દમણના મરવડ ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓનો ભારે ધસારો થઇ રહ્યો છે પરંતુ હોસ્પિટલ સ્ટાફ દ્વારા દર્દીની સારવાર કરવામાં વિલંબ કરાતો હોવા સાથે પરિવારજનોને દર્દી અંગેની વ્યવસ્થિત જાણકારી આપવામાં આવતી નહીં હોવાની વ્યાપક બુમરાણ ઉઠવા પામી હતી. આ દરમિયાન રવિવારે રાત્રે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીના પરિવારજનો અને કેટલાક લોકો હોસ્પિટલ પર પહોંચી ગયા હતા અને દર્દી અંગે યોગ્ય જાણકારી નહી આપવા, ડૉક્ટર દ્વારા વ્યવસ્થિત સારવાર નહીં થતી હોવા સહિતના આક્ષેપો કરી ભારે આક્રોશ ઠાલવ્યો હતો.

દમણના ખારીવાડ વિસ્તારના એક દર્દીને ને થોડા દિવસ અગાઉ દમણની સૌથી મોટી સરકારી મરવડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મરવડ હોસ્પિટલમાં દર્દીની સારવાર ચાલી રહી હતી. જોકે, થોડા દિવસ સુધી દર્દીની તબીયત સ્વસ્થ રહી હતી પરંતુ અચાનક તબિયત અચાનક લથડતા દર્દીના સ્વજનો હોસ્પિટલ પર ધસી આવ્યા હતા અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દી અંગેની પૂરતી અને સાચી માહિતી સ્વજનોને નહિ આપવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યા હતા.

રોષે ભરાયેલા દર્દીના સ્વજનોએ હોસ્પિટલના સ્ટાફ સાથે ગાળાગાળી કરી અને ખરાબ વર્તન પણ કર્યું હતું સાથે જ હોસ્પિટલના સ્ટાફ સાથે મારામારીનો પ્રયાસ કર્યો હતો. સ્વજનોનું ટોળું હોસ્પિટલમાં ઘુસી જઈ અને ધમાલ મચાવતાં સમગ્ર હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી અને મામલો વધુ ઉગ્ર બન્યો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. જોકે, રોષે ભરાયેલા દર્દીનાં સ્વજનોએ રોષ માં આવેશ માં આવી અને ‘જો મારા ભાઈનું મોત થશે તો આખી હોસ્પિટલ સળગાવી દઈશ’. એવી ધમકી આપી હતી.