અમદાવાદમાં પતિના મૃત્યુ પછી કરોડોની સંપત્તિ માટે હોશિયાર પત્ની બીના પટેલે રચ્યું જોરદાર ષડયંત્ર, પોલ ખુલતા જ પકડાઈ ગઈ
આજ કાલ તો લોકો પૈસાની લાલચમાં આવી એવા એવા કારનામા કરી જતા હોય છે કે આપણે પણ તેમની વિચારશક્તિ સામે માથુ પકડી લઇએ છે. હાલમાં અમદાવાદમાંથી વધારે પૈસાની લાલચમાં પરિવાર સામે ષડયંત્ર રચવાનો પુત્રવધુનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં આંબલી વિસ્તારમાં રહેતી એક મહિલાએ પતિના મોત બાદ મિલકત મેળવવા માટે તમામ હદ વટાવી દીધી હતી. આ મહિલાએ તેના પિતા, ભાઈ અને એક કૌભાંડી જમીન દલાલ સાથે મળીને ષડયંત્ર રચ્યું હતું. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલિસ આરોપીઓની શોધ કરી રહી છે.
ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના આંબલી વિસ્તારમાં પતિ અને સાસરીયાઓ સાથે પહેલાં રહેતી બીના પટેલે તેના પતિ ચિંતનના મોત બાદ ષડયંત્ર રચી માત્ર પતિના ભાગની મિલકત નહિ પરંતુ સસરાની માલિકીની મિલકતમાં પણ પોતે વારસદાર હોય તેવું દર્શાવ્યુ અને કરોડો રૂપિયાની મિલકત પચાવી પાડવાનો પ્રયાસ કર્યો. આ મામલે મહિલાના પતિ ચિંતન પટેલના મોટાભાઈ અમરીશ પટેલે બીના પટેલ, મિતેશ પટેલ, રમેશ પટેલ સહિત ઉમંગ પાલુદરિયા નામના તલાટી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

જે બાદ પોલિસે પણ તપાસ શરૂ કરી છે. મહિલાના પતિ ચિંતન પટેલનું બે વર્ષ પહેલા કોરોના કાળમાં હાર્ટ એટેક આવતા મોત થયુ હતુ અને તે પછી થોડા સમય બાદથી બીના પટેલે પોતાના ભાઈ મિતેષ પટેલ અને હિંમત પટેલ સાથે મળીને પતિની મિલકત મેળવવા માટે અવારનવાર માંગ કરી અને અંતે મોટું કાવતરું રચી નાખ્યું હતું. ચિંતન પટેલના પિતા જગદીશ પટેલે દીકરાના મોત બાદ તેના ભાગની અંદાજે 30 કરોડ રૂપિયાની સંપત્તિ પુત્રવધુ અને તેની દીકરીઓના નામે કરી હતી.
જો કે તેમ છતાં પણ પુત્રવધુનું મન ન ભરાયુ અને તેને વધારે પૈસા લેવાની લાલચ જાગી જે બાદ તેણે જમીનનું કામ કરતા કુખ્યાત અને પોલીસ તથા રાજકારણીઓ અને મોટા માથા સાથે ધરોબો રાખનાર રમેશ મેશિયા સાથે મળીને આંબલીની તલાટી કચેરીમાં સસરા જગદીશ પટેલનું મોત થયુ હોય તેવું દર્શાવી ચિંતન પટેલના મોતનું સર્ટિફિકેટ રજુ કર્યુ અને પછી જગદીશ પટેલની માલિકીની તમામ મિલકતોમાં પોતે અને તેની બે દીકરી ઓની વારસદાર તરીકે એન્ટ્રી કરાવી નાખી હતી. જો કે ફરિયાદી ઓનલાઇન પિતાની માલિકીનો સાત બારનો ઉતારો ચેક કરતા તેમાં આ સમગ્ર બાબત ખુલતા તપાસ કરતા
બીનાએ પોતાના મળતીયાઓ સાથે મળીને મિલકત પચાવી પાડવા માટે આ ગુનાહિત કૃતિઓને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ આ મામલે ચિંતન પટેલના ભાઇએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પછી પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી. જો કે, હાલ તો પોલીસે આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો કામે લગાડી છે.જણાવી દઇએ કે, બીનાએ મહિલા આયોગમાં પણ મિલકતમાં હક્ક હિસ્સો લેવા માટે અરજી કરી હતી. જૂલાઈ 2022માં બીનાએ તેના સાસરિયાઓ સામે ઘરેલુ હિંસાનો પણ કેસ કર્યો હતો.