કોરોના વાયરસના સંક્રમણને લીધે દેશ-વિદેશમાં લગ્ન, તહેવાર વગેરે જેવા સમારોહ પર અમુક પાબંધીઓ લગાવી દેવામાં આવી છે. એક સમયે ધામધૂમથી લગ્ન કરનારા લોકો આજે માત્ર 100 લોકોની હાજરીમાં જ લગ્ન કરી રહ્યા છે. કોરોના કાળમાં આવા સખ્ત નિયમો હોવા છતાં પણ એક કપલે પોતાના લગ્નમાં 10 હજાર લોકોને આમંત્રિત કરી દીધા.

મલેશિયામાં હાલ લગ્નમાં માત્ર 20 લોકોને જ હાજર રહેવાની પરવાનગી છે છતાં પણ એક લગ્નમાં 10,000 લોકો આવ્યા હતા. સૌથી ખાસ વાત એ પણ છે કે આ લગ્નમાં કોરોનાના નિયમોનો ભંગ પણ ન થતો અને લગ્ન પણ થઇ ગયા.
આ કપલે પોતાના લગ્નમાં કોરોનાનું પાલન કરવાના હેતુથી ‘ડ્રાઇવ થ્રુ’ થીમ રાખી હતી, જેમાં દરેક મહેમાનોને લગ્ન સ્થળે પોતાની કાર દ્વારા આવવાનું હતું અને કારમાં બેસીને જ વિવાહિત કપલ પાસે આવવાનું હતું અને તેમને શુભકામના આપવાની હતી.
એક પછી એક મહેમાનો પોતાની કાર દ્વારા આવતા ગયા અને કારની વિન્ડો દ્વારા નવવિવાહિત જોડીને શુભકામના આપતા ગયા, એક પણ મહેમાન કારની બહાર ઉતર્યા ન હતા. આ ખાસ થીમ દ્વારા લગ્નમાં 10,000 મહેમાનો આવ્યા અને સોશિયલ ડીસ્ટન્સના નિયમનો ભંગ પણ ન થયો.

લગ્નના ભોજન સમારંભમાં પણ નિયમોનો ભંગ થયો ન હતો. 10,000 મહેમાનોને ભવ્ય ભોજન પણ કરાવવામાં આવ્યું હતું. મેહમાનો જ્યારે કાર દ્વારા આવ્યા ત્યારે તેઓને પહેલાથી જ તૈયાર કરેલા ફૂડ પેકેટ વિન્ડો દ્વારા આપવામાં આવ્યા હતા. મેહમાનો ફૂડ પેકેટ લેતા ગયા, અને આગળ વધતા ગયા. દરેક મહેમાનોને લગ્ન સ્થળથી પસાર થવામાં ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો.

વરરાજો ટેંકુ મોહમ્મદ હાજીફ મલેશિયાના પ્રભાવશાળી રાજનેતા ટેંકુ અદનાનના દીકરા છે અને પૂર્વ કૈબિનેટ મંત્રી પણ છે. હાજીફના લગ્ન ઓસિઅન એલાજિયા નામની મહિલા સાથે રવિવારે થયા હતા અને તે જ દિવસે હાજીફનો જન્મદિવસ પણ હતો.
હાજીફે ફેસબુક પર પોસ્ટ પણ લખી હતી જેમાં તેણે પોતાના લગ્નની આ થીમની જાણકારી આપી હતી. આ સિવાય તેણે પોતાના લગ્નમાં શામિલ થવા બદલ મહેમાનોનો આભાર પણ માન્યો હતો.