રએ વેક્સીન બનાવનાર કંપનીઓ સીરમ ઇંસ્ટીટયૂટ અને ભારત બાયોટેકને સમર્થન આપવાને લઇને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. હાલમાં જ વિત્ત મંત્રાલયે સીરમ ઇન્સ્ટીટયૂટ માટે 3000 કરોડ અને ભારત બાયોટેક માટે 1500 કરોડ રૂપિયા પ્રદાન કરવા મંજૂરી આપી છે અને તેને જલ્દી જ ક્રેડિટવિતરિત કરવામાં આવશે.

તમને જણાવી દઇએ કે, ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સીનને દુનિયાની સૌથી મોટી વેક્સીન નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ભારતમાં બનાવી રહી છે. કંપનીનું કહેવું છે કે તે એક મહિનામાં વેક્સીનના 6 કરોડથી વધુ ડોઝ બનાવી રહી છે. 4 થી 12 અઠવાડિયાના અંતરે આ વેક્સીનનો બીજો ડોઝ લોકોને આપવમાં આવે છે. આ વેક્સીનને 8 ડિગ્રીના સામાન્ય તાપમાનની જરૂર હોય છે. જેના કારણે સરળતાથી તેનું વિતરણ સંભવ બને છે. તો બીજી બાજુ ફાઇઝર-બાયોટેક દ્વારા વિકસિત વેક્સીનને શૂન્યથી 70 ડિગ્રીના ઓછા તાપમાને સ્ટોર કરવામાં આવે છે.