કૌશલ બારડ ખબર લેખકની કલમે

અગ્નિદાહ વખતે કર્નલની પત્નીએ કાળજું લોખંડનું કરી લીધું, આંખમાં આંસુ પણ ના આવવા દીધું! વાંચો

જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં આતંકવાદીઓએ બંધક બનાવેલા નાગરિકોને છોડાવવા જતા ભારતીય સૈન્ય દ્વારા જે ઓપરેશન હાથ ધરાયું તેમાં પાંચ જવાનો શહિદ થયા. જેમાંના એક હતા ૨૧-રાષ્ટ્રીય રાઇફલ્સના કમાન્ડિંગ ઓફિસર આશુતોષ શર્મા, કર્નલની રેન્ક હતી તેમની પાસે. મૂળે રાજસ્થાનના કર્નલ આશુતોષનો મૃતદેહ જયપુર લાવવામાં આવ્યો અને અગ્નિસંસ્કાર અપાતા આ હુતાત્માનો દેહ પંચ મહાભૂતમાં વિલીન થયો એ સમયે એક વિરલ નજારો જોવા મળ્યો.

Image Source

શબ પર ઓઢાડેલા તિરંગાને ચૂમતી પલ્લવી:
આશુતોષ શર્માને અગ્નિદાહ તેમના ભાઈએ આપ્યો. આ સમયે શહિદની પત્ની પલ્લવી, દીકરી તમન્ના અને વૃદ્ધ માતા ઉપસ્થિત હતાં. અગ્નિસંસ્કાર માટે કર્નલનો દેહ લાવવામાં આવ્યો એ પછી તેમનાં શરીર પર ઓઢાડેલો તિરંગો આર્મીના જવાન દ્વારા પત્ની પલ્લવીને આપવામાં આવ્યો. પલ્લવીએ તિરંગાને કપાળે ચાંપ્યો અને પછી ચૂમી લીધો!

અંતિમ ઘડીએ જ્યારે પલ્લવી ડ્રેસના પાલવથી શહિદના મૃતદેહને હવા નાખતી હતી એ દ્રશ્ય તો ભલભલાને હલાવી નાખે તેવું હતું!

Image Source

કોઈએ મોં પર દુ:ખ દેખાવા દીધું નહી!:
આશ્વર્ય એ વાતનું કે, કર્નલના પરિવારમાંથી કોઈએ અંતિમ સંસ્કાર સમયે મોંફાટ રૂદન ના કર્યું. દરેકના ચહેરા પર આંસુ આવી આવીને રોકાઈ જતાં હતાં! પરિવારે નીમ લીધું હતું કે આશુતોષ શર્માને તેઓ હસતાં મુખે જ વિદાય આપશે! ખરેખર બન્યું પણ એમ જ. આ કઠોર સમયને તેમણે અંતરમાં ભરપૂર આવતા ઉભરાઓ પાછા ઠેલીને પણ સાચવી લીધો. આશુતોષ શર્માના ભાઈએ અગ્નિદાહ દીધો તે પૂર્વે તેમણે ખુરશી પર બેઠેલ માતાના આશીર્વાદ લીધા.

અગ્નિદાહ પૂર્વે પલ્લવી અને દીકરી તમન્ના ક્યાંય સુધી કર્નલના દેહને એકીટશે છેલ્લી વારને માટે નિહાળી રહી. જેનું સર્વસ્વ છિનવાઈ ગયું એ વીરાંગનાઓ માથે આ સમયે શું વીતતી હશે એ તો એ જ જાણે! પણ એનો અંદેશો પણ આપણને ધ્રૂજાવી મૂકે છે. એકબાજુ તેમના ચહેરા પર દર્દ અને બીજી બાજુ માતૃભૂમિનું ગૌરવ હતું!

Image Source

આવું મૃત્યુ તપેશ્વરને નથી મળતું, ના દાની ને મળતું કે ના જ્ઞાનીને! મહાભારતમાં સૌથી શ્રેષ્ઠ મરણ અભિમન્યુનું માનવામાં આવે છે. જિંદગીના હજારો કોડને ભૂલી જઈને એકીસાદે ફના થઈ જનાર આવા અભિમન્યુ જ્યાં સુધી પાકતા રહેશે ત્યાં સુધી દુશ્મન જખ મારતો રહેવાનો!
પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના 🙏

Author: કૌશલ બારડ: GujjuRocks Team