બોટ પલટવાને કારણે બાળકો સહિત 25 લોકોના મોત, 100થી વધુ લોકો હતા સવાર- ડઝન લોકો હજુ પણ લાપતા

મધ્ય આફ્રિકાના કોંગોમાં એક નદીમાં બોટ પલટી જવાથી બાળકો સહિત ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે. ડઝનબંધ લોકો હજુ પણ લાપતા છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે બોટમાં તેની ક્ષમતા કરતા વધુ લોકો હતા. રિપોર્ટ્સ અનુસાર બોટમાં 100થી વધુ લોકો સવાર હતા. આ બોટ કોંગોની રાજધાની કિંશાસાના ઉત્તર-પૂર્વમાં આવેલા ઇનોંગો શહેરથી નીકળી હતી. તે ફિમી નદીના કિનારાથી લગભગ સો મીટરના અંતરે પલટી ગઈ હતી.

ગુમ થયેલા લોકોને શોધવા માટે 17 ડિસેમ્બરે કલાકો સુધી ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આશંકા છે કે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે.ઇનોંગો શહેરના રિવર કમિશ્નર ડેવિડ કાલેમ્બાએ જણાવ્યુ કે- “બોટ ઓવરલોડ હતી અને જ્યાં સુધી મૃતદેહોની વાત છે, અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 25 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.” સ્થાનિક રહેવાસીના જણાવ્યા અનુસાર, બોટમાં ઘણો સામાન પણ ભરેલો હતો.

તેમણે કહ્યું કે, “મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે, પરંતુ આ સમયે મૃતકોની ચોક્કસ સંખ્યા જણાવવી મુશ્કેલ છે કારણ કે બોટમાં ઘણા મુસાફરો હતા.” કાંગોના માઇ-ન્ડોમ્બે પ્રાંતમાં આ વર્ષે આવી ચોથી દુર્ઘટના થઇ છે. આ પૂરો વિસ્તાર નદીઓથી ઘેરાયેલો છે અને મોટાભાગના લોકોને નદીઓમાંથી પસાર થવાની ફરજ પડે છે અને જળ પરિવહન માટે સુરક્ષા ઉપાયોનું ઉલ્લંઘન કરવાવાળાને દંડિત કરવાની વાત કહેતા રહે છે.

મોટાભાગના લોકો અહીં દૂરના વિસ્તારોમાંથી મુસાફરી કરે છે. ઘણા લોકો રોડ દ્વારા આવવા-જવાનો ખર્ચ ઉઠાવી શકતા નથી એટલે તેઓ નદીનો વિકલ્પ પસંદ કરે છે. લોકો જર્જરિત લાકડાના જહાજોમાં માત્ર આર્થિક કારણોસર જ નહીં પણ સલામતીના કારણોસર પણ મુસાફરી કરે છે. કોંગી સુરક્ષા દળો અને બળવાખોરો વચ્ચે ઘાતક અથડામણ દરમિયાન રસ્તાઓ વારંવાર અવરોધિત કરવામાં આવે છે. જેના કારણે ઘણી વખત રસ્તાઓ બંધ થઈ જાય છે અને અહીંથી આવતા-જતા લોકોના જીવ પર જોખમ ઉભું થાય છે.

આ વર્ષે અત્યાર સુધીમાં, આવા અકસ્માતોમાં સેંકડો લોકો માર્યા ગયા છે અને ગુમ થયા છે. ઓક્ટોબર મહિનામાં કોંગોના પૂર્વ ભાગમાં એક બોટ પલટી જવાથી ઓછામાં ઓછા 78 લોકો ડૂબી ગયા હતા. આ બોટમાં પણ તેની ક્ષમતા કરતા વધુ લોકો હતા. એ જ રીતે, જૂન મહિનામાં કિંશાસા પાસે આવી જ એક દુર્ઘટનામાં 80 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાઓ બાદ અહીંના રહેવાસીઓ સરકાર પાસે તરતા સાધનોની માંગ કરી રહ્યા છે.

Shah Jina