ખબર

માસુમ ગ્રીષ્માની હત્યા કરી દેનારો નરાધમ ફેનિલ સુરતમાં ચલાવતો હતો કપલબોક્સ, સામે આવી રહ્યા છે તેના એક પછી એક કારસ્તાન

સુરતની અંદર આવેલા કામરેજના પાસોદરા પાટિયા નજીક એક તરફી પ્રેમમાં પાગલ યુવક ફેનિલ દ્વારા ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની છડેચોક હત્યા કરી દેવાનો મામલો ખુબ જ ચર્ચામાં છે. આંખ દેશમાં આ હત્યાના પડઘા પડી રહ્યા છે. આરોપી યુવક છેલ્લા ઘણા સમયથી યુવતીનો પીછો કરી રહ્યો હતો. યુવતીના પરિવાર અને યુવક વચ્ચે ઘણીવાર સમાધાન થવા છતાં પણ યુવકે ગ્રીષ્માની હત્યા કરી દીધી.

આ મામલાના આરોપી ફેનિલ ગોયાણીની એક પછી એક પોલ ખુલીને સામે આવી રહી છે. ગ્રીષ્માની હત્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ ફેનિલ પ્રત્યે આજે આખા ગુજરાતની અંદર ગુસ્સો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે તેના એવા એવા કારસ્તાન ખુલ્લા પડ્યા છે કે સાંભળીને કોઈનું પણ લોહી ઉકળી ઉઠે.

દિવ્ય ભાસ્કર મીડિયાના અહેવાલ પ્રમાણે ફેનિલ સુરતની અમરોલી વિસ્તારની આર.વી પટેલ કોલેજના બીકોમમાં અભ્યાસ કરતો હતો. જૂન 2020માં કોલેજના પ્રથમ વર્ષમાં જ પૂરતી હાજરી ન હોવાને કારણે તેને પરીક્ષા આપતો અટકાવી દેવાયો હતો. તેનું ફોર્મ વિથડ્રોલ કરાવી દેવાયું હતું. યુવતી પણ એ જ કોલેજમાં બીકોમમાં અભ્યાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે. ફેનીલ માત્ર આ જ યુવતી નહીં. પરંતુ, અન્ય યુવતીઓ સાથે પણ ફરતો દેખાતો હોવાનું જાણવા મળી રહ્યું છે.

તો દિવ્ય ભાસ્કરના રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ફેનિલ કોલેજમાં મહિનામાં એકાદ બે વાર જ જતો હતો. કોલેજમાં ગયા બાદ પણ તે વર્ગખંડમાં જવાને બદલે કેમ્પસમાં બેસી રહેતો હતો. ફેનિલ પોતાના ગજવામાં તિક્ષ્ણ હથિયારો લઈને કોલેજમાં આવીને જાણે રૌફ જમાવવાનો પ્રયાસ કરતો હોય એ પ્રકારે કેમ્પસમાં ફરતો હતો. છોકરીઓની છેડતી કરતો હોવાનું સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કરે તેની સાથે ભણતા વિદ્યાર્થીઓ સાથે થયેલી વાતચીત પ્રમાણે તેમણે કહ્યું કે, ફેનિલ કેમ્પસમાં જ બેસી રહેતો હતો અને ત્યાં આગળ તે લુખ્ખાગીરી કરતો હતો. ફેનીલને જાણે કોઈનો ડર ન હોય તે રીતે છોકરીઓને પણ હેરાન કરતો આસપાસથી પસાર થતી છોકરીઓને પણ શાબ્દિક રીતે છેડતી કરતો હતો. નજીકના મિત્રો એ તેમના નામ આપ્યા વગર કહ્યું છે કે, તે ઘણી છોકરીઓ સાથે પણ સંપર્કમાં હતો અને તેમની સાથે પણ તેના અફેર હોવાની વાતો સામે આવી હતી.

તો આ બાતે દિવ્ય ભાસ્કરને એ પણ જાણવા મળ્યું કે ફેનીલ ગોયાણી કપલ બોક્સ ચલાવતો હતો. જેમાં તે કોલેજના યુવક યુવતીઓને બેસવાની સૂવાની અને બીજી વ્યવસ્થા કરી આપતો હતો. સેવન સ્ટાર નામથી કપલ બોક્સ કાફે કાપોદ્રા વિસ્તારના સ્કાય લાર્ક શોપિંગ સેન્ટરમાં ચલાવતા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ત્યારબાદ મોટા વરાછા વિસ્તારમાં આવેલા એટલાન્ટા મોલમાં સેવન સ્ટાર કાફે નામથી બીજાનું કપલ બોક્સ ચલાવતો હતો. સેવન સ્ટાર કાફેમાં ચાલતાં કપલ બોક્સ કોલેજીયન યુવક-યુવતીઓને ભાડેથી આપતા હતા.જેનો મસમોટો ચાર્જ પણ વસૂલવામાં આવતો હતો. સેવન સ્ટાર કાફે કપલ બોક્સમાં ફેનિલ સાથે અન્ય લોકો પણ સંડોવાયેલા છે. તેમાં રોકાણ કરનારાઓની તપાસ થવી આવશ્યક છે.

ફેનિલ ગોયાણી અને તેની સાથે સંકળાયેલા સાગરીતો આ પ્રકારના ધંધામાં ખૂબ જ સક્રિય હતા. ફેનિલ પોતે ડ્રગ્સ જેવા કેફી દ્રવ્યોનો બંધાણી હોય તેવી ચર્ચા શહેરમાં થઈ રહી છે. જો પોલીસ આ દિશામાં પણ તપાસ કરે તો ડ્રગ્સ સાથે જોડાયેલા કેટલાક નામો પણ બહાર આવી શકે છે. જે યુવાનોને આ પેડલરો થકી હાથ વગું પોહોચાડી દે છે. શહેરમાં જાણીતી એક સેવાકીય સંસ્થા કે, જે શહીદ થયેલા સૈનિકો પરિવાર માટે કામ કરે છે. તેની સાથે પણ ફેનિલ જોડાયેલો હતો. તે સંસ્થાના નામે તેની સાથેના જ કેટલાક સાગરિતો મળીને ખોટી રીતે પૈસાની ઉઘરાણી કરતા હતા. આ ટ્રસ્ટમાં તાજેતરમાં જ એક ટ્રસ્ટી તરીકે જોડાયેલા વ્યક્તિ સાથે ફેનિલ આ ખૂબ જ સારા સંબંધો છે. આ ટ્રસ્ટમાં વ્યક્તિ કોણ છે અને તે કેવી રીતે ફેનિલ મદદથી રૂપિયાની ઉઘરાણી કરતો હતો તે પણ એક તપાસનો વિષય છે.

(સૌજન્ય: દિવ્ય ભાસ્કર)