કલા જગતને મોટી ખોટ ! નથી રહ્યાં ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર, 70 વર્ષની વયે લોકોને પેટ પકડીને હસાવનાર ‘વસંત પરેશ બંધુ’નું નિધન

જામનગરના હાસ્ય કલાકાર અને બંધુના નામે જાણીતા વસંત પરેશનું અવસાન થયું છે. આ સમાચાર પદ્મશ્રી અને હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીએ સોશિયલ મીડિયા પર આપ્યા હતા. હાસ્ય જગતમાં વસંત પરેશના અવસાનથી શોકનો માહોલ ફેલાયો છે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ વસંત પરેશનો બહોળો ચાહક વર્ગ હતો. જગદીશ ત્રિવેદીએ વસંત પરેશના અવસાનના સમાચાર શેર કરતા લખ્યુ હતુ કે હાસ્યકલાકાર વસંત પરેશ “બંધુ” હવે આપણી વચ્ચે નથી રહ્યા.

વસંત પરેશ બંધુની જોક્સ કહેવાની સ્ટાઈલ બીજા કલાકાર કરતાં ઘણી અલગ હતી. તેઓ ભંગીર મુદ્રામાં જોક્સ કહેતા અને લોકો પોકાનું હાસ્ય પણ રોકી શકતા નહોતાં. તેમના કાર્યક્રમમાં હાસ્યનું વાવાઝોડું ફરી વળતું. વસંત પરેશ પ્રોગ્રામની શરૂઆત શાયરીથી કરતા અને પછી નવા નવા જોક્સ સંભળાવી લોકોને હસાવી હસાવી લોથપોથ કરી દેતા. તેઓ પત્ની પર વધારે જોક્સ કરતા હતા.

ત્યારે હવે આ હાસ્ય કલાકારના નિધનથી તેમના ચાહકોમાં શોક વ્યાપી ગયો છે. એવી માહિતી છે કે વસંત પરેશ ‘બંધુ’ એ 70 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધન સાથે જ તેમને કલા અને સાહિત્ય ક્ષેત્રમાં મેળવેલ સિદ્ધિઓ અમર થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વસંત પરેશ છેલ્લા ચારથી પાંચ વર્ષથી બીમારીને લઈ પથારીવશ હતા અને તેમણે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના પાર્થિવદેહને જામનગર લઇ જવામાં આવી રહ્યો છે અને સાંજે 4:30 વાગ્યે તેમના નિવાસસ્થાન જામનગરના મંગલબાગ ખાતેથી અંતિમયાત્રા નીકળશે.

વસંત પરેશ બંધુએ ‘વસંતનું સટર ડાઉન’, ‘ચૂંટણી જંગ’, ‘મારી અર્ધાંગિની’, ‘પોપટની ટિકિટ ન હોય’ જેવા અનેક હાસ્ય રસો પીરસ્યા અને હિન્દી ફિલ્મમાં પણ કેમિયો કર્યો. તેઓએ દુષ્કાળ વખતે ગૌચારા માટે ફંડ એકત્ર કરવા સેવાના હેતુથી અનેક કાર્યક્રમો પણ કર્યા હતા. દુબઈ, શાહજહાં, કેનેડા, યુરોપ, લંડન સહિતના અનેક દેશમાં પણ તેઓ હાસ્ય રસ પીરસી ચૂક્યા છે.

Shah Jina