કંડક્ટરની દીકરી બની ધોરણ 10ની ટોપર: 500માંથી આવ્યા 499 માર્ક્સ, IITમાં જવાનું છે સપનું

હાલ તો ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાના પરિણામનો સિલસિલો યથાવત છે. થોડા સમય પહેલા ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ હતુ. જેમાં ઘણા વિદ્યાર્થીઓએ ટોપ કર્યુ હતુ. ત્યારે હાલ હરિયાણા વિદ્યાલય શિક્ષા બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. આ પરિણામમાં દીકરીઓએ ઝંડા લહેરાવ્યા છે. પ્રદેશમાં ટોપ કરવાવાળી મંઢાણાની દીકરી અમિશાએ 500માંથી 499 માર્ક્સ હાંસિલ કરી એક મિસાલ પેશ કરી છે.

અમિશા ઇશરાવલ પબ્લિક સ્કૂલ ભિવાનીમાં જ ભણે છે. તેણે જણાવ્યુ કે, તે જેઇઇ એડવાન્સની પરીક્ષા ઉતીર્ણ કરી આઇઆઇટીથી એન્જીનિયરિંગ કરશે, તે માટે તેણે અત્યારથી યોજના તૈયાર કરી લીધી છે. પ્રદેશભરમાં પહેલો નંબર મેળવનારી અમિશાએ કહ્યુ કે, તેણે કમ્પ્યુટર સાયન્સથી એન્જીનિયરિંગ કરવાની યોજના બનાવી છે. અમિશાએ જણાવ્યુ કે, તેના પિતા વેદપ્રકાશ હરિયાણા રોડવેજમાં કંડક્ટર છે અને માતા સુનીતા ગૃહિણી છે.

તેણે કહ્યુ- તેને જે મંજિલ મળી છે તેનો શ્રેય માતા અને પિતાને જાય છે. અમિશાએ પ્રદેશના બધા વિદ્યાર્થીઓને અભ્યાસનું પ્રેશર ન લેવાની વાત કરી. આ સાથે જ અમિશાએ વિદ્યાર્થીને ન ગોખવાની સલાહ આપી, અમિશાનું માનવુ છે કે કોન્સેપ્ટ ક્લિયર થઇ ગયા બાદ તમે ટોપિક ક્યારેય નહિ ભૂલો, તમને જણાવી દઇએ કે, અમિશાનો મોટો ભાઇ ધોરણ 12 સીબીએસસીમાં અભ્યાસ કરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આજકાલના વિદ્યાર્થીઓ તો પરીક્ષા સારી ન જવાને કારણે અથવા નાપાસ થવાના ડરથી હિંમત હારી જતા હોય છે. ત્યારે તેમણે આવા વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ બનાવવા જોઇએ અને મહેનત કરતી રહેવી જોઇએ, ક્યારેય હિંમત ન હારવી જોઇએ.

Shah Jina