ખબર

શું હવે દેશવાસીઓના અચ્છે દિન આવી જશે ? પેટ્રોલ-ડીઝલને GST હેઠળ આવરી લેવા બાબતે આવ્યા એક સમાચાર

પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવ સામાન્ય માણસથી લઈને તમામ લોકો માટે માથાનો દુઃખાવો બની ગયો છે. ખાસ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના કારણે આર્થિક સંકટ પણ વધ્યું છે અને તેના કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થવાના કારણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે. ઘણા રાજ્યોમાં તો પેટ્રોલ 110 રૂપિયા પ્રતિ લીટર ઉપર પણ પહોંચી ગયું છે, ત્યારે હાલ ભાવ વધારાને નાથવા માટે વિચારણા ચાલી રહી છે.

GST પરિષદની 17 સપ્ટેમ્બરના રોજ થવા વાળી બેઠકમાં સંભવતઃ પેટ્રોલ અને ડીઝલને જીએસટી અંતર્ગત લાવવા ઉપર વિચાર થઇ શકે છે. આ એક એવું પગલું હશે કે જેને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારે રાજસ્વના મોરચા ઉપર ખુબ જ મોટી સમજૂતી કરવી પડશે. કેન્દ્ર અને રાજ્ય બંન્નેને આ ઉત્પાદનો ઉપર ટેક્સના રૂપમાં ખુબ જ મોટી માત્રામાં રાજસ્વ મળે છે.

નાણામંત્રી નિર્મલા સીતારામણની અધ્યક્ષતામાં યોજાનારી જીએસટી પરિષદમાં રાજ્યોમાં નાણામંત્રીઓ પણ સામેલ થશે. આ પરિષદની બેઠક શુક્રવારના રોજ લખનઉમાં થવા જઈ રહી છે. કેરળ ઉચ્ચ ન્યાયાલય દ્વારા જૂનમાં એક યાચિકા દરમિયાન જીએસટી પરિષદને પેટ્રોલ અને ડીઝલને જીએસટી અંતર્ગત લાવવા ઉપર નિર્ણય કરવા માટે કહ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર ન્યયાલય દ્વારા પરિષદને આમ કરવાનું કહેવામાં આવ્યું હતું. એવામાં આના ઉપર પરિષદની બેઠકમાં વિચાર થઇ શકે છે.