હોટલની સબ્જીમાંથી નીકળ્યો વંદો ! પાટણની ફેમસ હોટલમાં પરિવાર સાથે જમવા ગયેલ વકીલની સબ્જીમાંથી નીકળ્યો વંદો

વકીલને કડવો અનુભવ થયો, ફેમસ હોટલમાં પરિવાર સાથે જમવા ગયેલ વકીલની સબ્જીમાંથી નીકળ્યો વંદો

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી અવાર નવાર કોઇ રેસ્ટોરન્ટમાંથી કે અન્ય જગ્યાએ ભોજનમાંથી જીવજંતુ નીકળવાની ઘટના સામે આવી રહી છે. હાલમાં જ થોડા સમય પહેલા અમદાવાદમાં પિઝામાંથી જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ સામે આવી હતી. બોપલ અને એલિસબ્રિજ વિસ્તારના પિઝા સેન્ટરના પિઝામાંથી વંદો અને જીવાત નીકળ્યા બાદ જોધપુર ચાર રસ્તા પાસે આવેલ લાપીનોઝ પિઝા સેન્ટરમાંથી પણ મંગાવવામાં આવેલા પિઝામાંથી મળેલો વંદો નીકળ્યો હતો.

ત્યારે હવે અમદાવાદ બાદ હવે પાટણમાંથી આવી ઘટના સામે આવી છે. પાટણના ચાણસ્મા હાઇવે રોડ પર આવેલ હોટલ ગ્રાન્ડ પિયાનોમાં રાધનપુર ખાતે રહેતાં એડવોકેટ ઉતમભાઈ જીવરાણી પરિવાર સાથે જમવા ગયા હતા.

આ દરમિયાન વકીલના પત્નીની પ્લેટમાં જે સબ્જી પીરસવામાં આવી હતી, તેમાં મૃત વંદો જોવા મળ્યો અને આ પછી તેઓ ચોંકી ઉઠ્યા. આ બાબતે તેમણે પતિનું ધ્યાન દોર્યુ. જો કે, આ ઘટના બાદ હોટલ મેનેજરે કબુલાત સ્વિકારી મહિલા ગ્રાહક અને એડવોકેટ સમક્ષ દિલગીરી વ્યક્ત કરી.

તે પછી ગ્રાહક દ્વારા આ મામલે ફૂડ વિભાગને કાર્યવાહી કરવા રજૂઆત કરતા ફૂડ વિભાગ દ્વારા પનીર અંગારા સબજી, ગ્રેવી અને પનીરના નમૂના લઈ તપાસ માટે મોકલી આપ્યા હતા. હોટલ ધ ગ્રાન્ડ પિયાનોમાં બનેલ આ ઘટનાને પગલે ગ્રાહકોના આરોગ્ય સામે હોટલ મેનેજમેન્ટ દ્રારા જે બેદરકારી દાખવવામાં આવી તેને લઇને વકીલે રોષ વ્યક્ત કર્યો હતો.

Shah Jina