ખબર

વાલીઓ ચેતી જાઓ: બાળકોમાં આ લક્ષણો હોય તો જરૂર કરવો કોરોના ટેસ્ટ, ગુજરાતના આ શહેરમાં 500થી પણ વધારે બાળકો કોરોનાની ચપેટમાં

કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતકી બની રહી છે. દેશભરમાં કોરોના સંક્રમણના કારણે લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, અને આ બીજી લહેરમાં હવે કોરોના બાળકોને પણ પોતાની ચપેટમાં લઇ રહ્યો છે.

અમદાવાદ સિવિલમાં ત્રણ બાળકોનાં મોત થયા છે. હાલ સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં 11 બાળકો સારવાર લઇ રહ્યા છે. જેમાં બે બાળકો ગંભીર હાલતમાં છે. આ સમગ્ર સ્થિતિ અતિથી અતિ ગંભીર થઈ શકે છે.

બીજી તરફ સિવિલના નિષ્ણાત ડોક્ટર કહી રહ્યા છે કે બાળકોમાં કોરોનાની હવે ગંભીર અસર પણ થઈ રહી છે. જેમાં અચાનક લોહીનું ભ્રમણ રોકાઈ જવું તેમજ રેસ્પીરેટરી સિસ્ટમને અસર થઈ રહી છે.

સુરતમાં પણ એક 13  બાળકે કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ બાળકમાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યા નહોતા. અને સારવાર દરમિયાન માત્ર 5 કલાકમાં જ બાળકનો જીવ ચાલ્યો ગયો હતો.

તો બાળકોમાં કોરોનાના લક્ષણોને લઈને સિવિલ હોસ્પિટલમાં આસીસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ચારુલ મહેતા જણાવ્યુ કે, “બાળકોમાં ભૂખ ઓછી થઈ જવી, ચીડિયાં પણું, ઝાડા-ઉલટી પણ કોરોનાનાં લક્ષણો છે. જેમાં ઘણી વખત બાળકોમાં લક્ષણો ન હોય અને અન્યના સપર્કમાં આવે તો તે સુપર સ્પ્રેડર બની શકે છે. તેની સાથે બાળકો માતા-પિતાને ફોલો કરતા હોય છે. જેથી પેરેન્ટ્સ જ બાળકોમાં કોરોના પ્રોટોકોલ સમજાવે અને તે પ્રમાણે ઘરમાં અનુસરે તો બાળકોમાં સમસ્યા અંકુશમાં રાખી શકાય છે.”

ત્યારે આ કોરોનાની બીજી લહેરમાં બાળકોને  સાચવવું પણ ખુબ જ જરૂરી બની ગયું છે. કોરોનાની બીજી લહેર ખુબ જ ગંભીર બની રહી છે તેનાથી બચવા માટેનો શ્રેષ્ઠ ઉપાય સાવચેતી છે.

તો બીજી તરફ મળતી માહિતી પ્રમાણે માત્ર રાજકોટ શહેરમાં જ 500 જેટલા બાળકો કોરોના સંક્ર્મણનો ભોગ બન્યા છે. છેલ્લા 15 દિવસથી રોજ 15 થી 20 બાળકો કોરોના સંક્રમિત આવી રહ્યા છે. જેમાં 60 ટકા બાળકો 5 વર્ષ કરતા નાની ઉંમરના હોવાનું સામે આવ્યું છે. આ આંકડાઓ પણ ચિંતા પેદા કરનારા છે. ચોંકાવનારી માહિતી તો એ છે કે, 2 થી 7 દિવસના નવજાતને કોરોનાનો ચેપ વધી રહ્યો છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં કોરોનાના બાળ દર્દીઓ વધી રહ્યાં છે.