અમદાવાદમાંથી સામે આવી વધુ એક હિટ એન્ડ રનની ઘટના…દારૂ ભરેલી લક્ઝુરિયસ BMW કાર ચાલક યુવાને દંપતીને લીધા અડફેટમાં, ગાડીમાંથી મળી દારૂની બોટલો

વૉકીંગમાં નીકળેલા દંપતીને BMW કાર ચાલકે લીધા અડફેટમાં.. ટક્કર મારીને થઇ ગયો ફરાર, ગાડીમાંથી મળ્યો દારૂ… જુઓ વીડિયો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હિટ એન્ડ રનની ઘટનાઓ સતત સામે આવી રહી છે, જેમાં પુરપાટ ઝડપે જતા વાહન ચાલકો દ્વારા રાહદારીઓને અડફેટે લેવામાં આવે છે અને અકસ્માત સર્જીને તે ભાગી જતા હોય છે. છેલ્લા થોડા સમયમાં અમદાવાદમાંથી પણ આવી ઘટનાઓ વધવા લાગી છે. ત્યારે હાલ વધુ એક હિટ એન્ડ રનની ઘટના અમદાવાદમાંથી સામે આવી છે.

આ મામલે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના સોલા સિમ્સ હોસ્પિટલ પાસે ગત 1 માર્ચના રોજ 9.45ની આસપાસ પોતાની લક્ઝુરિયસ કાર BMW નંબર GJ-01-KV-1008 લઈને ફૂલ સ્પીડમાં જતા એક યુવકે એક દંપતીને અડફેટમાં લીધા હતા. જેમાં દંપતી ગંભીર રીતે ઘાયલ થઇ જતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક કારને ઘટના સ્થળેથી દોઢ કિલોમીટર દૂર મૂકીને ફરાર થઇ ગયો હતો. પોલીસે કારને જપ્ત કરી ત્યારે અંદરથી દારૂની બોટલો અને એક પાસબુક મળી આવી હતી, પાસબુકમાં સત્યમ શર્મા નામ લખેલું હતું. જેના આધારે પોલીસે કર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતનો ભોગ બનેલા દંપતી જે વેદાંત શ્રીજી લિવિંગ હોમમાં રહે છે. ત્યારે આ મામલે ભોગ બનનારા 44  વર્ષીય અમીતભાઈ દેવકીનંદન સિંઘલ પાસેથી સોલા પોલીસે ફરિયાદ નોંધી હતી. તેમના પત્ની મેઘાબેનને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા છે જેમાં આરોપી ફૂલ સ્પીડમાં કાર લઈને જતો પણ જોવા મળે છે.

Niraj Patel