ખબર

શું ગુજરાતમાં લાગશે લોકડાઉન ? CM રૂપાણીએ કહી દીધી આ મોટી વાત

દેશમાં કોરોના વાયરસનો હાહાકાર યથાવત છે, તેવામાં હાલમાં દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ કેસમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. કોરોના વાયરસના કારણે સૌથી વધુ મોતના મામલાઓમાં ભારતએ મેક્સિકોને પાછળ છોડી દીધું છે અને ત્રીજા નંબર પર આવી ગયું છે. દેશમાં અત્યાર સુધીમાં 2 લાખ 22 હજાર 408 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ મામલામાં અમેરિકા પહેલા નંબર પર છે. અહીં 5.92 લાખ અને બ્રાઝિલમાં 4.07 લાખ લોકોનાં મોત થયા છે. ચોથા નંબરે પહોંચેલા મેક્સિકોમાં અત્યાર સુધીમાં 2.17 લાખ દર્દીઓનાં મોત થયા છે.

દેશના મોટાભાગના રાજ્યો લોકડાઉન તરફ વળ્યા છે. ત્યારે ગુજરાતમાં લોકડાઉન આવશે કે નહીં? તેવો લોકોનો સવાલ છે. આજે સીએમ વિજય રૂપાણી જૂનાગઢમાં કોરોનાની સ્થિતિ જાણવા પહોંચ્યા હતા. ત્યાં એક ઉચ્ચસ્તરીય બેઠક બાદ રાજ્યમાં લોકડાઉન અંગે એક નિવેદન આપ્યું છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં હાલમાં જે પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે તેની અવધિ આવતીકાલે સમાપ્ત થવા જઈ રહી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ જુનાગઢમાં આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યમાં લોકડાઉન અંગે આજે સાંજે બેઠક બાદ નિર્ણય લેવામાં આવશે.

તમને જણાવી દઇએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની બીજી લહેર શરૂ થતાં જ ભય વ્યક્ત કરીને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને તાકીદ કરી હતી કે કોરોના સંક્રમણ ગામડામાં ફેલાશે તો બહુ મોટી મુશ્કેલી થશે. તેથી પ્રત્યેક રાજ્ય સરકારોએ ગામડાને સુરક્ષિત રાખવાની જરૂર છે. વડાપ્રધાનના આ ભયને ગંભીરતાથી લેવામાં ના આવતા આજે ગુજરાતના ગામે ગામ કોરોના સંક્રમણ વધતું જાય છે. જેના કારણે ગ્રામ્યજનો સરકારની રાહ જોયા વિના સ્વયંભૂ લોકડાઉનથી માંડીને સલામતી અને સારવારની વ્યવસ્થા ગોઠવી રહ્યા છે.

રાજ્યના સીએમ વિજય રૂપાણીએ ગુજરાતમાં લોકડાઉન અંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોકડાઉન આવશે કે નહીં તે મુદ્દે આજે સાંજ સુધીમાં યોગ્ય નિર્ણય લેવાશે. તેના માટે આજે બપોર પછી એક બેઠક મળવાની છે. જેમાં રાજ્યની સ્થિતિની સમીક્ષા કરીને કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેમ રૂપાણીએ જણાવ્યું હતું.

સીએમ વિજય રૂપાણીએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. જેમાં દર્દીઓના સગાઓને મળીને CMએ આશ્વાસન આપ્યું હતું. સિવિલ હોસ્પિટલોમાં અચાનક કેસમાં ઘટાડો નોંધાયો છે.