3 વર્ષ પહેલા એક અકસ્માતમાં ગુમાવ્યા હતા પોતાના બે દીકરાઓ, બે અનાથ ભાઈઓને દત્તક લઇ વડોદરાના આ દંપતીએ પુરી કરી ખોટ

દીકરા ગુમાવતા ભાંગી પડ્યું હતું આ દંપતી, પછી 2 ભાઈઓને લીધા દત્તક- જાણો

માનવતાને મહેકાવે એવા ઘણા કિસ્સાઓ સોશિયલ મીડિયા અને સમાચારોમાં આપણે હરદમ જોતા હોઈએ છીએ, આ બધા વચ્ચે જ વડોદરામાંથી એક ખુબ જ ખુશી આપે તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પરિવારના બે દીકરાઓ 3 વર્ષ પહેલા ડૂબી જવાના કારણે મૃત્યુ પામ્યાં હતા, અને હવે તેમને બે અનાથ ભાઈઓને દત્તક લઈને પોતાના દીકરાઓની ખોટ પૂર્ણ કરી છે.

આ માનવતાની મહેક પ્રસરાવી છે વડોદરામાં રહેતા પ્રજાપતિ પરિવારે. તેમના બે દીકરાઓ ત્રણ વર્ષ આગાઉ 2017માં પ્રવાસે ગયા હતા, ત્યાં તેઓ પાણીમાં ડૂબી જવાના કારણે મૃત્યુ પામ્યા હતા. ત્રણ વર્ષથી આ પરિવાર પોતાના દીકરાની ખોટ અનુભવી રહ્યો હતો. પોતાના વ્હાલસોયા દીકરાઓ ગુમાવવાનું દુઃખ પણ તેમનાથી સહન નહોતું થઇ રહ્યું. આ દરમિયાન જ તેમને જિલ્લા બાળ સુરક્ષા એકમનો સંપર્ક સાધ્યો હતો અને બે આનાથ બાળકો ઉછેરવાની જવાબદારી પણ સ્વીકારી હતી. 

આ દરમિયાન જ વડોદરા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા દિપક ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સમાજ સુરક્ષા સંકુલનો સંપર્ક કરવામાં આવ્યો. આ સંકુલમાં જ બાળપણથી જ પોતાની માતાની છત્રછાયા ગુમાવી દેનારા બે ભાઈઓ સન્ની અમરસિંહ પંચાલ, ઉં.વ.18 અને અર્જુન અમરસિંહ પંચાલ ઉં.વ. 16 રહેતા હતા.

સંકુલ દ્વારા પ્રજાપતિ પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો અને તેમને આ બાળકો વિશેની જાણકારી પણ આપવામાં આવતા તેમને આ બંને ભાઈઓમાં પોતાના દીકરાઓની છબી દેખાઈ અને તરત જ તેમને દત્તક લેવાનો નિર્ણય કરી લીધો હતો.

રાજ્ય સરકારની ફોસ્ટર યોજના અંતર્ગત સન્ની અને અર્જુનને પ્રજાપતિ દંપત્તિને સોંપવામાં આવ્યા હતા. ત્યારે આ બંને ભાઈઓને દત્તક લેવાના પ્રસંગે સમગ્ર આશ્રમનું વાતાવરણ ભાવભીનું બન્યું હતું. બાળપણથી જ સન્ની અને અર્જુન આજ આશ્રમમાં મોટા થયા હતા. તેમને એક નવો પરિવાર અને નવા માતા પિતા તો મળી ગયા હતા, પરંતુ બાળપણથી જ જે જગ્યાએ, જે મિત્રો સાથે મોટા થયા તેમનો સાથ છોડવાનો થતા જ બધાની આંખો પણ ભીની થઇ ગઈ હતી.

સન્ની અને અર્જુનને દત્તક લેનારા નિલેશભાઈ પ્રજાપતિ અને ભારતીબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે: “આજે અમોને અમારા બે પુત્રોના સ્વરૂપમાં સન્ની અને અર્જુન નામે બે પુત્રો મળ્યા છે. કદાચ ભગવાને અમારી કુખે જન્મેલા બે સંતાનોને એટલા માટે જ તેમની પાસે બોલાવી લીધા હશે કે, અમારે સન્ની અને અર્જુનની જવાબદારી નિભાવવાની છે. અમે ચોક્કસ કહીશું કે, અમારા કુલ ચાર પુત્રો હતા. તેમાંથી હવે સન્ની અને અર્જુન રહ્યા છે અને આજે ખુબ ખુશ છીએ. અમે સન્ની અને અર્જુનને ઉચ્ચ શિક્ષણ અપાવીશું અને તેઓની તમામ ઇચ્છાઓ પૂર્ણ કરીશું.”

Niraj Patel