ખબર

લોકડાઉનને લઇ ફરી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યુ નિવેદન, જાણો વિગત

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે ‘મારું ગામ કોરોના મુક્ત ગામ’ હેઠળ કલોલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે આરસોડિયા ગામના સરપંચ અને અગ્રણીઓ સાથે ચર્ચા કરીને ગામના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. ત્યારે મીડિયા સંબોધનમાં તેમણે કહ્યું હતું કે, ગામમાં આવેલો કોરોના ત્યાં જ અટકાવવો જરૂરી છે. ગામ સ્વચ્છ થશે તો ગુજરાતમાં બીજી લહેર પર વિજય મેળવી શકીશું. બીજી લહેરમાં વધુ નુકસાન ન થાય તેવા પ્રયાસ કરીશું. ત્રીજી લહેર માટે રાજ્ય સરકારે પ્લાનિંગ શરૂ કર્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હાલ કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે, તેના કારણે અમે એક્સપર્ટસ ડોક્ટરોની ટીમ, રિસર્ચની ટીમ, વૈજ્ઞાનિકો, ઈન્ફ્રાસ્ટ્રક્ચરના એક્સપર્ટસ સાથે તાબડતોડ મીટિંગ કરીશું. હાલ બીજી લહેર ચાલી રહી છે, પરંતુ આપણે ત્રીજી લહેર માટે જરૂરી તૈયારી પણ આરંભી દીધી છે.

CM રૂપાણીએ આ ગામમાં મોટું નિવેદન આપ્યું હતું કે રાજ્યમાં ઑક્સીજનની અછતથી કોઈનું મૃત્યુ થયું નથી. પ્રથમ લહેર કરતાં બીજી લહેરમાં કેસ વધ્યા છે પરંતુ બેડ વગર લોકો હેરાન હોય તેવી સ્થિતિ નથી. રાજ્યમાં કોરોના કેસ ઘટતા જાય છે અને સરકારે ત્રીજી લહેરની તૈયારી પણ શરૂ કરી દીધી છે. સરકાર ઑક્સીજન અંગે મોનીટરીંગ કરી રહી છે.

CM રૂપાણીએ અહીંના લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી છે અને કામ વગર બહાર નીકળવું નહીં તેવું ગ્રામજનોને કહ્યું છે. આપણે કોરોના પડકારનો સામનો કરીશું. બીજી લહેરમાં આપણી પાસે વધારે વ્યવસ્થા છે. ઓક્સિજન છે ,રેમડેસિવિર છે અને ડોક્ટર છે અને પ્રથમ લહેરમા આપણી પાસે અટલી વ્યવસ્થા ન હતી. CM રૂપાણીએ લોકોને હિંમત અપાવતા કહ્યું હતું કે જો ડર ગયા વો મર ગયા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, હાલ કેસ ઘટી રહ્યા હોવાથી લોકડાઉનનું કોઈ આયોજન નથી. વિવિધ રાજ્ય લોકડાઉન કેસોની સંખ્યાના આધારે કરી રહ્યા છે. ગામડામાં આવેલા કોરોનાને આપણે ગામડામાં જ અટકાવી દેવાના છે. ગામડામાં આઇસોલેશન સેન્ટર બને, હોમ આઇસોલેશન ઓછું કરવામાં આવે. ગામમાં બધાનાં ટેસ્ટ કરવાનાં બદલે લક્ષણોવાળાનાં ટેસ્ટ કરવાનું નક્કી કર્યું છે.

ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો હતો. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 12,064 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 119ના કોરોનાથી મૃત્યુ થયા હતા. રાજ્યમાં 19 એપ્રિલ બાદ કોરોનાના આ સૌથી ઓછા દૈનિક કેસ છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં વધુ 13,085 દર્દીઓ કોરોનાથી સાજા થયા હતા.