અમદાવાદના નિકોલમાં માથાભારે તત્વોએ આતંક, બર્થ ડે સોન્ગ ન વગાડવા દેતા કર્યો જીવલેણ હુમલો

હાલમાં જ થોડા સમય પહેલા અમદાવાદના ચાણક્યપુરી ખાતે આવેલ શિવમ આર્કેડમાં તોફાની તત્વોએ ધમાલ મચાવી હતી, ત્યારે હવે નિકોલના હર હર ગંગે ફ્લેટમાં માથાભારે તત્વોએ આતંક મચાવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના બે દિવસ પહેલા શનિવારે મોડી રાત્રે બની હતી. જ્યારે ગરબા ચાલી રહ્યા હતા ત્યારે માથાભારે તત્વો દંડો લઇને આવ્યા અને ફ્લેટના રહીશો સાથે મારામારી કરવાનું શરૂ કર્યુ. હુમલાની આ ઘટનામાં બે મહિલાઓ સહિત પાંચથી વધુ લોકોને ઇજા પહોંચી છે. એવું સામે આવ્યુ છે કે બર્થ ડેનું સોન્ગ ન વગાડવા બાબતે મામલો બીચક્યો હતો.

પ્રાપ્ત જાણકારી અનુસાર, નિકોલમાં આવેલ હર હર ગંગે ફ્લેટમાં રહેતા અતુલ સોંડાગરે જગદીશ પ્રજાપતિ, મીત શાહ, આદિત્યસિંહ રાઠોડ, નીખીલ, ભૂરો સહિત 9 લોકો સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. અતુલ સોંડાગર મૂળ અમરેલીના છે અને છેલ્લા ઘણા સમયથી ત્રણ ભાઈઓ સાથે અમદાવાદમાં રહે છે. તે અને તેના ભાઈઓ એમ્બ્રોડરીનું કામ કરીને ગુજરાન ચલાવે છે. અતુલ સોંડાગર અને સોસાયટીમાં રહેતા ધ્રુવ સુથારે ગરબાનું આયોજન કર્યું હતું.

ત્યારે ઘટનાના બે દિવસ પહેલાં અતુલ, ધ્રુવ અને સોસાયટીના બીજી સભ્યો ગરબામાં હાજર હતા, ત્યારે રાત્રિના દોઢ વાગ્યાની આસપાસ જગદીશ પ્રજાપતિ તેના મિત્રો મીત શાહ અને આદિત્ય રાઠોડ હર હર ગંગે ફ્લેટમાં આવ્યો અને આવતા જ અતુલના મોટાભાઈ પિયુષની ફેંટ પકડી ગાળો બોલવા લાગ્યો. જગદીશે પિયુષને કહ્યું કે, બર્થ ડેના સોન્ગ કેમ ના વગાડવા દીધા. જગદીશે બબાલ કરતાની સાથે જ તેના બીજા મિત્રોને બોલાવ્યા અને જગદીશના મિત્રો દંડો લઇને આવ્યા અને પિષુય તેમજ અતુલ પર હુમલો કર્યો.

આ દરમિયાન ધ્રુવ અને સોસાયટીમાં રહેતા રીનાબેન સુથાર, ભાવનાબેન નાઈ, આકાશભાઈ સહિતના લોકો વચ્ચે પડતાં તેમને પણ દંડા માર્યા. જગદીશે પિયુષ અને અતુલને ધમકી આપી કે, આજે તો તું બચી ગયો છે પણ હવે ધ્યાન રાખ જે નહીં તો જાનથી મારી નાખીશું.આ પછી ભૂરા નામના યુવકે તલવાર બતાવી અમિત આહિર નામના યુવકને ધમકી આપી કે તું આ મેટરમાં પડતો નહીં નહીંતર તને જાનથી મારી નાખીશું. ત્યારે ફરિયાદ નોંધાયા બાદ પોોલિસે નવ લોકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Shah Jina