મોંઘવારી વચ્ચે મોટી રાહત, CNG-PNGની કિંમતોમાં થયો મોટો ઘટાડો, જલ્દી વાંચો નવો રેટ

મોંઘા ઈંધણના ભાવથી પરેશાન લોકોને સ્વતંત્રતા દિવસના એક દિવસ બાદ રાહતના સમાચાર મળ્યા છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ અને ગેસની વધતી કિંમતો વચ્ચે સરકાર દ્વારા પુરવઠો વધ્યા બાદ મહાનગર ગેસ લિમિટેડે CNG અને PNGના ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે. આનો ફાયદો દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈના લોકોને મળવા જઈ રહ્યો છે. કંપનીએ કહ્યું કે CNG અને PNGની નવી કિંમતો મંગળવાર રાતથી જ લાગુ થઈ ગઈ છે. સરકારી માલિકીની ગેસ વિતરણ કંપની મહાનગર ગેસ લિમિટેડે મંગળવારે રાત્રે મુંબઈમાં CNG અને PNGના ભાવ ઘટાડવાની જાહેરાત કરી હતી.

કંપનીએ જણાવ્યું કે શહેરમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલો રૂ. 6 અને પીએનજીના ભાવમાં પ્રતિ એસસીએમ રૂ. 4નો ઘટાડો કરવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું કે ગેસના મામલામાં સરકારી પુરવઠામાં વધારો થવાને કારણે તેને CNG-PNGની કિંમત ઘટાડવામાં મદદ મળી છે.આ સિવાય વૈશ્વિક બજારમાં કિંમતોમાં નરમાઈથી પણ કંપનીને મદદ મળી છે. મહાનગર ગેસ લિમિટેડના સત્તાવાર નિવેદન અનુસાર, કિંમતમાં ઘટાડા બાદ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં CNGની કિંમત હવે 80 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

તેવી જ રીતે, PNGની નવી કિંમત સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર દીઠ 48.50 રૂપિયા થઈ ગઈ છે. કંપનીએ કહ્યું કે કિંમતમાં ઘટાડા બાદ CNG પર ચાલતા વાહનોની ઈંધણની કિંમતમાં 48 ટકાનો ઘટાડો થશે, જ્યારે PNG યુઝર્સ એલપીજીની સરખામણીમાં 18 ટકા સુધીની બચત કરી શકશે.જણાવી દઇએ કે, આ મહિનાની શરૂઆતમાં મહાનગર ગેસે સીએનજી અને પીએનજીના છૂટક ભાવમાં વધારો કર્યો હતો.

3 ઓગસ્ટના રોજ જારી કરાયેલા એક નિવેદનમાં કંપનીએ જણાવ્યું હતું કે, તેણે તાત્કાલિક અસરથી CNG માટે 6 રૂપિયા પ્રતિ કિલો અને પાઇપ્ડ નેચરલ ગેસ માટે 4 રૂપિયા પ્રતિ યુનિટના વધારાની જાહેરાત કરી છે. આ વર્ષે એપ્રિલ પછી કિંમતમાં આ છઠ્ઠો વધારો હતો. જો કે, હવે કંપનીએ CNG-PNGની કિંમતોમાં ઘટાડો કર્યો છે.

Shah Jina