ખબર

ગાંધીનગરના છપારામાં રહેતા સફાઈકર્મીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પરિવાર સાથે બેસીને લીધું ભોજન, આત્મીયતા જોઈને ભાવુક થયો, જુઓ તસવીરો

ગુજરાતમાં ટૂંક સમયમાં જ હવે ચૂંટણી થવાની છે જેના કારણે દરેક પક્ષ પોતાને મજબૂત કરવામાં અને પ્રજાનો પ્રેમ મેળવવામાં લાગી ગયો છે, થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને આ દરમિયાન તેમને એક રીક્ષા ચાલકના ઘરે પણ ભોજન લીધું હતું, જેની ખુબ જ ચર્ચાઓ પણ થઇ હતી. ત્યારે હવે અરવિંદ કેજરીવાલ વધુ એકવાર ચર્ચામાં આવ્યા છે અને આ વખતે તે ગુજરાતના ગાંધીનગરના એક સફાઈકર્મી સાથે પોતાના ઘરે ભોજન કરતા જોવા મળ્યા.

ગાંધીનગરમાં ઝૂંપડામાં રહેતો સફાઈ કર્મચારી હર્ષ સોલંકી પરિવાર સાથે દિલ્હી પહોંચ્યો. તે પરિવાર સાથે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના ઘરે ગયો અને CM કેજરીવાલે તેમના સમગ્ર પરિવારનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું. આ સાથે જ હર્ષ સોલંકીએ સીએમ કેજરીવાલને બાબાસાહેબની તસવીર ભેટ કરી હતી.

સીએમ કેજરીવાલે ગુજરાતના સ્વચ્છતા કાર્યકર હર્ષ સોલંકીના પરિવારને તેમના નિવાસસ્થાને જમવાનું આયોજન કર્યું હતું અને હર્ષના પરિવાર સાથે લંચ પણ લીધું હતું. આ દરમિયાન સીએમ કેજરીવાલ સિવાય AAP સાંસદ રાઘવ ચઢ્ઢા અને ગુજરાત AAP પ્રમુખ ગોપાલ ઈટાલિયા હાજર હતા. હર્ષના પરિવાર સાથે લંચ કર્યા બાદ CMએ મીડિયા સાથે વાત પણ કરી હતી.

અરવિંદ કેજરીવાલે કહ્યું “અમારા આખા પરિવારને ગમ્યું કે હર્ષ સોલંકી, તેની માતા અને તેની બહેન મારા આમંત્રણ પર અમારા ઘરે આવ્યા અને મારા આખા પરિવાર સાથે લંચ કર્યું. ગુજરાતથી અમારા ઘરે આટલા દૂર આવવા બદલ હું તેમના સમગ્ર પરિવારનો આભાર માનું છું.” આ ઉપરાંત સીએમ કેજરીવાલે આ મીટિંગ વિશે ટ્વિટ કર્યું અને લખ્યું – “ગુજરાતથી હર્ષ સોલંકીના પરિવારનું તેમના ઘરે સન્માન મેળવવાનો સૌભાગ્ય મળ્યુ. અમારા બંને પરિવારોએ સાથે બેસીને ભોજન કર્યું. ભગવાન તેમના સમગ્ર પરિવારને આશીર્વાદ આપે. સમૃદ્ધિ અને ઘણી પ્રગતિ.”

દિલ્હી પહોંચીને હર્ષ સોલંકીએ તેના પરિવાર સાથે દિલ્હીની સરકારી શાળા અને હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી. દિલ્હી પહોંચ્યા બાદ મીડિયા સાથે વાત કરતા હર્ષ સોલંકીએ કહ્યું “મને ઘરે જમવાનું આમંત્રણ આપવા બદલ હું સીએમ અરવિંદ કેજરીવાલનો આભાર માનું છું. આવું ક્યારેય નહોતું વિચાર્યું. ખુલ્લી આંખે સપના જોતા હોય એવું લાગે છે. અમને દ્રઢ આશા છે કે આમ આદમી પાર્ટી ગુજરાતના વાલ્મિકી સમાજના પ્રશ્નોનું નિરાકરણ કરશે.”

તમને જણાવી દઈએ કે સીએમ કેજરીવાલના ગુજરાત પ્રવાસ દરમિયાન રવિવારે સફાઈ કાર્યકર હર્ષ સોલંકીએ તેમને અમદાવાદમાં તેમના ઘરે ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન સીએમ કેજરીવાલે હર્ષને તેના પરિવાર સાથે તેના ઘરે ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. આ પછી સીએમએ કહ્યું હતું કે સોમવારે ગુજરાતમાંથી હર્ષ સોલંકી તેના પરિવાર સાથે મારા ઘરે જમવા આવશે. મારો આખો પરિવાર તેને આવકારવા આવશે. હર્ષ, પરિવારમાં સ્વાગત છે.