...
   

અમદાવાદ : લોકગાયક કલાકાર વિજય સુવાળાની દાદાગીરી? મિત્રો સાથે મળી હથિયાર સાથે કર્યો હુમલો

જાણીતા લોકગાયક વિજય સુવાળા હાલમાં એકાએક ચર્ચામાં આવી ગયા છે, મીડિયા રિપોર્ટ પ્રમાણે વિજય સિુવાળાએ ભાઈ અને 50થી વધુ મિત્રો સાથે મળીને ઓઢવ વિસ્તાર બાનમાં લીધો હોય તેવી ઘટના સામે આવી છે. ઓઢવ વિસ્તારમાં વિજય સુવાળા સહિતના લોકોએ મોડીરાતે હથિયાર સાથે એસ્ટેટ બ્રોકર (ભાજપના પ્રદેશ સંયોજક)ની ઓફિસ પર હુમલો કર્યો હતો અને 50થી વધુ લોકોનું ટોળું એકઠું થઇ જતાં હાહાકાર મચી ગયો હતો. એસ્ટેટ બ્રોકર દિનેશ અને વિજય સુવાળા પહેલાં મિત્રો હતા, પણ વર્ષ 2020થી બંને વચ્ચે અગમ્ય કારણોસર બોલાચાલી થયા બાદ સંબંધ બગડ્યો હતો. વિજય સુવાળા થોડા દિવસ પહેલાં 20થી વધુ ગાડીઓ અને 10થી વધુ બાઇક પર મિત્રો સાથે ઓઢવમાં હથિયારો લઇને આવ્યો હતો.

જણાવી દઇએ કે, હાલમાં વિજય સુવાળા ભાજપનો કાર્યકર્તા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ઓઢવ વિસ્તારમાં આવેલ રબારી વસાહતમાં રહેતા અને જમીન લે-વેચનો ધંધો કરતા એસ્ટેટ બ્રોકર દિનેશ દેસાઇએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય ઉર્ફ વિજય સુવાળા રબારી, યુવરાજ ઉર્ફે યુવરાજ સુવાળા રબારી, રાજુ રબારી, વિક્કી, સુરેશ દેસાઇ, મહેશ દેસાઇ, જયેશ દેસાઇ, દિલીપ ઠાકોર, હીરેન દિલવાલા, જિગર ભરવાડ, નવધણસિંહ, ભાથીભા, રેન્ચુ શેઠ સહિત 40થી વધુ લોકો વિરુદ્ધમાં નામજોગ ધમકી અને હુમલાની કોશિશની ફરિયાદ નોંધાવી છે.

મૂળ ગાંધીનગરના કલોલના અડીસણા ગામના રહેવાસી દિનેશ દેસાઇ એસ્ટેટ બ્રોકર છે. વૈષ્ણવદેવી સર્કલ ખાતે આવેલ રોઝહુડ રિસોર્ટમાં દિનેશની ઓફિસ આવેલી છે. સાત વર્ષ પહેલાં દિનેશનો સંપર્ક જાણીતા લોકગાયક વિજય સુવાળા સાથે થયો હતો. સૈજપુર ટાવર ખાતે સામાજિક પ્રસંગ હોવાથી દિનેશ અને વિજય સુવાળા મળ્યા હતા. વિજય સ્ટેજ શો કરતો હોવાને કારણે અવારનવાર તેમની સાથે ફરતા વિક્કી, સુરેશ, મહેશ, જયેશ દેસાઇ, દિલીપ ઠાકોર, હિરેશ દિલવાલા, જિગર ભરવાડની દિનેશ સાથે મિત્રતા થઇ હતી.

જો કે, વર્ષ 2020માં વિજય સુવાળા અને દિનેશ દેસાઇ વચ્ચે કોઇ કારણોસર મનદુઃખ થયું અને તેને કારણે સંબંધ તૂટી ગયો. 1 જુલાઇના જ્યારે દિનેશ તેના ઘરે હતો, ત્યારે વિજય સુવાળાનો ફોન આવ્યો હતો અને ગંદી ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી. જો કે, ત્યારે તો દિનેશે કોઇ ફરિયાદ નહોતી નોંધાવી. પરંતુ થોડા દિવસ પહેલાં દિનેશને રાત્રે વિજય સુવાળાનો ફોન આવ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. જો કે, આ પછી દિનેશે પોતાનો ફોન કાપી નાખતા વિજય સુવાળાએ અલગ-અલગ નંબરથી ફોન કરવાના શરૂ કર્યા પણ દિનેશે ફોન રિસીવ ના કર્યા.

બાદમાં રાતે 11 વાગ્યાની આસપાસ ચેતનનો ફોન દિનેશને આવ્યો અને કહેવા લાગ્યો હતો કે, મારા પર બે શખ્સોના ફોન આવ્યા હતા અને દિનેશ ક્યાં છે ? તેને જાનથી મારી નાખવાનો છે, તેમ કહીને ફોન કાપી નાખ્યો. ચેતન દિનેશનો પિતરાઇ ભાઈ અને ધંધામાં ભાગીદાર છે, એટલે તેને ઘરની બહાર નીકળવા માટેની ના પાડી દીધી. આ દરમિયાન જય દેસાઇએ દિનેશને ફોન કર્યો કે, ઓઢવ રિંગ રોડથી 20થી વધુ કાર અને 10થી વધુ બાઇક પર બેસીને લોકો આપણા ઘર તરફ આવી રહ્યા છે.

ત્યારે જયની વાત સાંભળીને દિનેશ રાતે બાર વાગ્યા આસપાસ પિતાની ઓફિસ પર આવી ગયો અને દિનેશને ત્યાં જય મળ્યો. તેણે જણાવ્યું કે, 50થી વધુ લોકો છે અને તેમના હાથમાં પાઇપ, ધોકા, હોકી સહિત હથિયારો છે. તેઓ બૂમો પાડી રહ્યા હતા કે, દિનેશ ક્યાં છે ? આજે તેને મારી નાખવાનો છે. જે ટોળાં આવ્યાં હતાં, તેમાં વિજય સુવાળા, યુવરાજ સુવાળા, રાજુ રબારી, વિક્કી, સુરેશ દેસાઇ, મહેશ દેસાઇ, જયેશ દેસાઇ સહિતના લોકો હતા. ત્યારે આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ઓઢવ પોલીસે તપાસ શરૂ કરી છે.

Shah Jina