CM વિજય રૂપાણીની તબિયત સ્થિર, ચક્કર આવતા તેઓ સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇને વડોદરામાં એક સભાને સંબોધી હતી. આ ચૂંટણી સભામાં મુખ્યમંત્રીને ચક્કર આવતા તેઓ સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાંચ વાગ્યે તરસાલી, છ વાગ્યે કારેલીબાગમાં ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો. ત્યાર બાદ તેઓ લગભગ 8.30 વાગ્યાના અરસામાં પ્રચાર કરવા માટે નિઝામપુરા પહોંચ્યા હતા. સભા શરૂ થયાના લગભગ 5 મિનીટ બાદ મુખ્યમંત્રીને ચક્કર આવતા તેઓ સ્ટેજ પર ઢળી પડ્યા હતા. મંચ પર હાજર સિક્યોરીટી ગાર્ડે અને નેતાઓએ મુખ્યમંત્રીને ટેકો આપી તાત્કાલિક ખુરશી પર બેસાડ્યા હતા.

જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને તાત્કાલિક અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ખબર સાંભળતા પત્ની અંજલિબેન પણ રાતે રાજકોટના નિવાસસ્થાનેથી અમદાવાદ યુ.એન. મહેતા હોસ્પિટલ આવવા રવાના થઇ ગયા હતા.

મુખ્યમંત્રીનું બ્લડ સુગર ઘટી ગયુ હતુ. તરત જ મુખ્યમંત્રીને 25 ટકા માત્રાનું ગ્લુકોઝ આપવામાં આવ્યુ હતુ. ગ્લુકોઝ લીધાના દસ મિનિટમાં જ મુખ્યમંત્રી સ્વસ્થ થયા હતા અને જાતે જ સ્ટેજ પરથી ઉતરીને વડોદરા એયરપોર્ટ તરફ જવા રવાના થયા હતા. અંદાજે 45 મિનિટ બાદ હવાઈ માર્ગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અમદાવાદ એયરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં તેઓ પોતાની કારમાં આગળની સીટ પર બેસીને તમામ મીડિયાકર્મીઓનું અભિવાદન કરીને પોતે સ્વસ્થ્ય હોવાનો ઈશારો કર્યો હતો.સીએમ વિજય રૂપાણીની તબિયત બગડી હોવાની જાણ થતા જ પીએમ મોદીએ ફોન કરીને તેમના ખબર-અંતર પૂછ્યા હતા.

Shah Jina